ઢોડિયા : ગુજરાતની અઢાર આદિવાસી જાતિઓ પૈકી એક. તેમની પરંપરા પ્રમાણે  તેમના પૂર્વજો ધોળકા તાલુકામાં વસતા રજપૂતો હતા અને અલ્લાઉદ્દીન ખલજીના આક્રમણને કારણે (તેમના પૂર્વજો) ધનાસિંહ કે ધના અને રૂપાસિંહ કે રૂપા સ્થળાંતર કરીને અંબિકા નદીના કાંઠા ઉપરનાં જોગવાડ-ચિતાલા ગામે વસ્યા. આમ તેઓ ધોળકા તરફથી આવેલા હોવાથી ધોળકિયા – ઢોડિયા અથવા કેટલાક પૂર્વ ખાનદેશના ધૂળે કે ધૂળિયા જિલ્લામાંથી આવ્યા તે પરથી પણ તે ઢોડિયા કહેવાયા હોય. અહીં તેઓ નાયકડા કોમની સ્ત્રીઓને પરણ્યા.

વસ્તી : તેમની વસ્તી ભરૂચ જિલ્લાના પૂર્વ  ભાગમાં, સૂરત અને વલસાડ જિલ્લામાં ચીખલી, વાંસદા, ધરમપુર, વલસાડ અને પારડી તાલુકામાં છે. કુલ આદિવાસીઓ પૈકી તેમની 6.6 % વસ્તી છે. તેમનાં 35 જેટલાં વિવિધ કુળો છે. આ કુળો વસવાટનાં સ્થળો, અટકો તથા જ્ઞાતિ પરથી ઓળખાય છે. તેઓમાં એક જ કુળમાં લગ્ન થતાં નથી. તેઓ ખેડૂત, ખેતમજૂર, શિક્ષક અને સરકારી ખાતામાં વિવિધ સ્તરે નોકરી કરે છે. ઉચ્ચ નોકરીમાં પણ તેઓ ઠીકઠીક સ્થાન પામ્યા છે.

રીતરિવાજો : પુત્ર હોય તો પાંચમે દિવસે અને પુત્રીના છઠ્ઠા દિવસે જન્મપ્રસંગની ઉજવણી થાય છે. નામ સંતાનના જન્મના દિવસ  પ્રમાણે રખાતું. હવે તેઓ ઉચ્ચ કોમને અનુસરીને નામ રાખતા થયા છે.

લગ્ન : વેવિશાળ વખતે દહેજની રકમ નક્કી થાય છે. બધી રકમ આપ્યા પછી જ લગ્ન થાય છે. કન્યા પક્ષવાળા સામેથી વરપક્ષના ગામે જાય છે. લગ્નપ્રસંગે સ્ત્રીઓ ફટાણાં ગાય છે. વરનો જોડાવાળો એક પગ કન્યાના પગ ઉપર દબાવીને રખાય છે. વર-કન્યાના ઘૂંટણ, ખભો અને માથું ચાર વખત જોરથી ભટકાડવાનો રિવાજ છે. હવે સામાન્ય રીતે લગ્નપ્રસંગે ઉજળિયાત કોમનું અનુકરણ કરવામાં આવે છે. લગ્ન વખતે ગીતો સાથે સ્ત્રીઓ નૃત્ય પણ કરે છે. ક્યારેક ઘરજમાઈ કે ખંધાડિયાનો રિવાજ તેમનામાં જોવા મળે છે. લગ્નવિધિ બ્રાહ્મણ અથવા જ્ઞાતિનો આગેવાન કરાવે છે. સાડીનો છેડો ફાડીને છૂટાછેડા અપાય છે. વિધવાલગ્ન પણ પ્રચલિત છે. નાસીને લગ્ન કરે તો દંડ આપવો પડે છે. શરીરસંબંધ બાંધ્યા પછી લગ્નવિધિ કરવામાં આવે છે. ક્યારેક આર્થિક કારણસર બાપ અને દીકરાની લગ્નવિધિ સાથે થતી હોય છે.

ઢોડિયા લોકો શબને બાળે છે. તેમનામાં પરજણ તરીકે ઓળખાતો સમૂહશ્રાદ્ધનો રિવાજ છે. એક નક્કી કરેલા દિવસે બધાંનું શ્રાદ્ધ કરાય છે. પરજણના દિવસે નાયક કોમનો માણસ તુંબડાના વાજિંત્ર સાથે આખી રાત ગીત ગાય છે. ભૂવો મરનાર પિતૃનું સ્થાન લે છે. શ્રાદ્ધના બીજે દિવસે છાપરાનાં બારણા પાસે કુલડી મુકાય છે અને સ્ત્રીઓ મરણ પામેલાને યાદ કરી રડે અને કૂટે છે. પરજણ વખતે ઉત્સવ માફક દુકાનો, હોટલો વગેરે મંડાય છે.

ઢોડિયા લોકો ભરમદેવ, દિવાળીદેવ, કાકા બળિયા, ભગવાન દેવ, માવલીમાતા, કણેશરીદેવી, શિવરદેવ વગેરેને પૂજે છે. બ્રહ્મા ને સમુદ્રદેવનું ચીખલી તાલુકામાં રૂડવેલ ખાતે મંદિર છે. કણેશરીદેવી અનાજની દેવી છે. તેની રૂપાની મૂર્તિ હોય છે. હવે ગણેશ, શંકર, હનુમાન વગેરે દેવોની પણ પૂજા તેઓ કરે છે.

મકરસંક્રાંતિ, હોળી, દિવાસો, બળેવ વગેરે તેમના તહેવારો છે. તૂર સાથે આ પ્રસંગે તેઓ સમૂહ નૃત્ય યોજે છે અને નશામાં ભાન ભૂલી નાચે છે.

આ કોમમાં જાતિપંચો તેમના સામાજિક વ્યવહારોનું નિયમન કરે છે. દરેક ગામમાં નાયક કારભારી તથા ફળિયાવાર પંચના સભ્યોનું બનેલું જાતિપંચ હોય છે. તેમના મોટાભાગના ઝઘડાઓની પતાવટ આ પંચ દ્વારા થાય છે.

શિવપ્રસાદ રાજગોર