અનોખા આઝમૂદા (1964) : સિંધી વાર્તાસંગ્રહ. પ્રોફેસર રામ પરતાવરાઈ પંજવાણીએ પોતાના જીવનના વાસ્તવિક અનુભવો અને ઘટનાઓને આધારે રચેલી વાર્તાઓના આ સંગ્રહને 1964માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ પુરસ્કાર અર્પણ કર્યો હતો. તેના ત્રણ ભાગમાં માનવચિત્તના વિવિધ વ્યાપારો, પ્રકૃતિનાં વિભિન્ન સ્વરૂપો તથા આધ્યાત્મિકતાનું કલાત્મક અને રસાળ નિરૂપણ થયેલું છે. જીવનની વાસ્તવિક કટુતા વચ્ચે પણ માનવીય ભાવો સજાગ રહે છે. તે માનવીની પવિત્રતા અને સચ્ચાઈમાં આસ્થા પ્રેરે છે. ‘મહમદ ગાડીઅ વારો’ વાર્તા એનું એક ઉદાહરણ છે. માનવી નિમિત્ત માત્ર છે અને સર્વ ઈશ્વરાધીન છે તેથી પ્રભુપ્રાપ્તિનો માર્ગ સાચો છે અને તે માટે સત્યાચરણ એક માત્ર ઉપાય છે એવો ઉપદેશ છે. રામ પંજવાણીની વાર્તાઓમાં બહુધા હિંદુ-મુસ્લિમ તથા ભાવાત્મક એકતાનો સૂર હોય છે.
જયંત રેલવાણી