બિલાસપુર (મ.પ્ર.) : મધ્યપ્રદેશના પૂર્વભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 30´ ઉ. અ. અને 82° 30´ પૂ. રે.ની આજુબાજુનો 19,897 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે શાહડોલ અને સરગુજા જિલ્લાઓ, પૂર્વમાં રાયગઢ જિલ્લો, દક્ષિણે રાયપુર અને દુર્ગ જિલ્લાઓ, નૈર્ઋત્યમાં રાજનાંદગાંવ જિલ્લો તથા પશ્ચિમમાં માંડલા જિલ્લો આવેલા છે. આ જિલ્લાનું નામ જિલ્લામથક બિલાસપુર પરથી પાડવામાં આવેલું છે. બિલાસપુરની સ્થાપના આશરે સોળમા સૈકામાં બિલાસ કેવટીન નામની માછીમાર સ્ત્રીએ કરેલી હોવાનું કહેવાય છે.

બિલાસપુર જિલ્લો (મધ્યપ્રદેશ)

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લો ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ તરફની ત્રણ બાજુએ ટેકરીઓથી ઘેરાયેલો છે, માત્ર દક્ષિણ સીમા ખુલ્લી છે, ત્યાં થઈને મહા નદી અને શિવનાથ નદીઓ વહે છે. જિલ્લાની વાયવ્ય સીમા પર સાતપુડા પર્વતમાળાના પૂર્વ છેડા તરફની ઈશાન-નૈર્ઋત્ય વિસ્તરેલી મૈકલ હારમાળા આવેલી છે. ઉત્તર ભાગમાં નાના નાના ઉચ્ચસપાટપ્રદેશીય ભાગો સહિતની વારાફરતી ગોઠવાયેલી અનિયમિત ટેકરીઓની હારમાળાઓ જોવા મળે છે. પૂર્વ સીમા પરની શક્તિ ટેકરીઓ મહા નદી સુધી વિસ્તરેલી છે. આ રીતે દક્ષિણ ભાગને બાદ કરતાં બાકીનો બધો જ ગોળાકાર ભાગ ટેકરીઓથી રચાયેલો છે. વચ્ચેના મેદાની વિસ્તારમાં સોન્થી અને દલ્હા નામની બે છૂટીછવાઈ ડુંગરધારો આવેલી છે, તે પૈકીની દલ્હા ડુંગરધાર ઊંચી હોવાથી દૂરથી પણ નજરે પડે છે. જિલ્લાનો સામાન્ય ઢોળાવ વાયવ્યથી અગ્નિતરફી છે. પશ્ચિમતરફી મેદાની ભાગ 300 મીટર અને પૂર્વતરફી અગ્નિ છેડાનો ભાગ 225 મીટરની ઊંચાઈ ધરાવે છે. જિલ્લાનું સર્વોચ્ચ સ્થળ લીલવાની 1,110 મીટરની ઊંચાઈવાળું છે.

ખેતી-ઉદ્યોગ-વેપાર : જિલ્લાના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, ઘઉં, ચણા, મગફળી અને જુવારનો સમાવેશ થાય છે. નહેરો તથા પાતાળકૂવા મારફતે સિંચાઈ થાય છે. ગાયો અને ભેંસો અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. અહીં ચોખાની અને તેલની થોડીક મિલો સિવાય અન્ય કોઈ ઉદ્યોગો વિકસ્યા નથી, અનાજ અને ટીમરુનાં પાંદડાંનો જથ્થાબંધ વેપાર થાય છે.

વાહનવ્યવહાર–પ્રવાસન : બિલાસપુર નગર તથા બિલાસપુર તાલુકા વિભાગ કૉલકાતા–નાગપુર દક્ષિણ-પૂર્વીય રેલમાર્ગ પર આવેલા છે. આ જિલ્લો સડકમાર્ગોથી પણ સારી રીતે સંકળાયેલો છે. જિલ્લાભરમાં કોઈ પ્રવાસયોગ્ય સ્થળો નથી; પરંતુ અહીં મદકુઘાટ મેળો, ખ્રિસ્તી મેળો, કબીરપંથી મેળો, કુતીઘાટ મેળો જેવા મેળાઓ યોજાય છે. માઘપૂર્ણિમા, શિવરાત્રિ, હોળી, ચૈત્રી પૂર્ણિમા અને દશેરાના દિવસોએ પણ મેળાઓ ભરાય છે.

વસ્તી : 1991 મુજબ જિલ્લાની વસ્તી 37,93,566 છે, તે પૈકી 19,17,420 પુરુષો અને 18,76,146 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 31,48,763 અને 6,44,803 જેટલું છે. અહીં હિન્દી, મરાઠી, સિંધી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે તથા હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન તેમજ અન્ય ધર્મના લોકો રહે છે. જિલ્લામાં શિક્ષિતોનું પ્રમાણ 13,77,634 છે, તે પૈકી 9,67,420 પુરુષો અને 4,10,214 સ્ત્રીઓ છે; ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 9,96,179 અને 3,81,455 જેટલું છે. જિલ્લામાં પૂરતા પ્રમાણમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કૉલેજો તથા વ્યાવસાયિક તેમજ અન્ય શિક્ષણસંસ્થાઓ છે. એ જ રીતે અહીં પૂરતા પ્રમાણમાં એક કે બીજા પ્રકારની તબીબી સેવાસંસ્થાઓની સગવડ પણ છે. અહીંથી ‘નવભારત’ (હિન્દી) દૈનિક સમાચારપત્ર બહાર પડે છે. આ જિલ્લાને વહીવટી સરળતા માટે 15 તાલુકાઓ અને 25 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. આ જિલ્લામાં બિલાસપુર અને કોરબા એક લાખથી વધુ વસ્તીવાળાં શહેરો છે.

ઇતિહાસ : 1905 સુધી તો આ જિલ્લો આજે છે તે કરતાં ઘણો મોટો વિસ્તાર ધરાવતો હતો. 1905–06માં તેમાં બે મહત્વના ફેરફારો થયા. 1905માં સંબલપુર જિલ્લો બંગાળમાં ભેળવવામાં આવ્યો અને તેની મલ્ખા રોડ તથા ચંદનપુર-પદમપુર જાગીરોને બિલાસપુરમાં મૂકી, બિલાસપુરનો કેટલોક ભાગ દુર્ગ જિલ્લામાં લઈ જવાયો. આ સાથે કેટલોક ભાગ રાયપુર જિલ્લામાં પણ ગયો. 1936માં ઓરિસા રાજ્યની રચના વખતે આ જિલ્લાનો થોડોક ભાગ ત્યાં લઈ જવાયો તેથી તેનો વિસ્તાર વધુ ઘટ્યો. 1951થી 1961 દરમિયાન શક્તિ તાલુકો બિલાસપુર જિલ્લામાં મુકાયો. નવા શક્તિ તાલુકામાં 283 ગામડાં મૂકી તેનો વિસ્તાર વધારાયો અને બિલાસપુર તાલુકામાંથી 17 ગામડાં મુંગેલી તાલુકામાં મુકાયાં.

ગિરીશભાઈ પંડ્યા