શત્રુંજય (શેત્રુંજો) (ભૂગોળ)

January, 2006

શત્રુંજય (શેત્રુંજો) (ભૂગોળ) : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલો પર્વત. ભૌગોલિક સ્થાન : 21° 31´ ઉ. અ. અને 71° 42´ પૂ. રે. તે જિલ્લામથક ભાવનગરથી નૈર્ઋત્યમાં આશરે 54 કિમી.ને અંતરે આવેલો છે. તેની તળેટીમાં પશ્ચિમ તરફ પાલિતાણા નગર વસેલું છે તથા તેની ઉત્તર તરફથી શેત્રુંજી નદી પસાર થાય છે. તેની ઊંચાઈ સમુદ્રસપાટીથી 603 મીટર જેટલી છે.

ઉત્પત્તિના સંદર્ભમાં જોતાં, તે લાવા-પ્રસ્ફુટનની પ્રક્રિયાના પરિણામરૂપ તૈયાર થયેલો છે. તેના ઘટક ખડકો મુખ્યત્વે બેસાલ્ટ, ઍન્ડૅસાઇટ અને ઑબ્સિડિયન પ્રકારના છે. તેની આજુબાજુના ભાગોમાં લૅમ્પ્રોફાયર, લિમ્બરગાઇટ, મૉન્ચિકાઇટ, પૉર્ફિરાઇટ, ઑલિવિન ગૅબ્બ્રા, મૉન્ઝોનાઇટ અને નેફેલિન સાયનાઇટ જેવાં અંતર્ભેદનો પણ મળે છે.

પર્વત નજીકની કેટલીક જમીન મૂરમવાળી છે. પર્વત પર વનસ્પતિનું પ્રમાણ ઝાઝું નથી. માત્ર કાળો ધવ, ગોરડ, હરમો, સાલેડી, મોદડ, બોરડી અને ગરમાળો જેવાં વૃક્ષો જોવા મળે છે.

ઇતિહાસ : સૌરાષ્ટ્રના પાલિતાણા પાસે 600 મીટરની ઊંચાઈના શત્રુંજય પર્વતનો જૈન આગમ સાહિત્યમાં ઉલ્લેખ થયો છે. અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈને ગૌતમકુમાર શત્રુંજય ઉપર નિર્વાણ પામ્યાનું જાણવા મળે છે. ત્યાં બીજા કેટલાક સાધુઓ પણ નિર્વાણ પામ્યા હતા. પાંચ પાંડવો શ્રીકૃષ્ણના અવસાનથી સંવેગ પામીને સુસ્થિત સ્થવિરની પાસે દીક્ષા લઈને શત્રુંજયના શિખર ઉપર પાદપોપગમન (વૃક્ષની જેમ સ્થિર રહીને) અનશન કરીને કાલધર્મ પામ્યાની અનુશ્રુતિ જૈન ગ્રંથોમાં નોંધાયેલી છે. આદિનાથ ઋષભદેવજીના પુંડરીક નામના ગણધરે તપ કરી આ પર્વત ઉપર સિદ્ધિ મેળવી હતી એવું મનાય છે. તેથી આ પર્વતનું એક નામ ‘પુંડરીક’ પણ છે. તે જૈનોનું એક મહત્ત્વનું તીર્થધામ છે અને ‘પ્રભાવકચરિત’, ‘પ્રબંધચિંતામણિ’, ‘વિવિધતીર્થકલ્પ’ વગેરે ગ્રંથોમાં તેનો વારંવાર ઉલ્લેખ થયો છે. ‘વિવિધતીર્થકલ્પ’માં તો તેના માહાત્મ્યના અનુષંગમાં 21 નામ પણ નોંધ્યાં છે. સૌરાષ્ટ્રમાં સવિશેષ ધ્યાન ખેંચનારું શત્રુંજયતીર્થ છે. તેને ‘સિદ્ધિક્ષેત્ર’ ‘સિદ્ધિગિરિ’, ‘વિમલગિરિ’ અને ‘ઢંક’ પણ કહ્યું છે. ‘પ્રભાવકચરિત’માં પાદલિપ્તસૂરિનું ચરિત્ર આપતાં તેમના ઢંકાપુરીના સિદ્ધ શિષ્ય નાગાર્જુનનો પ્રસંગ મળે છે. નાગાર્જુને શત્રુંજય પર્વત પર ભગવાન મહાવીરની તથા પોતાના ગુરુ પાદલિપ્તાચાર્યની પ્રતિમા પધરાવી એ પર્વતની તળેટીમાં પાદલિપ્તપુર ગામ વસાવ્યું, જે હાલ ‘પાલિતાણા’ તરીકે જાણીતું છે. જૈન અનુશ્રુતિઓ ઉપરાંત શત્રુંજય પર જાવડે કરેલા તીર્થોદ્ધારનું વર્ણન થયેલું છે. ભાવડનો પુત્ર જાવડ મધુમતી(મહુવા)ના સ્વામી હતા. તેમણે તક્ષશિલાના ધર્મચક્રમાં રહેલી ઋષભદેવ-(આદિનાથ)ની પ્રતિમા મધુમતીમાં લાવી, ત્યાંથી સંઘ લઈ શત્રુંજય જઈ, ત્યાં આચાર્ય વજ્રસ્વામીના વરદ હસ્તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આ તીર્થોદ્ધારનો સમય ઈ. સ. 51-52નો ગણાય છે.

ધનેશ્વરસૂરિએ બૌદ્ધોને વિવાદમાં હરાવી દેશપાર કરાવ્યા અને રાજા શિલાદિત્ય પાસે તીર્થોદ્ધાર કરાવ્યો એવું તેમણે રચેલા સંસ્કૃત પુરાણ કાવ્ય ‘શત્રુંજયમાહાત્મ્ય’માં નોંધ્યું છે. આ રાજાનો સમય ઈ. સ. 420-421નો ગણાય છે. વલભીના રાજા શિલાદિત્યને ધનેશ્વરસૂરિએ જૈન ધર્મનો બોધ આપ્યો અને તે રાજાના આગ્રહથી ‘શત્રુંજયમાહાત્મ્ય’ રચ્યું હતું. ગૌડ દેશના રાજા ધર્મપાલ અને કનોજના રાજા નગભટ બીજાએ શત્રુંજય અને રૈવતકની યાત્રા કરી હતી. શત્રુંજય તીર્થને મંદિરોનું નગર કહેવામાં આવે છે, કારણ કે આ પર્વતની નવે ટૂકો પર થઈને 105 મોટાં દેરાસરો, 815 નાની દેરીઓ, 11,094 પાષાણની પ્રતિમાઓ તથા 665 ધાતુની પ્રતિમાઓ છે. નવે ટૂકોમાં થઈ પાદુકાની સંખ્યા 8,961 છે. તેના જુદા જુદા સમયે 16 મોટા ઉદ્ધારો થયા છે.

સિદ્ધરાજે શત્રુંજય જેવાં અનેક સ્થળોએ કુમાર-વિહાર બંધાવ્યા હતા. રાજા કુમારપાલના વૃદ્ધમંત્રી ઉદયનની શત્રુંજયના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની અધૂરી રહેલી ઇચ્છા એમના પુત્ર વાગ્ભટે ઈ. સ. 1155માં પૂરી કરી. તેમણે શત્રુંજય ઉપરના આદિનાથના લાકડાના મંદિરને બદલે પથ્થરનું મંદિર બંધાવ્યું.

કુમારપાલે (ઈ. સ. 1143-1172) સંઘ કાઢી શત્રુંજય, ગિરનાર વગેરે જૈન તીર્થોની યાત્રા કરી હતી. મહામાત્ય વસ્તુપાલે અનેક વાર સંઘ કાઢીને તથા સંઘ કાઢ્યા વિના પણ પોતાના કુટુંબ સાથે શત્રુંજય તથા ગિરનારની યાત્રા કરી હતી.

કચ્છના જગડૂશા તથા પેથડ શ્રેષ્ઠીએ શત્રુંજયાદિ સ્થળોએ જૂનાં ચૈત્યો(દેરાસરો)નું સંસ્કરણ તથા નવાં ચૈત્યોનું સર્જન (ઈ. સ. 1250-70) કરાવ્યું હતું. પાલનપુરના શ્રેષ્ઠી દેસલના પુત્ર સમરસિંહે શત્રુંજય તીર્થ પર ખંડિત થયેલાં મૂળ મંદિર અને મૂર્તિઓનો પુનરોદ્ધાર કરાવ્યો હતો. ચિત્તોડનિવાસી ઓસવાલ જ્ઞાતિના શ્રેષ્ઠી કર્મચંદ્ર મંત્રીએ લાખો રૂપિયા ખર્ચીને શત્રુંજયના મૂળમંદિરનો જીર્ણોદ્ધાર કરાવી એનો પ્રતિષ્ઠા-મહોત્સવ કર્યો હતો. ઈ. સ. 1313માં મુસ્લિમોએ જૈનોના મહાતીર્થ શત્રુંજય ઉપરના મુખ્ય મંદિરનો નાશ કર્યો અને ત્યાંની આદીશ્વર પ્રતિમાને પણ ભાંગી નાખી. જિનપ્રભસૂરિના સમકાલીન ગ્રંથ ‘વિવિધતીર્થકલ્પ’માં આ પ્રસંગ વર્ણવેલો છે.

શત્રુંજય ઉપર અંગારશાહ નામે મુસલમાન કરામતી ફકીરની કબર પણ છે. મુસલમાન લશ્કરના હુમલામાંથી બચવા માટે એ ઊભી કરાઈ હોય એ શક્ય છે. તે પછી તે તીર્થનું મુખ્ય મંદિર ફરીથી ખંડિત થયું. સુલતાન બહાદુરશાહ પાસેથી તેના પુનરુદ્ધારનું ફરમાન મેળવી મેવાડના શેઠ કર્મા શાહે ઈ. સ. 1531માં વિદ્યામંડનસૂરિ પાસે પુન:પ્રતિષ્ઠા કરાવી. તેના સમકાલીન કવિ પંડિત વિવેકધીરગણિએ એ વર્ષે ‘શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ’ નામના ઐતિહાસિક કાવ્યની રચના કરી. ઈ. સ. 1619માં જામનગરના વર્ધમાન અને પદ્મસિંહ એ બે ઓસવાળ ભાઈઓએ 204 પ્રતિમા ભરાવી અને પ્રતિષ્ઠિત કરાવી અને બીજે વર્ષે 1620માં જૈનોનો શત્રુંજયનો સંઘ કાઢ્યો તથા વર્ધમાને 1622માં શત્રુંજય ઉપર દેરું બંધાવ્યું. ઈ. સ. 1630માં શત્રુંજય ઉપર શાહ ધર્મદાસે અદબદજીનું મંદિર બંધાવ્યું અને ત્યાં આદિનાથની મૂર્તિ ડુંગરમાંથી કોતરાવી હતી. ઈ. સ. 1660ના ઔરંગઝેબના ફરમાન મુજબ અમદાવાદના શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરીની સેવાઓના બદલામાં શત્રુંજય, ગિરનાર અને આબુનાં જૈન તીર્થોની સોંપણી, જૈન સંઘના પ્રતિનિધિ તરીકે, તેમને કરવામાં આવી હતી.

ઈ. સ. 1787માં શત્રુંજય ઉપર અમદાવાદના પ્રેમચંદ લવજી મોદીની ટૂકની સ્થાપના થઈ અને કેટલાંક મંદિર બંધાયાં. અમદાવાદના નગરશેઠ ખુશાલચંદના વંશજ વખતચંદે ઈ. સ. 1808માં શત્રુંજયનો સંઘ કાઢ્યો અને પર્વત ઉપર કેટલીક મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી. શત્રુંજય પરના અનેક લેખ પ્રતિમા-પ્રતિષ્ઠાને લગતા છે. તેમાં પ્રતિષ્ઠાની મિતિ, પ્રતિમા કરાવનાર વ્યક્તિ કે વ્યક્તિઓનાં નામ, જ્ઞાતિ, ગામ વગેરેની વિગત તથા તેની પ્રતિષ્ઠા કરાવનાર સૂરિનાં નામ અને ગચ્છ જણાવવામાં આવ્યાં છે. આ વિગત સામાજિક તથા ધાર્મિક ઇતિહાસ માટે ઉપયોગી છે. બ્રિટિશકાલ દરમિયાન શત્રુંજય પર કેટલીક નવી ટૂકો ઊભી કરવામાં આવી અને ત્યાં મંદિરો બાંધવામાં આવ્યાં. ખરતરવસહિની ટૂક ઈ. સ. 1836માં શેઠ સાકરચંદ પ્રેમચંદે ઊભી કરાવી. ત્યાં 1831થી 1937 દરમિયાન કેટલાંક નવાં મંદિરોનું નિર્માણ થયું હતું. અમદાવાદના શેઠ હીમાભાઈ વખતચંદે ઈ. સ. 1840માં બંધાવેલી ટૂક એમના નામે ઓળખાય છે. આ ટૂક ઉપરનું પ્રસિદ્ધ મંદિર નંદીશ્વરદ્વીપનું છે. આઝાદી પછી, શત્રુંજય ઉપર 1995માં પનાલાલ બાબુએ બંધાવેલું મહાવીર સ્વામીનું મંદિર ઉલ્લેખનીય ગણાય.

જયકુમાર ર. શુક્લ

નીતિન કોઠારી