એપાર્કિયન અસંગતિ (Eparchaean unconformity) : પુરાણા અને આર્કિયન ખડકરચનાઓ વચ્ચેનો સાતત્યભંગ. ભારતમાં અતિપ્રાચીન સમયના ખડકોથી માંડીને અર્વાચીન સમયના ખડકો મળી આવે છે, પરંતુ વિવિધ ભૂસ્તરીય કાળના ખડકોનો ઉત્પત્તિક્રમ અવિરત હોતો નથી. પરિણામે કેટલીક વખતે ખડકરચનાની ઉત્પત્તિના સાતત્યમાં ભંગ (વિક્ષેપ) જોવા મળે છે, જેનો નિર્દેશ ભૂસ્તરશાસ્ત્રની સ્તરવિદ્યાશાખામાં અસંગતિ પ્રકારના નિક્ષેપવિરામના લક્ષણ દ્વારા થાય છે.

ભારતમાં મળી આવતા અતિપ્રાચીન ખડકો આર્કિયન રચના તરીકે ઓળખાય છે; તેની ઉપર પુરાણા સમૂહના ખડકો રહેલા છે. આર્કિયન રચનાના અને પુરાણા સમૂહના ખડકોને જુદા પાડતી અસંગતિ ‘એપાર્કિયન’ અસંગતિ તરીકે ઓળખાય છે. આ પ્રકારની અસંગતિ દુનિયાના અન્ય દેશોમાં પણ જોવા મળે છે, છતાં આ અસંગતિ દ્વારા આવરી લેવાતો કાળગાળો જુદો જુદો હોય છે. ભારતમાં એપાર્કિયન અસંગતિની નીચે રહેલા આર્કિયન ખડકો ઉચ્ચ કક્ષાની ખડકવિકૃતિ તેમજ ખૂબ જ રચનાત્મક વિક્ષેપવાળા છે, જ્યારે તેની ઉપર રહેલા પુરાણા સમૂહના ખડકો (‘દિલ્હી સુપર ગ્રૂપ’ સિવાય) સામાન્ય કક્ષાની ખડકવિકૃતિવાળા તેમજ ઓછા રચનાત્મક વિક્ષેપવાળા, જીવાવશેષરહિત, ઘણી જાડાઈવાળા જળકૃત ખડકો છે. પુરાણા સમૂહના ખડકોનું સ્થાન નીચે રહેલી જીવાવશેષરહિત આર્કિયન રચના તેમજ ઉપર રહેલી દ્રાવિડ સમૂહની જીવાવશેષયુક્ત જળકૃત ખડક-રચનાઓના વચગાળાનું છે. કિરણોત્સારી (radio-active) કાળગણના પ્રમાણે એપાર્કિયન અસંગતિ લાંબો કાળગાળો આવરી લે છે, જે હકીકત નીચેની માહિતી ઉપરથી સ્પષ્ટ બને છે :


કડાપ્પા સુપર સમૂહના સૌથી જૂના ખડકોનું વય કિરણોત્સારી પદ્ધતિ દ્વારા આશરે 1 અબજ 70 કરોડ વર્ષનું અંદાજવામાં આવેલું છે; જ્યારે ધારવાડ રચનાના ખડકો 2 અબજ 50 કરોડથી 3 અબજ વર્ષ હોવાની ગણતરી છે. આ ઉપરથી નક્કી કરી શકાય કે આ બે વચ્ચે આવેલી એપાર્કિયન અસંગતિ આશરે 80 કરોડ વર્ષથી 130 કરોડ વર્ષનો કાળગાળો આવરી લે છે. આ સાથેનો કોઠો એપાર્કિયન અસંગતિનું સ્થાનનિર્દેશન સ્પષ્ટ કરી આપે છે તેમજ તેની ઉપર અને નીચે રહેલી ખડક-રચનાઓ સાથેનો સંબંધ પણ દર્શાવે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે