ઢેબર, ઉછરંગરાય નવલશંકર

January, 2014

ઢેબર, ઉછરંગરાય નવલશંકર (જ. 21 સપ્ટેમ્બર 1905, ગંગાજળા, જામનગર; અ. 11 માર્ચ 1977, રાજકોટ) : ગુજરાતના એક અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી અને રચનાત્મક કાર્યકર. માતા ઊજમબા. નાગર જ્ઞાતિમાં જન્મેલ ઢેબરભાઈને માતાપિતા તરફથી સાત્વિકતા અને સેવાભાવનાનો વારસો મળ્યો હતો.

ઢેબરભાઈએ 1922માં રાજકોટની શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ 1923માં ભૌતિકશાસ્ત્રની પરીક્ષામાં નાપાસ થતાં કૉલેજનો અભ્યાસ છોડી દીધો. મુંબઈની સૉલિસિટરની પેઢીમાં  નોકરી કરતાં કરતાં તેમણે કાયદાનો અભ્યાસ કર્યો તથા હિંદુ કાયદામાં  શ્રેષ્ઠ ગુણ મેળવીને 1928માં વડી અદાલતના વકીલની લાયકાત ધરાવતી પરીક્ષા પાસ કરી.

ઢેબરભાઈએ વકીલાત શરૂ કર્યા પછી ટૂંક સમયમાં સારા વકીલ તરીકેની નામના મેળવી હતી. તેઓ 1936માં ગાંધીજીના સંપર્કમાં આવ્યા. ગાંધીજીની વિચારસરણીની તેમના પર ઊંડી છાપ પડી અને તે પોતાની ધીકતી વકીલાત છોડીને રાષ્ટ્રસેવાના કાર્યમાં જોડાયા (1936).

ઉછરંગરાય નવલશંકર ઢેબર

તેમણે રાજકોટ પાસેના થુરાલા ગામે ગ્રામોદ્ધારની પ્રવૃત્તિ શરૂ કરી (1936). આ જ વર્ષમાં રેલસંકટમાં સપડાયેલ લોકોની ભારે સેવા કરી. રાજકોટના દીવાન વીરાવાળાના ભારે વિરોધ છતાંયે તેમણે રાજકોટ મિલ મજૂર સંઘની સ્થાપના કરી અને મજૂરોના વેતન તેમજ હકો માટે રાજકોટ રાજ્ય સામે લડત ચલાવી. ઢેબરભાઈએ ઘણા વખતથી સુષુપ્ત કાઠિયાવાડ રાજકીય પરિષદને ચેતનવંતી બનાવી અને તેનું મંત્રીપદ હાથમાં લઈને વીરાવાળાના સખત વિરોધ સામે રાજકોટમાં તેનું અધિવેશન યોજ્યું, જેમાં સરદાર પટેલ તથા દરબાર ગોપાળદાસે હાજરી આપી હતી.

રાજકોટ રાજ્યમાં પ્રજાપ્રતિનિધિ-સભા સ્થાપવા તથા જવાબદાર રાજ્યતંત્ર મેળવવા ઢેબરભાઈએ પોતાના સાથીઓની સહાયથી લડત આદરી, જે છેવટે વિખ્યાત  રાજકોટ સત્યાગ્રહમાં પરિણમી (1938). ઢેબરભાઈ અને તેમના સાથીદારોને લડત દરમિયાન અવારનવાર જેલવાસ ભોગવવો પડ્યો. છેવટે ગાંધીજીના ઉપવાસથી સત્યાગ્રહીઓની તરફેણમાં રાજકોટ સત્યાગ્રહનો અંત આવ્યો. આ લડતની પૂર્ણાહુતિ બાદ ઢેબરભાઈ રાષ્ટ્રીય નેતા તરીકે જાણીતા થયા, તથા દેશી રાજ્યોમાં સુધારાની ચળવળ પ્રબળ બની.

ઢેબરભાઈએ 1940ના વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો અને જેલવાસ ભોગવ્યો. 1942ની લડતમાં પણ તેમણે કારાવાસ ભોગવ્યો હતો. 1947માં સ્વાતંત્ર્યની પ્રાપ્તિ પછી કાઠિયાવાડનાં દેશી રાજ્યોનું એક એકમ રચવામાં આવ્યું, જેને ‘સૌરાષ્ટ્ર’ નામ આપવામાં આવ્યું. આમાં પણ ઢેબરભાઈએ મહત્વનું પ્રદાન કર્યું. સૌરાષ્ટ્રના અલગ  રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન તરીકે ઢેબરભાઈની વરણી થઈ.

સૌરાષ્ટ્રના છ વર્ષ(1948–1954)ના સ્વાયત્ત શાસન દરમિયાન ઢેબરભાઈની સરકારે અનેક સુધારા કર્યા  અને સૌરાષ્ટ્રની કાયાપલટ કરી. ગામડાંમાં ગ્રામ પંચાયતોની સ્થાપના કરી, 500ની વસ્તી ધરાવતા પ્રત્યેક ગામમાં પ્રાથમિક શાળા શરૂ કરાવી. ગામડાંમાં પીવાના પાણીની સગવડ કરી. ગામડાંમાં તબીબી સારવાર(આરોગ્ય કેન્દ્ર)ની વ્યવસ્થા કરી, ખાદી તેમજ ગ્રામઉદ્યોગોને ખાસ ઉત્તેજન આપ્યું, અસ્પૃશ્યતાનિવારણ માટે પ્રયાસો કર્યા. 1951માં ઢેબરભાઈનો સૌથી મહત્વનો સુધારો જાગીરદારી-ગિરાસદારી કે બારખલી પ્રથા નાબૂદ કરવાને લગતો હતો. સૌરાષ્ટ્રમાં ત્રીજા ભાગનાં ગામો ગિરાસદારી કે જાગીરદારી હતાં, જેમાં ખેડૂતો પાસેથી વેઠિયા તરીકે કામ લેવાતું. ઢેબરભાઈએ આ પ્રથા નાબૂદ કરીને ખેડૂતોને જમીનમાલિક બનાવ્યા. તેમણે ખેડૂતોને દેવામાં રાહત આપતો ઋણરાહત ધારો પણ કર્યો.

જવાહરલાલ નહેરુએ ઢેબરભાઈને કૉંગ્રેસપ્રમુખ તરીકે નીમ્યા. ઢેબરભાઈએ 1955થી 1960 સુધીનાં પાંચ વર્ષ દરમિયાન કૉંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા જહેમત ઉઠાવી. તેમણે 1961થી 1963 સુધી આદિવાસી પંચના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી અને દેશભરમાં ફરીને આદિવાસીઓની મુસીબતોને લગતો વિસ્તૃત અહેવાલ સરકારને સુપરત કર્યો. 1962માં ઢેબરભાઈએ મૉસ્કો અને ઇટાલીની મુલાકાત લઈને ત્યાંની સેવા-સંસ્થાઓનો અભ્યાસ કર્યો તથા ત્યાં ગાંધીજીની વિચારસરણીનો પ્રચાર કર્યો.

1962માં રાજકોટ જિલ્લામાંથી તેઓ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા, પરંતુ ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમમાં તેમને વિશેષ રસ હોવાથી લોકસભામાંથી રાજીનામું આપીને 1963થી 1972 સુધી ખાદી ગ્રામોદ્યોગ કમિશનના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી અને ખાદી તેમજ ગ્રામોદ્યોગોના વિકાસમાં ફાળો આપ્યો.

ઢેબરભાઈએ ગાંધીજીની વિચારસરણી અનુસારની રાજકોટની રાષ્ટ્રીય શાળા, સણોસરા(ભાવનગર જિલ્લા)ની ગ્રામ વિદ્યાપીઠ તથા રાજકોટની સ્ત્રીવિકાસગૃહ સંસ્થાના વિકાસમાં નોંધપાત્ર હિસ્સો આપ્યો. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની સ્થાપના તથા કામગીરીમાં તે અગ્રસ્થાને રહ્યા હતા. તેમણે ગાંધીવિચારસરણી, સમાજસેવા, રાષ્ટ્રીય શિક્ષણ વગેરે પર અંગ્રેજી, ગુજરાતી તથા હિંદીમાં અનેક લેખો લખ્યા હતા.

રમણલાલ ક. ધારૈયા