પાગલબાબા (જ. 31 જુલાઈ 1928; અ. 24 જૂન 2003) : બૌદ્ધ ધર્મ અને આંબેડકર વિચારધારાનો પ્રચાર કરનાર અને કવિ.

એમનું મૂળ નામ ઈશ્વરભાઈ શિવરામ તૂરી (બારોટ). જન્મ ચાણસ્માના રોહિત સમાજમાં થયો હતો. ચૌદ વર્ષની ઉંમરે ઘર છોડીને ભાગી નીકળ્યા. ભૂતકાળમાં જાતિપ્રથાનો ભોગ બનવું પડેલું તેથી જાતિ છુપાવીને નાથપંથની દીક્ષા લીધેલી. દેશમાં પરિભ્રમણ કરીને છ વર્ષે ગુજરાતમાં પાછા ફર્યા. વિજાપુરના પુરીબહેન સદાભાઈ સાથે લગ્ન થયાં. આંબેડકરના અવસાનથી ખૂબ દુઃખી થયેલા. ત્યારથી આ ઈશ્વરે ‘પાગલ’ નામ ધારણ કરેલું. દિવંગત કવિ શ્યામ સાધુના પિતાજી મૂળદાસ પાસે જૂનાગઢ પહોંચી ગયા. 1957માં નાગપુરમાં બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. એ પછી બૌદ્ધ ધર્મનો પ્રચાર કરતા, ગીતો ગાતા. બૌદ્ધ ધર્મના પરિવ્રાજક તરીકે ઠેકઠેકાણે માનપાન પામ્યા. આ દરમિયાન આખા દેશમાં અને નેપાળ સુધી ફરીને બૌદ્ધ ધર્મ અને આંબેડકર વિચારધારાનો પ્રચાર-પ્રસાર કર્યો.

પાગલબાબાએ પોતે કોઈ સંસ્થા સ્થાપી નથી. થોડો સમય અમદાવાદમાં વસવાટ કર્યા પછી છેલ્લા દાયકાઓમાં કેશોદને તેમણે કાર્યક્ષેત્ર બનાવ્યું. સાદી ઝૂંપડીમાં રહેતા, અસંખ્ય પુસ્તકો રાખતા. સોરઠ વિસ્તારમાં દલિત છાત્રાલયો ઊભાં કરવામાં નિમિત્ત બન્યા. પાગલબાબાએ ‘પ્રબુદ્ધ ભીમગુણગાન’ પદ્યસંગ્રહ લખ્યો છે જેની અનેક આવૃત્તિઓ થઈ છે. તેમનાં ગીતો ગાયકો સમગ્ર ગુજરાતમાં ગાય છે. ગુજરાત સરકારે તેમને આંબેડકર ઍવૉર્ડથી સન્માન્યા હતા.

ડંકેશ ઓઝા