કારેલી : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની પ્રકાંડસૂત્રી નાજુક લતા. તેનું વૈજ્ઞાનિક નામ Momordica charantia Linn. (સં. કારવલ્લી; મ. કારલી; ક. હાગલકાયિ, મિડિગાયિ; તા કલક્કોડિ, પાગલ; મલા કેપાવળિળ, પાવલ; હિં. કરૈલા; બં. કરલા; તે. કરીલા, કાકરકાયાં; અં. બીટરગાર્ડ, કરિલાફ્રુટ) છે. તેના સહસભ્યોમાં ઇન્દ્રવરણાં, ઘિલોડી, કોળું, પંડોળાં, પરવળ વગેરેનો સમાવેશ થાય છે.

તે એકગૃહી (monoecious) આરોહી વનસ્પતિ છે અને સમગ્ર ભારતમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી વાડ પર અથવા અન્ય આધાર પર થાય છે. ઘણી વાર તેને ઉછેરવામાં આવે છે. પ્રકાંડ પાતળું, અશક્ત અને વધતે-ઓછે અંશે રોમિલ; પર્ણો સાદાં, 5-7 ખંડી, ઉપવલયી (sub-orbicular), એકાંતરિક અને રોમિલ હોય છે. પુષ્પો એકલિંગી, પીળાં અને એકાકી હોય છે. દલપુંજ (corolla) યુક્ત હોય છે અને પાંચ દલપત્રોનો બનેલો હોય છે. પુંકેસરચક્ર યુક્તપુંકેસરી (synandrous) હોય છે. તેમનાં પરાગાશય લહરદાર (sinuous) હોય છે. બીજાશય ત્રિયુક્તસ્ત્રીકેસરી અને અધ:સ્થ (inferior) હોય છે. તે ચર્મવર્તી (parietal) જરાયુવિન્યાસ ધરાવે છે. ફળ અનષ્ઠિલ અલાબુક (pepo) પ્રકારનું, 5.0 સેમી.થી 25 સેમી. લાંબું, લટકતું, ત્રાકાકાર, ખાંચો અને અસંખ્ય ગાંઠોવાળું હોય છે. બીજાં બદામી રંગનાં, 13.0 સેમી.થી 16.0 સેમી. લાંબાં, ચપટાં અને લાલ ગરમાં ખૂંપેલાં હોય છે.

કારેલી(Momordica charantia)ની પુષ્પ અને ફળ સહિતની શાખા

કારેલાંનું ઉદભવસ્થાન વિષુવવૃત્તીય આફ્રિકા તથા એશિયા ખંડનાં ચીન, મલાયા અને ભારત મનાય છે. તેને સમગ્ર ભારતમાં શાકભાજીના પાક તરીકે વાવવામાં આવે છે.

સામાન્ય રીતે કારેલાંની જાતોને બે જૂથમાં વહેંચી શકાય છે : (1) નાનાં ફળવાળી જાતો; ફળ 7-10 સેમી. લાંબાં; (2) મોટાં ફળવાળી જાતો; ફળ 15-18 સેમી. લાંબાં, નાનાં ફળવાળી જાતો સામાન્ય રીતે ઉનાળામાં અને મોટાં ફળવાળી જાતો ચોમાસામાં થાય છે.

(1) પુસા દો-મોસમી તથા (2) ટૂંકા પાદરા મોટા પ્રમાણમાં વવાય છે.

(1) પુસા દો-મોસમી : ભારતીય કૃષિસંશોધન સંસ્થા (IARI) તરફથી બહાર પાડવામાં આવેલ આ જાતનાં ફળ મધ્યમ, લાંબાં અને સુંવાળાં થાય છે. વધારે ઉત્પાદન આપતી અને વહેલી પાકતી જાત છે. આ જાત ઉનાળા તથા ચોમાસા બન્ને મોસમમાં વાવી શકાય છે.

(2) ટૂંકા પાદરા : ફળ નાનાં, ગોળ અને બન્ને બાજુ અણીવાળાં હોય છે. દો-મોસમી કરતાં આ જાત ઓછું ઉત્પાદન આપે છે અને મોડી પાકે છે. અન્ય જાણીતી જાતોમાં કોઇમ્બતૂર લૉન્ગ, અકરા હરીત, વિકે-1 પ્રિયા વગેરે છે.

કારેલાંના પાકને મહદ્ અંશે બધા જ પ્રકારની આબોહવા માફક આવે છે. તેમાંય ખાસ કરીને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. વધારે પડતી ગરમી અને ભેજ પાકને નુકસાનકર્તા છે. સારા નિતારવાળી ફળદ્રૂપ, ગોરાડુ અથવા બેસર જમીન તેને વધારે માફક આવે છે. મધ્યમ કાળી તથા ભાઠાની જમીનમાં પણ થોડાઘણા પ્રમાણમાં થઈ શકે છે. જમીનની પૂર્વતૈયારીમાં અગાઉથી હળની બે ઊંડી ખેડ કરી, કડબની બે ખેડ કરી, જડિયાં વીણી જમીન બરાબર તૈયાર કરે છે. મૂળ ઊંડાં જતાં હોવાથી ઊંડી ખેડ કરવી પડે છે. ચોમાસુ વાવેતર જૂન-જુલાઈ તથા ઉનાળુ વાવેતર ફેબ્રુઆરી-માર્ચમાં કરવામાં આવે છે. બીજ જમીનની ફળદ્રૂપતા પ્રમાણે 1 x 1 અથવા 1.5 x 1.5 મીટરના અંતરે થાણીને વાવવામાં આવે છે. એક હેક્ટરના વાવેતર માટે બેથી ત્રણ કિલો બીજની જરૂરિયાત રહે છે. દરેક થાણે બેથી ત્રણ બીજ વાવવામાં આવે છે. નીક-પાળા-ખામણાં બનાવીને પણ વાવેતર થઈ શકે છે. ઉનાળુ વાવેતરમાં યોગ્ય માપના ક્યારા બનાવવામાં આવે છે. કારેલીના ચોમાસુ મોસમના પાકને માંડવા બનાવી ઉપર ચડાવવાથી વધુ ઉત્પાદન મળે છે તેમજ સારી ગુણવત્તાવાળાં ફળ મળે છે.

જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે 8થી 10 ટન સારું કોવાયેલ છાણિયું અથવા ગળતિયું ખાતર નાખી સારી રીતે ભેળવવામાં આવે છે. સામાન્ય રીતે આ પાકને ફૉસ્ફરસ તથા પોટાશયુક્ત ખાતરો આપવાની જરૂર રહેતી નથી. પરંતુ નાઇટ્રોજનયુક્ત ખાતર હેક્ટરે 40 કિલો નાઇટ્રોજન મળે તે મુજબ 200 કિલો એમોનિયમ સલ્ફેટ અથવા 85 કિલો યુરિયા બે સરખા હપતામાં વાવણી બાદ ત્રણ અઠવાડિયે તથા વાવણી બાદ દોઢ માસે આપવામાં આવે છે.

ઋતુ મુજબ જરૂરિયાત પ્રમાણે પાણી અપાય છે. ઉનાળામાં 45 દિવસના અંતરે પાણી અપાય. જરૂરિયાત મુજબ આંતરખેડ તથા નીંદણ થાય છે. ખામણામાં એક-બે વાર ઊંડી ગોડ કરીને બીજના ઉગાવા પછી એક સારો છોડ રાખીને બાકીના છોડ કાઢી નાખવામાં આવે છે.

આ પાક બે મહિને તૈયાર થાય છે અને ફળ ઊતરવાની શરૂઆતથી બે મહિના સુધી નિયમિત ફળ આપે છે. સારાં અને કુમળાં ફળ ઉતારવાં, ખરાબ ફળ વીણી તેનો નાશ કરવો, મોટાં ફળ બીજ માટે રાખવાં એવો સામાન્ય ક્રમ હોય છે. હેક્ટરે 8,000થી 10,000 કિલો ગ્રામનો ઉતારો મળે છે.

કારેલીને ચોમાસાની ઋતુમાં ફળનો સડો (Pythium aphanidermatum (Eds.) Fitz.) અને પાનનાં ટપકાં(Cercospora momordicae Mcrae.)ના રોગો થાય છે. છોડ પર બોર્ડો મિશ્રણ કે ચેશન્ટ મિશ્રણનો છંટકાવ કરવાથી ફળના સડાનું નિયંત્રણ થાય છે. ભૂકીછારો (powdery mildew) Erysiphe cichoracearum DC. દ્વારા થાય છે. તળછારો (downy mildew) Pseudoperonospora cubensis (Berk and Curt.) Rostow. દ્વારા થાય છે. ફળ ઉપર ભૂકીછારો કે તળછારો થતો નથી. પાનના ટપકાના રોગમાં સફેદ ગોળાકાર ચમકતાં ટપકાં જોવા મળે છે. આ ત્રણેય રોગનાં લક્ષણો અને રોગનિવારણ કાકડીમાં જણાવ્યા પ્રમાણે છે.

કારેલાંમાં ફળમાખી(Dacus cucurbitac Coq.)નો ઉપદ્રવ નુકસાનકારક છે. તે ફળના ગરમાં ઈંડાં મૂકે છે. તેના નિયંત્રણ માટે 10 લિટર પાણીમાં 10 મિલી. મેલેથિયીન, 10 મિલી. ટ્રાઇક્લોફોન, 5 મિલી. ડાઇક્લોરવોસ, 5 મિલી. ફેનીથ્રિયોન પૈકી કોઈ એક દવા ભેળવી પુષ્પનિર્માણ પછી 15થી 20 દિવસના અંતરે બે છંટકાવ કરવામાં આવે છે. Epilachna નામની ભમરાની પ્રજાતિ સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં ગંભીર નુકસાન પહોંચાડે છે. કળીચૂનાના મિશ્રણ સાથે કૅલ્શિયમ આર્સેનેટના છંટકાવથી રોગનું નિયંત્રણ થાય છે. Leptoglossus membranaceus Fabr. નામનું કીટક પ્રકાંડ, પર્ણો અને ફળોને સુકારો લાગુ પાડે છે. શરૂઆતના તબક્કાઓમાં ગૅમા BHC(1.3 % અથવા 3 %)ના છંટકાવથી તેનું અસરકારક નિયંત્રણ થાય છે.

પોષણમૂલ્યની ર્દષ્ટિએ નાનાં ફળની જાતો મોટા ફળ કરતાં લોહ અને વિટામિનોથી વધુ ભરપૂર હોય છે. નાના ફળનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 83.2 %, પ્રોટીન 2.9 %, લિપિડ 1.0 %, કાર્બોદિતો 9.8 %, રેસો 1.7 % અને ખનિજદ્રવ્ય 1.4 %; કૅલ્શિયમ 50 મિગ્રા., પોટૅશિયમ 282 મિગ્રા., ફૉસ્ફરસ 140 મિગ્રા. અને લોહ 9.4 મિગ્રા./100 ગ્રા.; કૅરોટિન (વિટામિન ‘એ’ તરીકે) 210 ઈ.યુ., થાયેમિન 72 માઇક્રોગ્રામ, નિકોટિનિક ઍસિડ 0.5 મિગ્રા., રાઇબોફ્લેવિન 90 માઇક્રોગ્રામ અને ઍસ્કૉર્બિક ઍસિડ (વિટામિન ‘સી’) 88 મિગ્રા./100 ગ્રા.. કારેલાં વિટામિન ‘સી’નો સારો સ્રોત ગણાય છે. તેનું મૂલ્ય તાજાં કોમળ ફળોમાં 188 મિગ્રા./100 ગ્રા. સુધીનું નોંધાયું છે. સૂર્યપ્રકાશમાં કારેલાના ટુકડાઓ સુકાતાં 80 % જેટલું વિટામિન ‘સી’ ગુમાવાય છે; જ્યારે રાંધવાથી વિટામિન ‘સી’ અને થાયેમિનમાં 40 % જેટલો ઘટાડો થાય છે.

ફળમાં ઍસ્કૉર્બિજન હોય છે. તે ઍસ્કૉર્બિક ઍસિડનું બંધિત (bound) સ્વરૂપ છે અને કાર્બન ડાયૉકસાઇડ અથવા નાઇટ્રોજનયુક્ત વાતાવરણમાં પાણી સાથે ગરમ કરતાં મુક્ત થાય છે. કારેલાની મોટાં ફળોની કેટલીક જાતોમાં નાના ફળની જાત કરતાં વધારે પ્રમાણમાં ઍસ્કૉર્બિજન હોય છે.

ફળમાંથી પ્રાપ્ત થતા મુક્ત એમીનો ઍસિડ આ પ્રમાણે છે : ઍસ્પાર્ટિક ઍસિડ, સેરિન, ગ્લુટામિક ઍસિડ, થ્રિયોનિન, ઍલેનિન, r-બ્યુટિરિક ઍૅસિડ અને પાઇપેકોલિક ઍસિડ. લીલાં ફળોમાં લ્યુટિયોલિન હોય છે. સ્ત્રીકેસરનું મુખ્ય ઘટક કૅરોટિન છે; જ્યારે લાલ બીજોપાંગ(aril)માં લાયકોપિન હોય છે.

વનસ્પતિનાં નાજુક પર્ણો અને પ્રરોહો(shoots)નો પણ ભારતમાં શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. પર્ણો કૅલ્શિયમ, કૅરોટિન, રાઇબોફ્લેવિન અને ઍસ્કૉર્બિક ઍસિડનો સારો સ્રોત ગણાય છે. નાજુક પર્ણોનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 82.5 %, નાઇટ્રોજન 1.042 %, ઈથરનિષ્કર્ષ 0.47 %, અશુદ્ધ રેસો 1.8 %, અને ભસ્મ 2.61 %, કૅલ્શિયમ 297.0 મિગ્રા., ફૉસ્ફરસ 53.0 મિગ્રા., લોહ 3.27 મિગ્રા., કૅરોટિન 5.57 મિગ્રા., થાયેમિન 0.14 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.55 મિગ્રા., નાયેસિન 1.85 મિગ્રા. અને ઍસ્કૉર્બિક ઍસિડ 210 મિગ્રા./100 ગ્રા..

બીજ દ્વારા સ્વચ્છ, રતાશ પડતું બદામી, અર્ધ-શુષ્કન (semi-drying) તેલ (26.5 %) ઉત્પન્ન થાય છે. તેલ ખાદ્ય છે. તેનો ઉપયોગ રંગ અને વાર્નિશ-ઉદ્યોગમાં પણ કરી શકાય છે. તેલના નિષ્કર્ષણ પછી બીજનો ખોળ આશરે 13.4 % જેટલું કુલ પ્રોટીન ધરાવે છે; જેમાંથી આલ્બુમિન (6.1 %), ગ્લોબ્યુલિન (6.1 %) અને ગ્લુટેલિન (1.2 %) અલગ કરવામાં આવ્યાં છે. પ્રોટીન આવશ્યક એમીનો ઍસિડો પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે.

પર્ણો અને ફળ બે આલ્કેલૉઇડ ધરાવે છે, તે પૈકીમાંનું એક મોમોર્ડીસિન છે. મૂળ પણ કડવાં હોય છે. કડવાં ઘટકો કુકરબિટેસિન કરતાં જુદાં હોય છે. કારેલીમાં એક ગ્લુકોસાઇડ, સેપોનિન જેવો પદાર્થ, ખરાબ સ્વાદવાળી રાળ, સુગંધિત બાષ્પશીલ તેલ અને શ્ર્લેષ્મ હોય છે. બીજમાં એક આલ્કેલૉઇડ અને તેના ગર્ભમાં કૃમિહર (anthelmintic) ઘટક અને યુરિયેઝ હોય છે.

આયુર્વેદ અનુસાર, નાનાં કારેલાં અતિકડવાં, અગ્નિદીપક, લઘુ, ગરમ, શીત, ભેદક, સ્વાદુ અને પથ્યકર હોય છે. તે અરુચિ, કફ, વાયુ, રક્તદોષ, જ્વર, કૃમિ, પિત્ત, પાંડુ અને કોઢનો નાશ કરે છે. મોટાં કારેલાં તીખાં, કડવાં, અગ્નિદીપક, અવૃષ્ય, ભેદક, રુચિકર, ખારાં, લઘુ, વાતલ અને પિત્તનાશક છે. તે રક્તરોગ, પાંડુ, અરુચિ, કફ, શ્ર્વાસ, વ્રણ, કાસ, કૃમિ, કોઠરોગ, કુષ્ઠ, જ્વર, પ્રમેહ, આધ્માન અને કમળાનો નાશ કરે છે. ડીંટડા સહિતનાં કોમળ પાન કટુ, પૌષ્ટિક, મૂત્રજનન, વામક અને રેચક છે. પિત્તવિકાર ઉપર તેના પાનનો રસ આપવામાં આવે છે. શીતપૂર્વક કફપિત્ત જ્વર ઉપર પાનનો રસ જીરું નાખીને અપાય છે. રતાંધળાપણા ઉપર પાનના રસમાં મરી ઘસી તેને સાંજે આંજવામાં આવે છે. શરીરમાં પારો ફૂટી નીકળ્યો હોય ત્યારે કારેલીનાં મૂળ પાણીમાં ઘસી પિવડાવાય છે. વિષૂચિકા (કૉલેરા) ઉપર તલના તેલ સાથે કારેલીનો રસ આપવામાં આવે છે. મૂત્રાઘાત પર તેના પાલાનો રસ હિંગ સાથે અપાય છે. રક્તાર્શ ઉપર પાનનો અથવા ફળનો રસ સાકરમાં આપવામાં આવે છે. બાળકોનું પેટ ચઢે ત્યારે પાનના રસમાં થોડી હળદર ઉમેરી પિવડાવાય છે. જંતુ ઉપર પાનનો અથવા ફળનો રસ આપવામાં આવે છે.

ભારતમાં કારેલીનાં ફળ, પર્ણો અને મૂળ મધુપ્રમેહ (diabetes mellitus) માટે ઘણા સમયથી વપરાય છે. તે માટે ફળનો તાજો રસ (માત્રા : 6 ઘન સેમી./કિગ્રા. શરીરનું વજન) આપતાં સામાન્ય સસલામાં અને એલૉક્સન મધુપ્રમેહ(alloxan-diabetic)વાળા સસલામાં રુધિરશર્કરાનું પ્રમાણ ઘટે છે, છતાં તે વિષાળુ નીવડે છે. ફળનો રસ ગર્ભપાતપ્રક્રિયક (abortifacient) હોય છે. તેનો આલ્કોહૉલીય નિષ્કર્ષ કેટલાક મધુપ્રમેહના દર્દીઓને આપતાં તેના દ્વારા કોઈ અવગ્લુકોઝરક્ત (hypoglyaemic) ક્રિયા જોવા મળી નહિ. રસમાંથી અવિષાક્ત (non-toxic) અવગ્લુકોઝરક્ત કારક અલગ કરી શકાયો નથી.

આ પ્રજાતિ(momordica)ની અન્ય ત્રણ જાતિઓ ગુજરાતમાં મળે છે. M. balsamina (વાડકારેલાં, પટોલાં) કચ્છ, સૌરાષ્ટ્ર, ખેડબ્રહ્મા વગેરે સ્થળોએ વાડ પર બારેય માસ મળે છે. M. denundata (Thw) Cl. પાવાગઢની તળેટીમાં મળી આવ્યાની નોંધ છે. M. dioica Roxb. (વંશકંટોલી, કંકોડા) ઈડરનાં જંગલોમાં જુલાઈથી નવેમ્બર સુધી મળે છે.

જ. પુ. ભટ્ટ

પ્રાગજી મો. રાઠોડ

ભીષ્મદેવ કીશાભાઇ પટેલ

બળદેવભાઈ પટેલ