ઢેરે, રામચંદ્ર ચિંતામણ

January, 2014

ઢેરે, રામચંદ્ર ચિંતામણ (જ. 21 જુલાઈ 1930 નિગોડ) : મરાઠી સાહિત્યકાર. પ્રાથમિક શિક્ષક પૂનાની મ્યુનિસિપલ શાળામાં, માધ્યમિક શિક્ષણ પૂના ઇંગ્લિશ સ્કૂલ અને પૂનાની રાત્રિ શાળામાં લીધું. 1966માં ગ્રૅજ્યુએટ થયા. તેમની કૃતિ ‘શ્રી વિઠ્ઠલ : એક મહાસમન્વય’ને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. પ્રાચીન મરાઠી સાહિત્ય તથા સંસ્કૃતિના સંશોધનક્ષેત્રે તેમનું નામ અગ્રસ્થાને છે. તેમણે પુણે યુનિવર્સિટીની પીએચ.ડી. અને ડી.લિટ્.ની ડિગ્રીઓ મેળવી છે. ડેક્કન કૉલેજ પૂનેની ડિમ્ડ યુનિવર્સિટીમાંથી પણ 2004માં તેમને ડી.લિટ્.ની પદવી એનાયત થઈ છે. 1959 સુધી તેમણે વિવિધ વ્યવસાયો કર્યા અને છેવટે તેમણે લેખનકારકિર્દીને સંપૂર્ણપણે અપનાવી લીધી.

તેઓ બહુમુખી નૈસર્ગિક સર્જક પ્રતિભા ધરાવે છે. તેમણે 100 જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમાં સાહિત્યિક નિબંધો, સંતો તથા મહાપુરુષોનાં જીવનચરિત્રો અને લોકદેવતા, લોકગીતો તથા લોક-સંસ્કૃતિ-વિષયક અધ્યયનો, મધ્યકાલીન ભક્તિ-સંપ્રદાયનો ઇતિહાસ જેવા વિષય-પ્રકારોનો સમાવેશ થાય છે. તેમનાં 8 પુસ્તકોને રાજ્ય-પુરસ્કાર અપાયો હતો. તેમાં ‘દત્ત સંપ્રદાયચા ઇતિહાસ’ (1959), ‘નાથસંપ્રદાયચા ઇતિહાસ’ (1959), ‘પ્રવાસી પંડિત’ (1959), ‘મુસલમાન સંત કવિ’ (1969), ‘શ્રી નામદેવ : એક વિજયયાત્રા’ (1971) તથા ‘ચક્રપાણી’(1980)નો સમાવેશ થાય છે. તેમને પુણે યુનિવર્સિટી પુરસ્કાર, મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ પુરસ્કાર તથા મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય સંસ્કૃતિ મંડળનો પુરસ્કાર મળી ચૂક્યા છે. તેમણે વ્યક્તિગત ધોરણે 30,000 ઉપરાંત પુસ્તકોનો એક ઉત્તમ સંગ્રહ કર્યો હતો. તેમાં વિવિધ વિષયની હસ્તપ્રતો, પ્રાચીન સાહિત્યની કૃતિઓ તથા સામયિકોનો સમાવેશ થાય છે.

રામચંદ્ર ચિંતામણ ઢેરે

પુરસ્કૃત કૃતિ મહારાષ્ટ્ર, કર્ણાટક તથા આંધ્રપ્રદેશના પૂજ્ય સંત શ્રી વિઠ્ઠલના ઉદભવ વગેરે અંગેનાં સંશોધનાત્મક લખાણોનું સંકલન છે. આ કૃતિનો ભક્તિપૂર્ણ પ્રભાવ તથા તેનું મૌલિક સ્વરૂપાયોજન ધ્યાનાર્હ છે. ‘શ્રી તુલજાભવાની’ તેમનો સંશોધનગ્રંથ છે. ‘કારવીરની વાસીની મહાલક્ષ્મી’ તેમનો બીજો સંશોધનનો ગ્રંથ છે. તેમને મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર, લાઇફ ટાઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ, સાહિત્ય અકાદમી ઍવૉર્ડ અને પૂના યુનિવર્સિટી તથા મુંબઈ યુનિવર્સિટીના પણ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

મહેશ ચોકસી