એપિગ્રામ : ગદ્ય કે પદ્યમાં લખાયેલું સૂત્રાત્મક અર્થસભર વિધાન. મહદ્અંશે જે લેખકોએ અંગ્રેજીમાં એપિગ્રામ લખ્યાં છે તેમણે તેનો કાં તો પ્રશસ્તિ માટે અથવા કટાક્ષની રીતે ઉપયોગ કર્યો છે. પ્રાચીન ગ્રીસ તથા રોમમાં સમ્રાટો, તત્વચિંતકો અને સેનાધ્યક્ષોનાં પૂતળાં નીચે એપિગ્રામનું લખાણ મૂકવામાં આવતું. પ્રથમ ગ્રીક ઍન્થોલૉજી – આશરે 925માં પ્રસિદ્ધ થઈ હતી. તેમાં ટૂંકી મનોરંજક અને મર્માળી કવિતા, ટુચકા અને ચાતુર્યભરી ઉક્તિઓ છે. સત્તરમી સદીમાં એપિગ્રામનો પોતાનાં લખાણોમાં વિશિષ્ટ ઉપયોગ કરનારા લેખકોમાં બેન જૉન્સન, ડન, હેરિક, વિલિયમ ડ્રમન્ડ જ્હૉન, ડ્રાયડન, ઍલેક્ઝાન્ડર પોપ, સ્વિફ્ટ અને રૉબર્ટ બર્ન્સનાં નામ નોંધપાત્ર છે.

આ ઉપરાંત પ્રાયર, રિચર્ડ કડલ અને કવિ બ્લૅકે પણ એપિગ્રામ લખ્યાં છે. કૉલરિજે પણ ઉત્તમ એપિગ્રામ આપ્યાં છે. કવિ લડરનું નામ એપિગ્રામના કવિ તરીકે સુવિખ્યાત છે. કવિ બેલક અને વૉલ્ટર દ લા મેરેનો આ સ્વરૂપમાં અમૂલ્ય ફાળો છે. કોઈ વાર એપિગ્રામ બે પંક્તિઓ કે ચાર પંક્તિઓમાં પણ રચાયાં છે. લૉર્ડ ચેસ્ટરટન, બર્નાર્ડ શૉ, એફ. ઈ. સ્મિથ તથા ઑગ્ડન નેશે ગદ્યમાં એપિગ્રામ લખ્યાં છે.

તેમ છતાં ઑસ્કર વાઇલ્ડ અને ડિઝરાયલી વગેરેએ પણ એપિગ્રામ લખ્યાં છે. આજે એ પ્રકારનું લખાણ પ્રચલિત નથી.

સુરેશ શુકલ

વિ. પ્ર. ત્રિવેદી