કારેનો, મારિયા ટેરિસા

January, 2006

કારેનો, મારિયા ટેરિસા (Carreño, Maria Teresa) (જ. 22 ડિસેમ્બર 1853, કારાકાસ, વેનેઝુએલા; અ. 12 જૂન 1917, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : વિશ્વવિખ્યાત વેનેઝુએલાન પિયાનોવાદક. વેનેઝુએલામાં રાજનેતા પિતા મેન્યુઅલ ઍન્તૉનિયો કારેનોએ મારિયાને પિયાનોવાદનના પ્રારંભિક પાઠ આપ્યા. વેનેઝુએલામાં રાજકીય ક્રાંતિ થતાં કારેનો પરિવારે ભાગીને 1862માં યુ.એસ.માં રાજ્યાશ્રય લીધો અને ન્યૂયૉર્ક નગરમાં સ્થિર થયો. ન્યૂયૉર્ક નગરમાં પિયાનોવાદક લુઈ મોરિયુ ગૉટ્શૅક (Louis Moreau Gottschalk) હેઠળ મારિયાએ પિયાનોવાદનની તાલીમ લીધી. એ પછી ચાર વરસ તે પૅરિસ જઈને રહી, જ્યાં તેણે પ્રખર પિયાનોવાદકો જૉર્જેસ મેથિયાસ અને અન્તૉન રુબિન્સ્ટીન હેઠળ પિયાનોવાદનની વધુ તાલીમ લીધી. ત્યારબાદ તેણે પિયાનોવાદક અને પિયાનોશિક્ષક તરીકેની લાંબી કારકિર્દી શરૂ કરી. તુરત જ તેને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળવી શરૂ થઈ, જે વધતી જ ગઈ.

મારિયાનાં પ્રથમ લગ્ન 1872માં થયેલાં. પ્રથમ પતિ વાયોલિનવાદક એમિલે સોરેટ (Emile Sauret) હતો. તેનો બીજો પતિ બેરિટોન ગાયક જિયોવાની તાગ્લિયાપિયેત્રા (Giovanni Tagliapietra) હતો. તેનો ત્રીજો પતિ પિયાનોવાદક યુજિન દાલ્બે (Eugne d’Albert) હતો અને તેનો ચોથો પતિ હતો આર્તુરો તાગ્લિયાપિયેત્રા (Arturo Tagliapietra), એ તેના બીજા પતિનો ભાઈ જ હતો.

સ્વરનિયોજન ક્ષેત્રે પણ મારિયાએ કામ કર્યું છે. પિયાનો માટેની કેટલીક કૃતિઓ, ઑર્કેસ્ટ્રા માટેની એક કૃતિ ઉપરાંત ચાર તંતુવાદ્યો માટે એક સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ પણ મારિયાએ લખ્યાં છે. જર્મનીમાં તેણે ત્રીસથી પણ વધુ વર્ષો સુધી પિયાનોના જલસા તથા પિયાનોવાદનનું શિક્ષણ આપેલાં.

અમિતાભ મડિયા