અનૌપચારિક વ્યવસ્થાતંત્ર

January, 2001

અનૌપચારિક વ્યવસ્થાતંત્ર (informal organisation) : ઉત્પાદન પેઢી જેવાં આર્થિક સાહસોમાં રોકાયેલા કર્મચારીઓ તથા કામદારોના ઘટકો વચ્ચે થતા અવિધિસરના વ્યવહારમાંથી ઊભું થતું વ્યવસ્થાતંત્ર. દરેક પેઢી કે સાહસના હેતુઓ કે લક્ષ્યાંકો હાંસલ કરવા માટે જુદા જુદા સ્તરે અધિકૃત સત્તામંડળો ઊભાં કરવામાં આવે છે, જેમનાં અધિકારો, જવાબદારીઓ અને કાર્યક્ષેત્ર નિયમબદ્ધ હોય છે. આવાં સત્તામંડળો વચ્ચેના વિધિસરના વ્યવહારમાંથી ઉદભવતા સંબંધોને ઔપચારિક વ્યવસ્થાતંત્ર (formal organisation) કહેવામાં આવે છે. પેઢીના જુદા જુદા ઘટકો વચ્ચે સમન્વય, સંકલન અને સંતુલન સાધવા માટે ઔપચારિક વ્યવસ્થાતંત્ર અનિવાર્ય હોય છે. પરંતુ આવા વ્યવસ્થાતંત્રના માળખાથી પર, પોતાની વ્યક્તિગત કે સામાજિક જરૂરિયાતો સંતોષવા માટે કર્મચારીઓ તથા કામદારોના જુદા જુદા ઘટકો જે અનૌપચારિક વ્યવહાર દ્વારા સંબંધો પ્રસ્થાપિત કરે છે, તેમાંથી ઊભા થતા વ્યવસ્થાતંત્રને અનૌપચારિક વ્યવસ્થાતંત્ર કહી શકાય. આવું વ્યવસ્થાતંત્ર કામદારોને પ્રેરકબળ પૂરું પાડવામાં તથા ઔપચારિક વ્યવસ્થાતંત્રને અસરકારક બનાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે. સમાન હિતો, સંવાદી લક્ષણો તથા સમાન વલણો ધરાવતા કામદારો અનૌપચારિક જૂથો(informal groups)માં વહેંચાઈ જાય છે, વિરામના સમય દરમિયાન ભેગા થાય છે, ચા-નાસ્તો કે ભોજન સાથે લે છે, કામના સમય દરમિયાન કામનો બોજ હળવો હોય ત્યારે પરસ્પર સહાયભૂત થવા તત્પર હોય છે. એટલું જ નહિ પરંતુ કામનાં સ્થળ અને સમય બહાર પણ તેઓ સામાજિક કે કૌટુંબિક સંબંધો પ્રસ્થાપિત કરતા હોય છે. રોજગારના સામાન્ય વાતાવરણને સ્વીકાર્ય બનાવવામાં, કામનો બોજ હળવો કરવામાં, પેઢી  પ્રત્યેની વફાદારી તથા કાર્યક્ષમતામાં વધારો કરવામાં તથા કામદારોને સામાજિક સ્વીકૃતિ (social acceptance) અપાવવામાં આવું વ્યવસ્થાતંત્ર સહાયક નીવડે છે.

અનૌપચારિક જૂથોમાંથી અનૌપચારિક નેતૃત્વ (informal leadership) સર્જાય છે. આવું નેતૃત્વ પૂરું પાડનારા નેતાઓમાં કામદારોનાં વિશ્વાસ અને શ્રદ્ધા હોવાથી જરૂર પડે ત્યારે કામદારોને તેમનું માર્ગદર્શન મળતું હોય છે. પેઢીના ઔપચારિક વ્યવસ્થાતંત્રના જુદા જુદા ઘટકો વચ્ચે સંવાદિતા ઊભી કરવામાં આવા નેતાઓ અસરકારક ફાળો આપી શકે છે.

અનૌપચારિક વ્યવસ્થાતંત્ર તથા અનૌપચારિક નેતૃત્વનું મહત્ત્વ સમજી, તેમના અસ્તિત્વને ઓળખી તથા પારખી પેઢીના ઉદ્દેશો અને લક્ષ્યાંકો હાંસલ કરવામાં તેમને પ્રોત્સાહિત કરવાની વણલખી ફરજ કુશળ, તત્પર તથા જાગ્રત સંચાલકો બજાવતા હોય છે. ઔપચારિક તથા અનૌપચારિક વ્યવસ્થાતંત્ર આમ એકબીજાને પૂરક નીવડે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે