પાઘડી : ધંધા અથવા ઉત્પાદનના સામાન્ય સ્તરના એકમોના નફા કરતાં તેવા જ પ્રકારનો ધંધો અથવા ઉત્પાદન કરતા વિશિષ્ટ એકમની અધિનફો (super profit) કરવાની ક્ષમતાને લીધે તેને મળેલી પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્યાંકન. ધંધા અથવા ઉત્પાદનના થોડાક એકમો તેમના જ વર્ગના મોટા ભાગના એકમો કરતાં વધારે નફાની કમાણી કરતા હોય છે. તેવા એકમોને ચાલુ હાલતમાં ખરીદવા માટે તેમની અસ્કામતોની પ્રવર્તમાન કિંમત કરતાં વધારે કિંમત આપવા માટે હરીફો અથવા નવા આગંતુકો (newcomers) તત્પરતા દર્શાવે છે. આવી વધારે મળેલી અથવા મળવાપાત્ર રકમ તે વિશિષ્ટ એકમની પાઘડી (good will) કહેવાય છે. પાઘડીનું અસ્કામત તરીકે અલગ  અસ્તિત્વ નથી અને તે ધંધાની સમગ્રતા સાથે અતૂટ રીતે સંકળાયેલ હોય છે. ધંધો બંધ થઈ જાય તો તેનું અસ્તિત્વ નાશ પામે છે. તે એક અમૂર્ત અને અગોચર અસ્કામત છે અને એકમનું સાંગોપાંગ વેચાણ થાય તો જ તે વેચાણપાત્ર અસ્કામત બની શકે છે. ધંધાના ભૌગોલિક સ્થાન, કાચી સામગ્રીની પ્રાપ્તિ માટે સરકારી ક્વોટા અથવા લાઇસન્સ, પાણી, વીજળી વગેરેની સવલતો, સુચારુ વ્યવસ્થાપન અને ઉત્પાદિત માલ માટે નોંધાયેલો અને સમય જતાં ખ્યાતિ પામેલો ટ્રેડમાર્ક વગેરે પાઘડીના ઉદભવ માટે અગત્યનાં પરિબળો છે. પાઘડીનું મૂલ્યાંકન અતિસંકુલ પ્રક્રિયા છે. તેથી હિસાબનીશો, અન્વેષકો, નાણાકીય તજ્જ્ઞો, શૅરદલાલો, સંચાલકો અને સરકારી સંસ્થાઓ વચ્ચે મૂલ્યાંકન અંગે એકમતી પ્રવર્તતી નથી. ખરીદનાર અને વેચનાર વચ્ચે તીવ્ર સોદાબાજીના આધારે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સામાન્ય રીતે એકમે અગાઉનાં ચાર કે પાંચ વર્ષોમાં કરેલા અધિનફાની સરેરાશ કાઢીને તેની બે અથવા ત્રણગણી રકમના આધારે પાઘડી નક્કી કરવામાં આવે છે.

જયન્તિલાલ પો. જાની