ફુ-નાન : કંબોડિયાના મેકોંગની નીચલી ખીણમાં સ્થપાયેલું સહુથી જૂનું હિંદુ રાજ્ય. હાલ હિંદી-ચીન દ્વીપકલ્પમાં સમાયેલો વિસ્તાર ‘ફુનાન’ તરીકે ઓળખાતો હતો ને એની રાજધાની વ્યાધપુર (પ્રાયઃ બા ફ્નોમ્ પાસે) હતી. અભિલેખોમાં નોંધાયેલી અનુશ્રુતિ અનુસાર એ ઈ. સ.પૂર્વે 1લી સદીમાં ભારતથી આવેલા કૌણ્ડિન્ય નામના બ્રાહ્મણે સ્થાપ્યું હતું. એણે એ સ્થળની નાગ રાજકન્યા સોમાને હરાવીને એની સાથે લગ્ન કર્યું. બીજા કૌણ્ડિન્ય તે પણ ભારતથી આવેલો બ્રાહ્મણ પાન-પાન(બંદોન) થઈને એ સ્થળે પહોંચ્યો ને લોકોએ એની રાજા તરીકે વરણી કરી. આમ આ ભારતીય સંસ્થાનીકરણનો પછીનો તબક્કો હતો. હિંદુ ધર્મએ દેશમાં ઊંડાં મૂળ નાખ્યાં, ને રાજાઓ ભારતીય નામો ધરાવતા અને ભારતીય ધર્મ પાળતા. ત્યાં બ્રાહ્મણી અધિકાર-શ્રેણી સામાજિક વ્યવસ્થાનું નોંધપાત્ર લક્ષણ બની હતી. ફુ-નાનમાંથી પ્રાપ્ત છઠ્ઠી સદીના ત્રણ સંસ્કૃત અભિલેખો પરથી ત્યાં મહેશ્વર (શિવ) ચક્રતીર્થસ્વામી (વિષ્ણુ) અને લોકેશ્વર (બુદ્ધ)ની ઉપાસના થતી હોવાનું જણાય છે. ફુ-નાનમાંથી ગુપ્તકાલના પ્રભાવવાળાં સ્થાપત્યના અવશેષો અને પ્રતિમાઓ મળી આવ્યાં છે. ફુ-નાને ધીમે ધીમે પોતાનું મહત્વ ગુમાવ્યું ને કંબુજ(કંબોડિયા)ના પ્રસિદ્ધ રાજ્યમાં વિલીન થયું. ઈ. સ. છઠ્ઠી સદીના અરસામાં રાજા ભવવર્માએ કંબુજ અને ફુ-નાનના રાજ્ય પર પોતાનો કાબૂ સંગઠિત કરી નવું રાજકુળ સ્થાપ્યું. એના ઉત્તરાધિકારીઓએ ઘણો લાંબો સમય રાજ્ય કર્યું.
પ્રવીણચંદ્ર પરીખ