તૈલચિત્ર : તેલમિશ્રિત રંગો વડે ચિત્રો કરવાની કળા. તૈલચિત્રની પ્રથા સૌપ્રથમ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પંદરમી સદીમાં બેલ્જિયમમાં વિકસી. તૈલરંગો વડે સૌપ્રથમ આલેખન કરનારા ચિત્રકારોમાં ઇયાન વાન આઇક (JAN VAN EYCK) છે. તેનો શ્રેણીબદ્ધ વિકાસ યુરોપમાં નવજાગરણ કાળ દરમિયાન પંદરમી સદીમાં થયો.

તૈલચિત્રના ઉદભવ અને વિકાસમાં વાસ્તવદર્શી વલણ કારણભૂત છે; આ વલણ ‘રેનેસાં’ [Renaissance] ચિત્રનું મુખ્ય લક્ષણ છે. ગૉથિક યુગના અંતમાં ચિત્રકલામાં ચિત્રસપાટી પર વધુ ને વધુ વાસ્તવિકતા આલેખવાનું વલણ દેખાયું. આ દરમિયાન મુખ્યત્વે જળરંગો, ઘટ્ટ જળરંગો (gouche) અને ટેમ્પેરાનો સમાવેશ થતો હતો. વાસ્તવિકતાને ચિત્રસપાટી પર ઉતારવા માટે આ રંગસામગ્રી ઊણી ઊતરતી હતી. તેનું એક કારણ એ કે તે ઘણી જલદી સુકાઈ જતી; તેથી ચિત્રસપાટી પર બે કે વધુ રંગોની બારીક મિલાવટ કરવી મુશ્કેલ પડતી. બીજું, આ રંગસામગ્રી સુકાયા પછી તે રંગો પોતાની મૂળ શુદ્ધિ અને તેજસ્વિતા ગુમાવી દેતા, અને ત્રીજું, આવાં ચિત્રો ભેજ, ફૂગ, ઊધઈ અને અન્ય જીવાતનો ઘણી સહેલાઈથી ભોગ બનતાં. તૈલચિત્રમાં આ ઊણપો દૂર થાય છે. તૈલચિત્રમાં રંગના ભૂકાને વિવિધ તેલમાં મિશ્રિત કરવામાં આવે છે, જેમાં ટર્પેન્ટાઇન અને અળસી(linseed)નું તેલ મુખ્ય છે. આ રીતે તૈયાર કરેલ રંગોને અગાઉ ગાય કે અન્ય પ્રાણીની ખાલી હોજરીનો કોથળી તરીકે ઉપયોગ કરી તેમાં મૂકી રાખવામાં આવતા. હવે તે વિવિધ કંપનીએ બનાવેલી ટ્યૂબ રૂપે સુલભ છે. જળરંગો, જાડા જળરંગો અને ટેમ્પેરાની સરખામણીમાં તૈલરંગો ઘણા ટકાઉ અને પાકા હોય છે. તૈલરંગોથી કરેલાં ચિત્રો સદીઓ પછી પણ તાજગીભર્યાં લાગે છે. જોનારને થાય છે કે રંગ જાણે હજી તાજા જ છે.

હકીકતમાં તૈલરંગો ન તો ઘન કે ન તો પ્રવાહી અવસ્થામાં હોય છે. તૈલરંગો અર્ધઘન – અર્ધપ્રવાહી જેવી વચલી લાહી (paste) અવસ્થામાં હોય છે. તૈલરંગોમાં વપરાતા ટર્પેન્ટાઇન અને અળસી તેલ જેવા પદાર્થો મૂળભૂત રીતે જંતુનાશક હોઈ જંતુઓ ચિત્રોને ભાગ્યે જ નુકસાન પહોંચાડી શકે છે.

તૈલરંગો વડે કંતાન (canvas), મજબૂત પૂંઠાં કે લાકડાની સમતળ સપાટી પર ચિત્રણ કરી શકાય; પણ તૈલરંગો સીધા ચોપડી શકાતા નથી. જે સપાટી પર તૈલચિત્ર કરવું હોય તે સપાટી પર સૌપ્રથમ જેસોનું પડ લગાવવું પડે; જેસો એટલે ઝિંક ઑક્સાઇડ, અળસીનું તેલ, પાણી અને પ્રાકૃતિક ગુંદરનું મિશ્રણ. આ મિશ્રણ કરવા માટે આ પદાર્થોને ભેગા કરી તેને થોડી ગરમી આપી સતત બેથી ત્રણ કલાક સુધી ઘોળ્યા કરવા પડે છે.

હવે વિવિધ પ્રકારના જેસો બજારમાં તૈયાર મળે છે; તેથી તે તૈયાર કરવાની કડાકૂટ કલાકાર કરતો નથી. જેસોનું પડ લગાવ્યા વિના તૈલરંગોને સીધા જ કંતાન, પૂંઠાં કે લાકડાની સપાટી પર લગાવવામાં આવે તો થોડાં વરસોમાં તે સપાટી તૈલરંગોમાં રહેલ તેલથી ખવાઈને નાશ પામે  છે; વચ્ચે જેસોનું પડ લગાવવામાં આવે તો ચિત્રની સપાટી અકબંધ જળવાઈ રહે છે. જેસોમાં પાણીનું પ્રમાણ થોડું હોય છે. આ  પ્રકારના પાણી મિશ્રિત જેસો લગાડેલ સપાટી પર ચિત્ર કર્યું. હોય તો તે ચિત્ર તૈયાર થતાં સપાટી થોડી ઝાંખી જણાય છે. ચમકતી સપાટીવાળું તૈલચિત્ર બનાવવું હોય તો તેમાં પાણી ઉમેરાતું નથી. આ બંને પ્રકારના જેસો બજારમાં તૈયાર મળે છે. જેસો લગાડ્યા પછી તેને દસેક દિવસ પૂરેપૂરું સુકાવા દેવું પડે છે. તૈલરંગોને સુકાતાં પણ  ખૂબ વાર લાગે છે; સાતથી દસ દિવસ તો ખરા જ. પછી જ સપાટીને સ્પર્શી શકાય અને ઉપર રંગોનું બીજું પડ લગાવી શકાય. (તૈલચિત્રને સોએ સો ટકા સુકાતાં તો બેથી ત્રણ વરસ લાગે છે.) આ રીતે તૈલરંગોનાં પડ પર પડ લગાડવાથી તેજસ્વી  અને ચમકતી અસર ઉપજાવી શકાય છે જે અન્ય સાધન વડે લાવવી દુષ્કર છે. વળી ઉપલા છેલ્લા પડમાં થોડું વાર્નિશ મેળવવું પણ હિતાવહ છે જેથી ચિત્રમાં એકની ઉપર એક ચીતરેલા રંગોના સ્તરોમાં પારદર્શકતા પણ પ્રગટાવી શકાય.

તૈલચિત્રની એક ખૂબી એ છે કે રંગોના સ્તર પર સ્તર ચડાવી શકાતા હોવાથી ચિત્રકાર આસાનીથી ધારી અસર નિપજાવી શકે છે. અન્ય રંગસામગ્રીમાં રંગોના સ્તર પર  સ્તર ચડાવવા જતાં ઉપલાં પડ થોડા સમયમાં ખરી પડે છે. તેથી તેમાં આવો ફાયદો મળતો નથી. તૈલચિત્રકામની આ સગવડને કારણે જ ચિત્રમાં કેટલાક મૂળભૂત ફેરફારો કરવા પણ સહેલા પડે છે. આજે એક્સ-રેની મદદથી જૂનાં તૈલચિત્રોનું પરીક્ષણ કરતાં કયા ચિત્રમાં પ્રાથમિક સ્તરથી આખરી સ્તર સુધીની ચિત્રણપ્રક્રિયા દરમિયાન ચિત્રરચના(composition)માં ચિત્રકારે શા શા ફેરફાર કર્યા તે જાણી શકાય છે.

તૈલચિત્રમાં તૈલરંગનો પ્રાથમિક સ્તર હજી ભીનો હોય તોપણ ચિત્રચાકુ (painting knife) વડે રંગનો, લચકા જેવો બીજો સ્તર મૂકી શકાય છે. ચિત્રચાકુ સિમેન્ટ પ્લાસ્ટર કરવાના સાધન જેવું જ હોય છે તથા બ્રેડ પર માખણ ચોપડીએ એ ઢબે આ ચિત્રચાકુ વડે રંગકામ કરવાનું હોય છે. આ સમયે રંગ પ્રવાહી નહિ પરંતુ માખણ જેવો લચકીલો હોવો જોઈએ.

તૈલચિત્રમાં પીંછીઓ તથા ચિત્રચાકુના લસરકા(stroke)ની અદભુત અસર ઉપજાવી શકાય છે. આ લસરકામાં ચિત્રકારનાં જુસ્સા, આનંદ, દુ:ખ વગેરે લાગણીઓના પડઘા પડતા હોય છે. દરેક ચિત્રકારના આવા લસરકા એકબીજાથી અલગ પડે છે સહી કે હસ્તાક્ષરની જેમ જ ! અનુભવી દર્શકો અને વિવેચકો માત્ર લસરકા જોઈને તરત કહી આપે કે તેમાં કયા ચિત્રકારનો હાથ છે !

તૈલચિત્રના રંગોના પ્રાથમિક સ્તરોમાં ટર્પેન્ટાઇન વધુ વાપરવું હિતાવહ છે કારણ કે ટર્પેન્ટાઇન પ્રમાણમાં વહેલું સુકાતું હોવાથી બીજું પડ લગાવવામાં બહુ દિવસોની રાહ જોવી પડતી નથી. છેલ્લા સ્તરોમાં અળસીનું તેલ વધુ વાપરી શકાય. પ્રાથમિક સ્તરમાં અળસીનું તેલ વધુ વાપર્યું હોય અને તેને પૂરું સુકાવા દીધા વિના ઉપર બીજો સ્તર માર્યો હોય તો દિવસો પછી ચિત્રસપાટી પર તિરાડો જોવા મળે છે. કારણ કે ઉપલું ટર્પેન્ટાઇનયુક્ત પડ તોડ્યા વિના અળસીનું તેલ સુકાઈને હવામાં ભળી શકતું નથી. એ પણ જાણવું ઘટે કે ટર્પેન્ટાઇન બાષ્પીભવનની પ્રક્રિયાથી સુકાય છે જ્યારે અળસીનું તેલ હવામાંના ઑક્સિજન જોડે રાસાયણિક સંયોજનની પ્રક્રિયા વડે સુકાય છે. આથી જ ભેજયુક્ત તથા વરસાદી વાતાવરણમાં અને બરફ પડતો હોય તેવા દિવસોમાં સુકાવાનો ક્રમ ઊલટાઈ જાય છે;  અળસીનું તેલ વહેલું સુકાય છે અને ટર્પેન્ટાઇન હવામાંના ભેજને કારણે મોડું સુકાય છે. આમ, તૈલચિત્રની પ્રક્રિયા અટપટી છે.

તૈલચિત્રને સૌથી સારો ઉઠાવ આપે છે કંતાન. વિવિધ વણાટવાળાં કંતાન મળે છે; ઝીણા બારીક વણાટથી માંડીને જાડા દોરાના મોટા વણાટ. આ વણાટની ચોકડીઓ અને દાણા ચિત્ર પૂરું થયા પછી પણ જોઈ શકાય છે અને ચિત્રનું તે રસપ્રદ અંગ બની રહે છે. કેવા પ્રકારનો વણાટ વાપરવો એ ચિત્રકારની અંગત પસંદગીનો સવાલ છે.

તૈલચિત્ર બે-ત્રણ વરસે પૂરેપૂરું સુકાયા પછી કેટલાક ચિત્રકારો તેના પર વાર્નિશનું પડ ચડાવે છે. જેથી ચિત્ર પર હવામાનની અસર ન થાય. પરંતુ લાંબા સમયના અનુભવથી જણાય છે કે વાર્નિશના પડથી લાંબે ગાળે ચિત્ર ઝાંખું અને ધૂંધળું બને છે તથા રંગોની તાજગી જતી રહે છે. આથી વાર્નિશનું પડ ચડાવવું હિતાવહ નથી. ભારતમાં તૈલચિત્રની શરૂઆત ડૅનિયલ બ્રધર્સ નામે જાણીતા ટૉમસ ડૅનિયલ અને જૉન્સન ડૅનિયલ નામના બ્રિટિશ ચિત્રકારોએ ઓગણીસમી સદીમાં રૂઢ વાસ્તવવાદી (academic) શૈલીમાં કરી. તેમણે  ભારતનાં વિવિધ પર્યટનસ્થળો અને રાજામહારાજાના વૈભવનું પ્રતિબિંબ પાડતાં વિરાટ કાય ચિત્રો કર્યાં જે કૉલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ મ્યુઝિયમ અને નૅશનલ મ્યુઝિયમમાં મોજૂદ છે. તેમાંનાં કેટલાંક ચિત્રો 60 મી.થી વધુ લાંબાં  અને 9 મી.થી પણ વધુ ઊંચાં છે. તૈલરંગો વડે ચિત્રકામ કરનાર પ્રથમ ભારતીય કલાકાર તે ત્રાવણકોરના રાજા રવિ વર્મા. ઓગણીસમી સદીમાં તેમણે કરેલાં ચિત્રોમાં વિવિધ લોકો, પહેરવેશો, ઐતિહાસિક અને પૌરાણિક પ્રસંગો તથા રાજદરબાર અને બ્રિટિશ વ્યક્તિઓ જોવા મળે છે. આ ચિત્રોનું કદ પણ વિરાટ છે. તેમનાં ચિત્રો ત્રાવણકોર, તિરુવનંતપુરમ્, વડોદરા, મૈસૂર અને દિલ્હીનાં મ્યુઝિયમોમાં જોવા મળે છે.

અમિતાભ મડિયા