શતાવરી ઘૃત (રસાયન-ઔષધિ)

January, 2006

શતાવરી ઘૃત (રસાયનઔષધિ) : આયુર્વેદિક ઔષધિ.

પાઠ તથા નિર્માણવિધિ : શતાવરીનો રસ 2560 મિલિ., દૂધ 2560 મિલિ, ગાયનું ઘી 1300 ગ્રામ તથા જીવક, ઋષભક, મેદા, મહામેદા, કાકોલી, ક્ષીરકાકોલી, દ્રાક્ષ (લીલવા-સૂકી), જેઠીમધ, જંગલી મગ, જંગલી અડદ, વિદારી કંદ અને રતાંજળી  આ 12 ઔષધિઓ 30-30 ગ્રામ લઈ, તેનો કલ્ક કરવામાં આવે છે. પછી બધાંને મોટા તપેલામાં મેળવી મંદાગ્નિ તાપ પર પકાવાય છે. તેમાં 2500 મિલિ. પાણી પણ મેળવવામાં આવે છે. જ્યારે પાણી (જલીયાંશ) બળી જાય અને માત્ર ઘી શેષ રહે ત્યારે તે ઉતારીને ઘી કપડાથી ગાળી લેવાય છે. તે ઠરે એટલે તેમાં ખાંડ અને મધ 160-160 ગ્રામ મેળવીને એકરસ કરી લેવાય છે.

માત્રા : 5થી 10 ગ્રામ ઘી દૂધ સાથે; સવાર-સાંજ રોજ લેવાય છે.

ઉપયોગલાભ : આ શતાવરી ઘી આયુર્વેદની એક સુંદર પૌષ્ટિક, શીતળ રસાયન-ઔષધિ છે. તે ગુણમાં શીતવર્ય, વાજીકર, પિત્ત અને વાતજન્ય તમામ રોગો જેમ કે : અંગદાહ, રક્તપિત્ત (રક્તસ્રાવ), વાતરક્ત (ગાઉટ), અલ્પવીર્ય, વીર્યમાં ગરમી, વીર્ય પાતળું હોવું, ગુપ્તાંગ કે મૂત્રેન્દ્રિયમાં દાહ, અમ્લપિત્ત, મસ્તક કે નેત્રદાહ, પિત્તપ્રકોપ, પિત્ત (ગરમીનો) જ્વર, યોનિ કે લિંગ-શૂળ, પૈત્તિક મૂત્રકૃચ્છ્ર વગેરે મટાડીને તે વ્યક્તિનાં બળ, વીર્ય, રંગ (વર્ણ) અને જઠરાગ્નિ(પાચનશક્તિ)ની વૃદ્ધિ કરી શરીરને હૃષ્ટપુષ્ટ બનાવે છે.

જે લોકો કાયમ તમાકુ-ગુટકા વધુ ખાય છે કે ચા-કૉફી જેવાં પેય વધુ કડક અને વધુ માત્રામાં લે છે અથવા જેઓ દારૂ કે આલ્કોહૉલવાળી નશીલી ચીજો વધુ લે છે કે ખારી, તીખી અને ખાટી ચીજો વધુ પડતી ખાય છે તેમનો પિત્તદોષ વિકૃત થઈ જાય છે; તેથી વ્યક્તિનું રક્ત ગરમ અને પાતળું પડે છે. તેનું રક્ત પાતળું અને ઉષ્ણ, તેનું વીર્ય પણ પાતળું અને ગરમ થઈ જાય છે. તેથી રક્ત અને વીર્યનાં અનેક દર્દો પેદા થાય છે. પિત્તપ્રકોપ થવાથી આખા શરીરમાં અંગદાહ, પ્રદર કે પ્રમેહવિકાર, મૂત્રકૃચ્છ્ર (પેશાબની અલ્પતા તથા અટકાયત), ઊનવા, માંસક્ષય, વિવર્ણતા કે પાંડુતા, ગરમીથી આવતી નબળાઈ, શ્વાસ ચડવો, મસ્તકદાહ અને પીડા; અમ્લપિત્તથી થતી ખાટી-કડવી-તીખી ઊલટી અને મસ્તકપીડા, કોઈ વાર ગરમ-પાતળા-પીળા ઝાડા થઈ જવા  આવાં બધાં દર્દોમાં શતાવરી ઘૃત એક ઉત્તમ આયુર્વેદિક ઔષધિ છે. આ બધા રોગોમાં અન્ય સહાયક ઔષધિઓની સાથે આ ઘી રોજ લેવાથી અચૂક, ઉત્તમ લાભ ટૂંક સમયમાં થાય છે. આ ઘીના પ્રયોગથી પિત્ત પ્રકૃતિવાળા દૂબળા-કૃશ, નિર્બળ લોકોને અવશ્ય વધુ બળ અને પુષ્ટિ મળે છે. વળી દેહ રસાયન ગુણથી સ્વસ્થ રહે છે.

પરેજી : ઉપર્યુક્ત રોગોમાં વાયુ-પિત્તકર્તા તમામ સૂકો, કઠોળવાળો, લૂખો, વાયડો તેમજ ખારો, ખાટો, તીખો, તળેલો, મસાલેદાર ખોરાક વર્જ્ય લેખાય છે. તમામ માદક પદાર્થો તથા માંસાહાર, ધૂમ્રપાન, વધુ ઉજાગરા, ગરમી-તડકામાં રહેવું વગેરે બંધ કરવું જરૂરી ગણાય છે. વળી રોગીને સાદો, સાત્વિક આહાર અને (પપૈયા સિવાયનાં) મીઠાં ફળો લેવાની હિમાયત કરવામાં આવે છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા