એલાયન્સ ફૉર પ્રોગ્રેસ : યુ. એસ. તથા લૅટિન (દક્ષિણ) અમેરિકાના કેટલાક દેશોએ પરસ્પરનાં હિતોને સ્પર્શતી આંતરરાષ્ટ્રીય આર્થિક વિકાસ કાર્યક્રમ અંગે 1961માં કરેલી સંધિ. તેનું આખું નામ છે : Inter American Committee for the alliance for progress (CIAP) અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્હૉન એફ. કૅનેડી દ્વારા સૂચિત આ કાર્યક્રમ પર ઑગસ્ટ 1961માં ઉરુગ્વેમાં સહી-સિક્કા કરવામાં આવ્યા હતા. મૂળ યોજના મુજબ દર વર્ષે 2.5 ટકાના ધોરણે વિકાસ સાધવાનું તેનું લક્ષ્યાંક હતું. જેના માટે દસ વર્ષના ગાળામાં 80 અબજ ડૉલર્સ જેટલી રકમ ખર્ચવાની નેમ રાખવામાં આવી હતી. ઉપરાંત અમેરિકાએ તેના માટે વધારાના 20 અબજ ડૉલર્સ જેટલી રકમ ફાળવી હતી. પરંતુ તેનો પૂરતો ઉપયોગ ન થતાં અમેરિકાએ તેમાં પોતાનો ફાળો ઘટાડવાનું શરૂ કર્યું હતું.  તે માટે 10,000 કરોડ ડૉલર ફાળવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના પ્રથમ દસ વર્ષ માટે મૂડીરોકાણના જે લક્ષ્યાંકો અંદાજવામાં આવ્યા હતા તેમાંના પચાસ ટકા અમેરિકા દ્વારા તથા બાકીના આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રમાંથી ઊભા કરવાનો નિર્ણય લેવાયો હતો. માત્ર દસ વર્ષના ગાળા માટેની આ સંધિ 1965માં અનિશ્ચિત મુદત માટે લંબાવવામાં આવી હતી.

લૅટિન અમેરિકાના દેશોમાં ઝડપી આર્થિક વિકાસ માટે પાયાના સુધારા દાખલ કરવા આ દેશોની વિકાસકૂચમાં અમેરિકાની આર્થિક, નાણાકીય તથા તકનિકી સહાય ઉપલબ્ધ થાય તે માટે નીચેના ઉદ્દેશ રાખવામાં આવ્યા હતા. – (1) માથાદીઠ આવકમાં વધારો, (2) રાષ્ટ્રીય આવકની ન્યાયોચિત વહેંચણી, (3) કૃષિ તથા ઉદ્યોગોનો વિકાસ તથા (4) જમીન-સુધારણા દાખલ કરવી તેમજ નિકાસની વસ્તુઓની કિંમતોમાં સ્થિરતા તથા પ્રજાનાં સ્વાસ્થ્ય અને કલ્યાણસ્તરમાં સુધારો.

આંતરરાષ્ટ્રીય નાણાકીય સમુદાય સાથે સંકલન સાધવા માટે 1963માં આ સંધિ હેઠળ ‘ઇન્ટર અમેરિકન કમિટી’ની રચના કરવામાં આવી હતી. દરેક દેશની આર્થિક નીતિ અને યોજનાઓની ચકાસણી કરી જે તે દેશની નાણાકીય જરૂરિયાત નિર્ધારિત કરવાનું કાર્ય પણ આ જ કમિટીને સોંપવામાં આવ્યું હતું.

સંધિમાં દાખલ થયેલા દેશોમાં આ યોજનાની અંતર્ગત કેટલીક શાળાઓ, દવાખાનાં તથા ઔદ્યોગિક એકમો ઊભાં કરવામાં આવ્યાં હતાં. આ સિવાય સંધિના મૂળભૂત ઉદ્દેશોની બાબતમાં કોઈ નક્કર પગલાં લેવાયાં ન હતાં. યુનાઇટેડ સ્ટેટસ તથા લૅટિન અમેરિકાના દેશો વચ્ચે રાજકીય તંગદિલી જેમ જેમ વધતી ગઈ તેમ તેમ આ કાર્યક્રમ માટેની અમેરિકાની સહાયનું પ્રમાણ ઘટતું ગયું. 1969માં પ્રમુખ રિચાર્ડ નિક્સને જાહેર કર્યું કે લૅટિન અમેરિકાના દેશોના વિકાસની જવાબદારી તે દેશોએ પોતે જ ઉપાડવાની રહેશે, પરિણામે નાણાકીય સહાયનો પ્રવાહ તદ્દન મંદ થતાં 1974માં આ સંધિ હેઠળનો કારોબાર સમેટી લેવામાં આવ્યો હતો.

ક્યૂબાને આ સંધિમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે