તૈયબજી, અબ્બાસ (જ. 1 ફેબ્રુઆરી 1854, વડોદરા; અ. 9 મે 1936) : વડોદરા રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ, ગુજરાતના રાષ્ટ્રવાદી નેતા અને ગાંધીજીના નિકટના સાથી.

અબ્બાસ તૈયબજીનો જન્મ ખૂબ સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. તેમના પિતામહ ભાઈમિયાં તૈયબજીએ સ્થાપેલી તૈયબજી ઍન્ડ કું. નામની પેઢીમાં તેમના પિતા શમ્સુદ્દીન ભાગીદાર હતા. આ પેઢીનો વ્યાપાર યુરોપ અને ચીન સાથે ચાલતો હતો. અબ્બાસ તૈયબજીનાં પ્રથમ લગ્ન અશરફ-ઉન્-નિસ્સા સાથે, અને તેના મૃત્યુ પછી બીજું લગ્ન તેમના કાકા બદરુદ્દીન તૈયબજીની પુત્રી અમીના બેગમ સાથે 1881માં થયું હતું.

અબ્બાસ તૈયબજીનો ઉછેર એક વિશાળ સંયુક્ત કુટુંબમાં થયો હતો. ઇસ્લામના ચુસ્ત અનુયાયી તરીકે તેમણે સહિષ્ણુતા, સ્વાવલંબન, ખુલ્લું મન અને હૃદયના ઔદાર્યની સાથે સારા વિચારો અપનાવવાની વૃત્તિ સતેજ રાખી હતી. તે પ્રવર્તમાન માન્યતાઓ અને વિચારો કરતાં ઘણા આગળ હતા. તેમણે ઘેર રહીને ઉર્દૂ, ફારસી અને કુરાનનો અભ્યાસ કર્યો. ઉપરાંત, મિશન સ્કૂલમાં અંગ્રેજીનો અભ્યાસ કર્યો હતો. અગિયાર વર્ષની વયે તેમને ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા. ત્યાં તેમણે 1872માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. અને 1875માં બૅરિસ્ટર થયા. અગિયાર વર્ષ સુધી તેમના ઇંગ્લૅન્ડના રહેવાસ દરમિયાન તે ત્યાંની સંસ્થાઓ તથા પાશ્ચાત્ય જીવનપદ્ધતિ અને વિચારોથી પ્રભાવિત થયા હતા.

અબ્બાસ તૈયબજી

1879માં અબ્બાસ તૈયબજી વડોદરા રાજ્યની વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે જોડાયા અને 1913માં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા.

મુસ્લિમ સમાજમાં કેળવણીનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી તેમણે તેના ફેલાવા માટે પ્રયાસ કર્યો. તે વડોદરાની અંજુમન-એ-ઇસ્લામ સંસ્થા તેમજ તેમના પિતામહે સ્થાપેલી સુરમાયા-જમાતે-સુલેમાની બૉર્ડિગ–સ્કૂલનાં ઘણાં વર્ષો સુધી પ્રમુખ રહ્યા હતા. વડોદરા તેમજ નગરવાડામાં પણ તેમણે બોર્ડિગ-સ્કૂલોની સ્થાપના કરી. ઉદાર અને સુધારાવાદી વિચારો તેમ જ વિવિધ ક્ષેત્રે તેમના રસને લીધે વડોદરાના જાહેર જીવનમાં તેમણે લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. તે સંગીત તેમજ રમત-ગમતના પણ ખૂબ શોખીન હતા.

હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપનાના સમય(1885)થી જ તેઓ તેના સભ્ય હતા. ગાંધીજીના કહેવાથી જલિયાંવાલા બાગ હત્યાકાંડના બનાવ અંગે રચાયેલી કૉંગ્રેસ તપાસ સમિતિમાં તેઓ જોડાયા (1919) અને ત્યાર પછી તે બ્રિટિશ શાસનના વિરોધી બન્યા. તે પછી તેમની જીવનર્દષ્ટિ અને શૈલીમાં મૂળભૂત પરિવર્તન આવ્યું. ગાંધીજીના પ્રભાવ હેઠળ તે અસહકાર આંદોલનમાં જોડાયા અને એક સત્યાગ્રહી તરીકે સાદગીનો સ્વીકાર કર્યો. તે વડોદરા પ્રજામંડળ સાથે પણ ગાઢ રીતે સંકળાયેલા હતા. 1920માં તે ગુજરાત રાજકીય પરિષદ(અમદાવાદ)ના પ્રમુખ બન્યા. તે ગુજરાત-કાઠિયાવાડની ખાદી-પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. તેમણે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો અને 1930ની દાંડીકૂચ વખતે ગાંધીજીની ધરપકડ પછી તે આંદોલનના મુખ્ય નેતા બન્યા હતા. તેથી તેમને 78 વર્ષની જૈફ વયે જેલમાં જવું પડ્યું હતું. 1932માં પણ તે ફરી જેલમાં ગયા હતા. 1933 અને 1935માં તે વડોદરા પ્રજામંડળના પ્રમુખ રહ્યા હતા.

ર. લ. રાવળ