બિલિયર્ડ : એક વિદેશી રમત. આ રમતનું ઉદભવસ્થાન ફ્રાન્સ ગણાય છે. ઇંગ્લૅન્ડમાં આ રમત અંગ્રેજ ઉમરાવો પોતાનાં મકાનોમાં મનોરંજન માટે રમતા હતા. પછી આ રમત મકાનોમાંથી ક્લબોમાં રમાવા લાગી. ઇંગ્લૅન્ડમાંથી ભારતના રાજાઓ બિલિયર્ડની રમતને ભારતમાં લાવ્યા. સાધનસંપન્ન વ્યક્તિઓ ફુરસદના સમયમાં મનોરંજન માટે આ રમત રમતા. એકલી વ્યક્તિ પણ કલાકોના કલાકો સુધી આ રમત રમી સમય વ્યતીત કરી શકે છે.

આ રમતમાં ચોકસાઈ અને મહાવરો અતિ મહત્વનાં છે. બિલિયર્ડના સારા ખેલાડી બનવા માટે મુલાયમ ખૂણાની પસંદગી, ફટકા ઉપર કાબૂ અને વેધક નજર એ પ્રાથમિક જરૂરિયાત છે.

સ્પર્ધાત્મક બિલિયર્ડ બે વ્યક્તિઓ વચ્ચે અથવા બે જોડી વચ્ચે રમાય છે. રમતમાં ત્રણ દડાનો ઉપયોગ કરાય છે. ત્રણ દડામાં એક દડો સફેદ હોય છે; બીજો નિશાનીવાળો સફેદ દડો હોય છે અને ત્રીજો દડો લાલ રંગનો હોય છે. દડાને ફટકારવા માટેની લાંબી લાકડી ‘ક્યૂ’ (CUE) તરીકે ઓળખાય છે. લાકડીની અણીથી દડાને ધકેલી, ટેબલ ઉપર રાખવામાં આવેલા જાળીવાળા ખાનામાં મોકલીને અથવા દડાને બીજા દડા સાથે અથડાવીને ગુણ મેળવવાના હોય છે.

વેધક ર્દષ્ટિથી અચૂક લક્ષ્ય તાકતા બિલિયર્ડના રમતવીર

ટેબલ 12´ × 6´ × 11½″નું હોય છે. ટેબલ ઉપર ખાસ પ્રકારનું કીમતી કાપડ લગાવેલું હોય છે. ટેબલના ચાર ખૂણે ચાર અને બંને બાજુએ મધ્યમાં બે – એમ કુલ છ ખાનાં હોય છે. જે ત્રણ દડાઓ રમતમાં વપરાય છે તેમનો વ્યાસ 5.3 સેમી.નો હોય છે. બંને પ્રતિસ્પર્ધીઓ સફેદ રંગના દડા(ક્યૂબૉલ)નો ઉપયોગ કરતા હોય છે. લાલ રંગના દડાને લાકડી વડે સ્પર્શ કરી શકાતો નથી. ક્યૂ જુદી જુદી લંબાઈની હોય છે. તે પાછળથી જાડી અને આગળથી અણીદાર હોય છે. ક્યૂ 3´ કરતાં ઓછી લંબાઈની હોતી નથી. ક્યૂ વડે બૉલને રમતી વખતે ખેલાડીનો એક પગ જમીન પર હોવો જોઈએ. જ્યારે ફટકા વડે ગુણ પ્રાપ્ત ન થાય ત્યારે ખેલાડી આગળ રમવાની તક ગુમાવે છે.

ગુણની ગણતરી : રમનાર ખેલાડી પોતાના ક્યૂબૉલથી બીજા સફેદ દડાને તથા લાલ દડાને ખાનામાં મોકલી આપે તો અનુક્રમે બે અને ત્રણ ગુણ પ્રાપ્ત કરે છે. લાલ દડાને સતત વધારેમાં વધારે પાંચ વખત ખાનામાં મોકલી શકાય છે. રમનાર ખેલાડીનો ક્યૂબૉલ સફેદ તથા લાલ દડાને અથડાઈને ખાનામાં જાય તો અનુક્રમે બે અને ત્રણ ગુણ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેનો ક્રમ સતત 15 વખત કરાય છે. ક્યૂબૉલ બીજા બંને બૉલને અથડાય તો બે ગુણ આપવામાં આવે છે; પરંતુ ક્યૂબૉલ બંને દડાને અથડાઈને ખાનામાં જાય તે વખતે જો ક્યૂબૉલ પહેલાં સફેદ દડાને અથડાયો હોય તો બે ગુણ, પરંતુ લાલ દડાને અથડાયો હોય તો ત્રણ ગુણ વધારાના આપવામાં આવે છે. આવું જ્યારે બને ત્યારે તેને કૅનન કહેવામાં આવે છે. સતત સાત વખત કૅનન ગણતરીમાં લેવામાં આવે છે. ગુજરાતના ગીત સેઠીએ બિલિયર્ડની રમતમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે.

બિલિયર્ડ રમતના કેટલાક વિક્રમો

વિશ્વવિક્રમ –

સૌથી વધારે વર્લ્ડ ટાઇટલ (વ્યવસાયી) : આઠ : જૉન રૉબર્ટ જુનિયર (1847–1919), 1870 (બે વાર), 1871, 1875 (બે વાર), 1877 અને 1885 (બે વાર).

સૌથી વધારે ઍમેટર ટાઇટલ : ચાર : રૉબર્ટ માર્શલ, ઑસ્ટ્રેલિયા : 1936, 1938, 1951, 1962.

ભારતીય વિક્રમ –

પ્રથમ વિશ્વશ્રેષ્ઠ (ઍમેટર) :

        વિલ્સન જૉન્સ (જ. 1922). કલકત્તા, 1958.

અન્ય વિશ્વશ્રેષ્ઠ (ઍમેટર) :

        માઇકલ ફરેરા : 1977, 1981 અને 1983.

        ગીત સેઠી : 1985 અને 1987.

        મનોજ કોઠારી : 1990.

સૌથી વધારે વર્લ્ડ ટાઇટલ :

        ત્રણ : માઇકલ ફરેરા : 1977, 1981, 1983.

નાની વયે વર્લ્ડ ટાઇટલ :

        ગીત સેઠી (જ. 1961) : 1985માં 24 વર્ષની વયે.

પ્રથમ એશિયાઈ શ્રેષ્ઠ :

        ગીત સેઠી : મુંબઈ 1987.

પ્રથમ વ્યવસાયી :

        માઇકલ ફરેરા : 1987.

પ્રથમ વ્યવસાયી વિશ્વશ્રેષ્ઠ :

        ગીત સેઠી : મુંબઈ 1992.

હર્ષદભાઈ પટેલ