પાગ, પગ : મંદિરોની દીવાલોમાં ઉપસાવવામાં આવતા સંલગ્ન થાંભલા. ઓરિસાના સ્થાપત્યમાં મંદિરોની રચનામાં બાહ્ય દર્શનની આકર્ષકતા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવતો. જ્યારે આંતરિક રચના ઘણુંખરું અત્યંત સાદગી ભરેલી રહેતી. બાહ્ય દીવાલોની પાસાદાર રચનાથી સમગ્ર મંદિરનું માળખું ખૂબ જ બારીકાઈથી ઘડાતું. તેથી દીવાલોના ભાગોને વિવિધ ભદ્ર, કર્ણ તથા થાંભલીઓ વડે વિભાજિત કરીને રચવામાં આવતા. આમાં દીવાલોમાં થાંભલીઓના આકારમાં ઉપસાવવામાં આવતા સંલગ્ન થાંભલાને ‘પગ’ અથવા ‘પાગ’ તરીકે ઓળખવામાં આવે છે. ઓરિસાના સ્થાપત્યની જેમ એક આગવી પ્રતિભા હતી તેમ તેના સ્થાપત્યના જુદા જુદા ભાગોની નામાવલી પણ અલગ હતી. આથી મંદિર પણ ‘દેઉલ’ તરીકે ઓળખાય-વર્ણવાય છે. આમ મંદિરોના અલગ અલગ ભાગોને પણ ભારતીય સ્થાપત્યના સામાન્ય પારિભાષિક શબ્દોના બદલે અલગ  અન્ય શબ્દોથી વર્ણવાય છે.

રવીન્દ્ર વસાવડા