એપિક્યુરસ (જ. ઈ. પૂ. 341, સેમોસ, ગ્રીસ; અ. ઈ. પૂ. 270 એથેન્સ, ગ્રીસ) : મહાન ગ્રીક તત્વજ્ઞ. ઍથેન્સની શાળાના શિક્ષકના પુત્ર. તેમના નામ ઉપરથી પ્રસિદ્ધ થયેલા સંપ્રદાય એપિક્યુરિયનવાદનું કાયમી મુખ્ય મથક ઈ. પૂ. 306માં ઍથેન્સમાં તેમણે પોતાના મકાન અને બાગમાં સ્થાપ્યું હતું. આથી આ સંસ્થા ‘ગાર્ડન્સ’ તરીકે અને અનુયાયીઓ ‘ધ ફિલૉસૉફર્સ ઑવ્ ધ ગાર્ડન’ તરીકે જાણીતા થયા હતા. સંસ્થાના અધ્યક્ષ તરીકે અને નૈતિક ગુણોને કારણે એપિક્યુરસ પોતાના જીવનકાળ પર્યંત અને અવસાન બાદ દીર્ઘકાળ પર્યંત આદરને પાત્ર રહ્યા હતા. તેમણે 300 જેટલા ગ્રંથો લખ્યા હતા, પરંતુ તેમાંથી બહુ ઓછું સચવાયું છે. તેમાં અનુયાયીઓને લખેલા ત્રણ નીતિબોધક પત્રો અને ‘ઑન ધ નેચર’, ‘કેનન’ એવા શીર્ષકવાળો જ્ઞાનમીમાંસા અંગેનો ગ્રંથ મુખ્ય છે. આ ઉપરાંત નૈતિક વિષયો અંગેના મુખ્ય ગ્રંથો : ‘ઑન ધ હાઇએસ્ટ ગુડ’, ‘વૉટ ઇઝ ટુ બી સૉટ ઍન્ડ અવૉઇડેડ’ અને ‘ઑન લાઇવ્ઝ’. ઈ. પૂ. પહેલી સદીના રોમન કવિ લ્યુક્રેટિયસના મહાકાવ્યમાં એપિક્યુરસના સિદ્ધાંતોની ઉત્સાહપૂર્વક રજૂઆત થઈ છે.
ઈ. પૂ. પાંચમી સદીના સૉફિસ્ટ ચિંતકોની અસરને પરિણામે તાત્વિક ચિંતનનું લક્ષ્ય ત્યારે કુદરત પ્રતિ હતું તે સમાજની એક વ્યક્તિ તરીકે માનવી પ્રતિ વળ્યું હતું. એ યુગનો ધર્મ સામેનો તીવ્ર વિરોધ એપિક્યુરસનાં મંતવ્યોમાં વ્યક્ત થયો છે. તેમની તાત્વિક પદ્ધતિ માત્ર વ્યાવહારિક સમસ્યાઓના માર્ગદર્શન માટે પ્રયોજાયેલી હતી. પોતાના નૈતિક વ્યક્તિમત્તાવાદની ભૂમિકા માટે તેમણે ડેમૉક્રિટસ(ઈ. પૂ. 460થી 370 ?)ના અણુવાદને અને એરિસ્ટિપસ(ઈ. પૂ. 435થી 355 ?)ના સુખવાદને પોતાને અનુકૂળ સુધારા સાથે ઉપયોગમાં લીધા હતા.
એપિક્યુરસનો સ્વાર્થલક્ષી સુખવાદ માનવીનાં બધાં કાર્યોનું અંતિમ ધ્યેય સુખ અને વ્યવહારમાં સુખદુ:ખની લાગણીને સત્યનું ધોરણ ગણતો હોવા છતાં તેમાં શરીર કરતાં બુદ્ધિનાં સુખદુ:ખને, વિધિવાચી સુખોને બદલે દુ:ખોમાંથી મુક્તિને, પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિને અને બાહ્ય બાબતોથી સ્વતંત્ર એવી સ્વ-પર્યાપ્તતાને વધુ મહત્વ આપે છે. આ માટે અસ્તિત્વ અંગેની અનિવાર્ય જરૂરતો સિવાયની પરંપરાગત અને કૃત્રિમ જરૂરતોનો આત્મસંયમ દ્વારા ત્યાગ કરવાનું તેમણે પ્રબોધ્યું છે.
ભૌતિકવાદી અને યાંત્રિક ર્દષ્ટિબિંદુ ધરાવતા તેમના અણુવાદ અનુસાર અવકાશ તથા તેમાં વજનને કારણે સતત નીચે પડતા અને સંયોજિત બનતા અવિભાજ્ય એવા અણુઓ અનેક વિશ્વો અને પદાર્થોની રચનાના ઘટકો છે. મૃત્યુમાં અણુઓનું વિસર્જન થતું હોવાથી મરણોત્તર અસ્તિત્વ નથી, આથી ભાવિ નરકની યાતનાનો ડર રહેતો નથી; વળી દેવો પણ માનવીનાં કાર્યોમાં દખલ કરતા નથી એ તેમનાં નોંધપાત્ર પ્રતિપાદનો છે.
સમાજ અને રાજ્યની રચના કુદરતી નહીં પણ માનવીને વ્યવહારુ લાભ માટે કરી હોવાનું એપિક્યુરસ માનતા હોવાથી સામાજિક જીવનની કુદરતી આવશ્યકતા અને મહત્વને લક્ષમાં લીધાં નથી. સિદ્ધાંતમાં પ્રત્યક્ષીકરણને જ સત્યનું ધોરણ ગણ્યું હોવાથી જ્ઞાનનાં બીજાં સાધનો અને સ્રોતોની અહીં અવગણના થઈ છે. આમ છતાં એપિક્યુરસના ચિંતનની સ્પષ્ટ વિશિષ્ટતા તેની બ્રહ્માંડમીમાંસામાં ભૌતિકવાદનું નિરૂપણ કરવામાં અને નીતિશાસ્ત્રમાં વર્તમાન જીવન અને તેના દુન્યવી પાસાનું મહત્વ કેન્દ્રસ્થાને મૂકવામાં રહેલી છે.
મૂ. કા. ભટ્ટ