એલિઝરિન (alizarin) : મજીઠના મૂળમાંથી (madder root, Rubia cordifolia L. Rubia tinctorum L) મેળવાતો એક રંગક. ભારત, લંકા, ઈરાન, ઇજિપ્ત અને એશિયા માઇનોરમાં આનું વાવેતર કરાતું હતું અને ટર્કી રેડ પદ્ધતિ વડે આ રંગકથી કાપડ રંગવામાં આવતું હતું. મૂળમાં એલિઝરિન ગ્લુકોસાઇડ (રૂબેરિથ્રિક ઍસિડ C26H28O14) તરીકે પર્પ્યુરિન નામના બીજા રંગક સાથે હોય છે.
જર્મન રસાયણજ્ઞ કાર્લ ગ્રેબે (1868) અને કાર્લ લિબરમાને (1869) તેનું સંશ્લેષણ કર્યું, જ્યારે બ્રિટિશ રસાયણજ્ઞ સર વિલિયમ પર્કિને સરળ અને સસ્તી પદ્ધતિ શોધી કાઢતાં તેનું ઔદ્યોગિક ઉત્પાદન શક્ય બન્યું.
તે લાલ રંગનો સ્ફટિકરૂપ પદાર્થ છે. ગ.બિં. 289o સે., સૂત્ર C14H8O4. પાણીમાં અદ્રાવ્ય, આલ્કલીમાં તથા આલ્કોહૉલ અને ઈથરમાં દ્રાવ્ય. વિવિધ વર્ણબંધકો(mordants)ની હાજરીમાં તે વિવિધ રંગો આપે છે. Al+3થી લાલ, Fe2+થી જાંબલી, Cr3+થી તપખીરી લાલ. આમ તે બહુજનક (polygenetic) રંગક છે. હાલમાં તેનો વપરાશ ઓછો છે. બીજા રંગકોના નિર્માણમાં તે મધ્યસ્થી તરીકે વપરાય છે. તેનું સૂત્ર,
પ્રહલાદ બે. પટેલ