શત્રુઘ્ન : દશરથ અને સુમિત્રાનો પુત્ર અને લક્ષ્મણનો સહોદર ભાઈ. વાલ્મીકિ રામાયણમાં તેને ભરતનો અભિન્ન સાથી કહ્યો છે. આથી પ્રાચીન સાહિત્યમાં રામ-લક્ષ્મણ અને ભરત-શત્રુઘ્નનો જોડી તરીકે ઉલ્લેખ થતો જોવામાં આવે છે. મોસાળમાંથી આવીને રામના વનવાસ અંગેના નિશ્ચયનો ભરતની જેમ શત્રુઘ્ને પણ ભારે વિરોધ કર્યો હતો. મંથરાને એ મારવા દોડ્યો હતો. દશરથને પણ કડવાં વેણ કહ્યાં હતાં અને લક્ષ્મણે પણ રામને વનમાં થતાં કેમ ન રોક્યા એ અંગે લક્ષ્મણ પ્રત્યે બળાપો કાઢ્યો હતો. ભરતની નંદિગ્રામની તપસ્યા વખતે અયોધ્યાનું સંરક્ષણ અને વ્યવસ્થાપનની જવાબદારી એણે સંભાળી હતી.

રામના રાજ્યાભિષેક પછી રામની આજ્ઞાથી એણે લવણાસુરને મારી મથુરા-વિસ્તારમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. ત્યાં બાર વર્ષ રાજ્ય કર્યું. રામના અશ્વમેધ યજ્ઞ પ્રસંગે દિગ્વિજય કરતી વખતે યજ્ઞના ઘોડાની રખેવાળી કરવાની જવાબદારી શત્રુઘ્નને શિરે હતી અને એ નિમિત્તે એણે ઘણા રાજાઓ પર વિજય મેળવ્યો હતો.

કુશધ્વજ જનકની પુત્રી શ્રુતિકીર્તિ એની પત્ની હતી. કાલનું આવવું, લક્ષ્મણનું નિર્વાણ અને રામના મહાપ્રયાણની તૈયારીની જાણ થતાં તેણે પોતાના પુત્ર સુબાહુ અને શત્રુઘાતિનને મથુરા અને શૂરસેન દેશનું રાજ્ય સોંપીને ભાઈની સાથે જવા માટે અયોધ્યા પ્રયાણ કર્યું.

પ્રવીણચંદ્ર પરીખ