તૈયબજી, બદરુદ્દીન

March, 2016

તૈયબજી, બદરુદ્દીન (જ. 10 ઑક્ટોબર 1844, મુંબઈ; અ. 19 સપ્ટેમ્બર 1906, લંડન) : હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપનામાં મહત્વનો ભાગ લેનાર રાષ્ટ્રવાદી નેતા, કુશળ ધારાશાસ્ત્રી, નીડર ન્યાયાધીશ અને સમાજસુધારક. મુંબઈમાં રૂઢિચુસ્ત સુલેમાની મુસ્લિમ કુટુંબમાં જન્મેલા બદરુદ્દીન તૈયબજીના પિતા ભાઈમિયાં જૂના ખંભાતમાં વસેલા આરબ કુટુંબના નબીરા હતા. ભાઈમિયાં(તૈયબઅલી)એ મુંબઈમાં તૈયબજી ઍન્ડુ કું. નામની પોતાની પેઢી સ્થાપી હતી. તેમણે 1853માં ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી અને ત્યાર પછી પોતાના બધા (છ) પુત્રોને પણ ઇંગ્લૅન્ડ મોકલ્યા. ભાઈમિયાંએ પોતાની પુત્રીઓને કુરાનનું ધાર્મિક શિક્ષણ આપ્યું હતું તથા ફારસી, ઉર્દૂ, ગુજરાતી વગેરે ભાષાઓ પણ શીખવવાનો પ્રબંધ કર્યો હતો.

બદરુદ્દીન તૈયબજી

બદરુદ્દીને તેમના મોટા ભાઈ કમરુદ્દીન પાસેથી પ્રેરણા લીધી હતી. કમરુદ્દીન ઇંગ્લૅન્ડમાં સાત વર્ષથી પણ વધારે સમય સુધી રહીને પ્રથમ ભારતીય સૉલિસિટર તરીકે પાછા ફર્યા હતા (1858). બદરુદ્દીન 15 વર્ષની વયે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં તેમણે લૅટિન, ફ્રેંચ તેમજ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવીને ઇનામો પ્રાપ્ત કર્યાં. લંડનમાં મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી આંખની તકલીફને લીધે તેમને ભારત પાછા ફરવું પડ્યું. અહીં તેમણે ઉર્દૂ, અરબી, ફારસી, ગુજરાતી તેમજ મરાઠી ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ભારતમાં એક વર્ષ રહીને અને રહત્-ઉન-નફસ સાથે લગ્ન કરીને તે કાયદાના અભ્યાસ માટે ફરી ઇંગ્લૅન્ડ ગયા અને 1867માં મિડલ ટેમ્પલમાંથી બૅરિસ્ટર થયા. મુંબઈમાં તેઓ પ્રથમ ભારતીય બૅરિસ્ટર હતા. ટૂંક સમયમાં તેઓ મુંબઈના ખૂબ આગળ પડતા ધારાશાસ્ત્રી તરીકે જાણીતા થયા.

બદરુદ્દીને 1871થી જાહેર જીવનમાં ભાગ લેવાની શરૂઆત કરી. તે વર્ષે તેમણે મુંબઈ મ્યુનિસિપાલિટીમાં  ચૂંટણીપ્રથા દાખલ કરવા માટેના આંદોલનમાં ભાગ લીધો. પરિણામે સરકારને તેનો સ્વીકાર કરવો પડ્યો. મ્યુનિસિપલ કાઉન્સિલની પ્રથમ ચૂંટણીમાં સૌથી વધારે મત તેમણે પ્રાપ્ત કર્યા હતા. ફિરોઝશાહ મહેતા, કાશીનાથ તેલંગ અને બદરુદ્દીન તૈયબજીની ત્રિપુટીએ મુંબઈના જાહેરજીવનમાં મહત્વનો ફાળો આપ્યો હતો. 1882માં બદરુદ્દીન મુંબઈની લેજિસ્લેટીવ કાઉન્સિલના સભ્ય થયા; પરંતુ નબળી તબિયતને લીધે 1886માં તેમણે રાજીનામું આપ્યું. 1885માં મુંબઈ પ્રેસિડેન્સી ઍસોસિયેશનની સ્થાપના અને તેના સંચાલનમાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો અને તે જ વર્ષે ડિસેમ્બરમાં મુંબઈ પ્રેસિડેન્સી ઍસોસિયેશનના ઉપક્રમે હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ભરવામાં આવ્યું. બદરુદ્દીન અને તેમના ભાઈ કમરુદ્દીન આ અધિવેશનમાં પ્રતિનિધિ હતા. ચેન્નાઈમાં ભરાયેલ ત્રીજા અધિવેશન (1887) માટે બદરુદ્દીન સર્વાનુમતે પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે મુસ્લિમોને મોટી સંખ્યામાં કૉંગ્રેસની પ્રવૃત્તિમાં ભાગ લેવાનું એલાન કર્યું હતું.

બદરુદ્દીને શૈક્ષણિક અને સમાજસુધારાની પ્રવૃત્તિમાં પણ સક્રિય રસ લીધો હતો. મુસ્લિમોમાં શિક્ષણના ફેલાવા માટે મુંબઈમાં અન્જુમન-એ-ઇસ્લામ જેવી શિક્ષણસંસ્થાની સ્થાપના(1896)માં તેમનું અને તેમના ભાઈ કમરુદ્દીનનું પ્રદાન મહત્વનું હતું. મુસ્લિમ સમાજમાં સુધારા દાખલ કરવા માટે તેમણે પ્રયાસ કર્યા. તે પર્દાપદ્ધતિના વિરોધી હતા. તેમણે પોતાની પુત્રીઓને પણ અભ્યાસ માટે વિદેશ મોકલી હતી.

નાજુક તબિયતને કારણે તેમણે 1895માં મુંબઈની વડી અદાલતના ન્યાયાધીશ તરીકે હોદ્દો સ્વીકાર્યો. 1902માં તેમણે મુંબઈની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ કામ કર્યું. મુંબઈમાં આ પદ પર આવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. નીડર અને તટસ્થ ન્યાયાધીશ તરીકે તેમણે પ્રશંસા પ્રાપ્ત કરી હતી. 1897માં બાળ ગંગાધર ટિળક સામેના કેસમાં ત્રણ વખત બીજા ન્યાયાધીશો દ્વારા ટિળકની જામીનગીરીની અરજી નામંજૂર કરવામાં આવી હોવા છતાં બદરુદ્દીને ટિળકને જામીનગીરી પર મુક્ત કર્યા હતા અને અંગ્રેજ વકીલો દ્વારા રાષ્ટ્રીય કૉંગ્રેસની કરવામાં આવતી વગોવણી બદલ તેમને ઠપકો આપ્યો હતો અને સ્પષ્ટતા કરી કે પોતે ન્યાયાધીશના હોદ્દા કરતાં કૉંગ્રેસના પ્રમુખપદને વધારે ગૌરવભર્યું ગણાવે છે.

બદરુદ્દીન તૈયબજીએ જાહેરજીવન અને રાજકારણમાં ઉદારવાદી અને બિનસાંપ્રદાયિક ર્દષ્ટિકોણ અપનાવ્યો હતો. તેમના પ્રયાસથી મુસ્લિમો મોટી સંખ્યામાં કૉંગ્રેસની પ્રવૃત્તિમાં ભાગ લેતા થયા, એ રીતે તેમણે કૉંગ્રેસને વિશાળ ફલક પર રાષ્ટ્રવાદી સ્વરૂપ આપવામાં મદદ કરી. શરૂઆતના ઉત્તમ રાષ્ટ્રવાદી નેતાઓમાં તેમનું સ્થાન વિશિષ્ટ રહ્યું છે. તેમનાં સંતાનોએ પણ જાહેરજીવનમાં આગળ પડતો ભાગ ભજવ્યો છે.

ર. લ. રાવળ