અનૈચ્છિક સંચલન (involuntary movements) : રોકી ન શકાય તેવું, આપમેળે થતું હલનચલન. શરીરનાં અંગ પોતાની મેળે હાલ્યા જ કરે અને તેને રોકવાનો પ્રયત્ન કરવા છતાં તે સ્થિર ન રહી શકે તેવી પરિસ્થિતિ. તેનાથી સ્વૈચ્છિક ક્રિયાઓમાં નડતર ઊભું થાય છે. દા.ત., હાથની ધ્રુજારીથી ચા પીતાં પ્યાલો હાલવા માંડે અને ચા ઢોળાય.

સ્નાયુઓના સંચલનનું નિયમન મગજના ત્રણ વિભાગો કરે છે :

1. મોટા મગજના ભૂખરા બહિ:સ્તર(cortex)ના ચાલકકેન્દ્ર (motor cortex) અને તેમાંથી ઉદભવતું ચેતાતંતુઓનું ચાલકતંત્ર (pyramidal system);
2. તલગંડિકાઓ (basal ganglia) અને તેમાંથી ઉદભવતું અધિચાલક તંત્ર (extrapyramidal system) ;
3. અનુમસ્તિષ્ક (નાનું મગજ, cerebellum) અને તેમાંથી ઉદભવતું અનુમસ્તિષ્ક તંત્ર.

આ ત્રણે વિભાગો એકમેક સાથે સંકળાયેલા છે અને તેમાંથી ચેતાઆવેગ-વાહકો (neurotransmitters) દ્વારા આવેગો  અથવા સંકેતો (impulses) ઉદભવે છે. ચેતાઆવેગ-વાહકો ઘણા છે; દા.ત., એસિટાઇલકોલીન, ડોપામીન, સીરોટોનિન વગેરે. આ આવેગો જુદા જુદા ચેતાપથો (neural tracts) દ્વારા સ્નાયુઓમાં પહોંચે છે અને તેમનું સંચલન કરાવે છે.

કોઈ પણ ક્રિયા કરતા મુખ્ય સ્નાયુઓના સંચલનનું નિયમન મગજનું ચાલકકેન્દ્ર સ્વૈચ્છિક રીતે કરે છે, જ્યારે અધિચાલક તંત્ર અને અનુમસ્તિષ્ક તંત્ર સ્વૈચ્છિક ક્રિયાને સહાય કરતા અન્ય સ્નાયુઓનું અનૈચ્છિક રીતે નિયમન કરે છે. દા.ત., ટેનિસ રમતા ખેલાડીને સર્વિસ કરતો જુઓ. ફટકો મારવાની મુખ્ય ક્રિયા જમણો હાથ કરે છે, પણ તેની સાથે આખા શરીરના બધા જ સ્નાયુઓ સહાયક થાય છે. આંખો, ગળું, ખભા, ડાબો હાથ, છાતી, કમર, નિતંબ, સાથળ, પગ અને પાનીઓ-બધાં જ અંગો ક્રિયામાં મદદ કરે છે અને ફટકામાં તાકાત અને નિર્ણયક્ષમતા (judgement) પૂરે છે. ખેલાડીને કમરમાં પ્લાસ્ટરનું જૅકેટ પહેરાવવામાં આવે તો તે સારો ફટકો નહિ મારી શકે. આ સહાયક ક્રિયાઓ આપમેળે અધિચાલક તંત્ર અને અનુમસ્તિષ્ક તંત્રની મદદથી થાય છે. અધિચાલક તંત્ર બગડવાથી થતા રોગોમાં અનૈચ્છિક સંચલન મુખ્ય લક્ષણ છે. અનુમસ્તિષ્ક તંત્રની ખામીમાં સ્વૈચ્છિક ક્રિયાઓમાં ચોક્કસ પ્રકારનું અનૈચ્છિક સંચલન નડતર ઊભું કરે છે.

અનૈચ્છિક સંચલનનું લક્ષણ ધરાવતા રોગો થવાનાં મુખ્ય કારણો નીચે મુજબ છે :

1. જનીની ખામી (genetic defect)
2. વિષાણુજ ચેપ (viral infection)
3. મગજના રુધિરાભિસરણના રોગો (cerebrovascular diseases)
4. વૃદ્ધત્વથી અને અજ્ઞાત કારણોથી થતું અપજનન અથવા જીર્ણતા (degeneration)
5. ચેતાઆવેગ-વાહકોની ખામી
6. ચયાપચયી મસ્તિષ્કવિકાર (metabolic encephalopathy)
7. ચેતોત્તેજક (neuroleptic) દવાઓની આડઅસરો
8. ગભરાટ, ઉશ્કેરાટ, ગુસ્સો અને શરમ.
અનૈચ્છિક સંચલનવાળા ઘણા રોગ છે, તેમાંના મુખ્ય નીચે મુજબ છે :
1. સીડનહમનું અંગનર્તન (Sydenham’s chorea)
2. હંટિંગ્ટનનું અંગનર્તન (Huntington’s chorea)
3. અર્ધત્વરિતાંગી સંચલન (hemiballismus)
4. મંદોપાંગી સંચલન (athetosis)
5. પાર્કિન્સનનો રોગ-કંપવા (Parkinson’s disease)

આ બધા રોગો અધિચાલક તંત્રની ખામીથી થાય છે. દરેક રોગમાં જુદા જુદા પ્રકારનું અનૈચ્છિક સંચલન હોય છે, તેનું નિદાન મુખ્યત્વે અવલોકનથી થાય છે.

અનૈચ્છિક સંચલનના મુખ્ય છ પ્રકારો છે :

1. નૃત્યાભ અથવા નર્તનસમ સંચલન (choreiform movement)  – દર્દી જાણે નૃત્ય કરતો હોય તેવું અનૈચ્છિક સંચલન.
2. મંદોપાંગી સંચલન – ધીમું, અવિરત, સળવળતા સાપ જેવું નાનાં ઉપાંગોનું (જેવાં કે આંગળીઓ, હથેળી, કાંડું વગેરેનું) અનૈચ્છિક સંચલન.

મંદોપાંગી સંચલન

3. સ્નાયુ-આકુંચન (myoclonus)  – કઠપૂતળી જેવું અનૈચ્છિક સંચલન.
4. ત્વરિતાંગી સંચલન (ballism or ballismus) – હાથ-પગ જેવાં અંગો જોરથી ઊછળે તે.
5. કંપન (tremor)
6. ટેવજન્ય આકુંચન (habit spasm)

શરમાળ અને ગાભરુ (nervous) સ્વભાવના માણસો બોલતી વખતે અમુક પ્રકારનું વારંવાર હલનચલન કર્યા કરે છે; દા.ત., કૉલર પકડવો, ખિસ્સામાં હાથ નાખવો અને કાઢવો, મોઢું લૂછવું વગેરે. આ મનોવિકારી અનૈચ્છિક સંચલન ગણાય છે.

અનૈચ્છિક સંચલનવાળા રોગની સારવાર માટે ચેતાચિકિત્સક-(neurologist)ની સલાહ લેવામાં આવે છે.

સૂર્યકાન્ત શાહ

શિલીન નં. શુક્લ