ફુદીનો : દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mentha longifolia (Linn.) Nathh. Syn. M. silvestrs Linn. (સં. पूतनी, पुदीन; હિં. पोदीना; મ., બં. પુદીના; ગુ. ફુદીનો; ફા. નોઅના; અ. હવા., ફિ. ઓડ ટોલાવ; અં. horsemint) છે. તેની અન્ય જાતિઓ નીચે પ્રમાણે છે :

ફુદીનો : પર્ણ અને પુષ્પ

M. aquatica Linn. (જલ-ફુદીનો); M. arvensis Linn. (ખેતરાઉ ફુદીનો); M. arvensis Linn. Subsp. haplocalyx Briq. var. piperascens Holmes (જાપાની ફુદીનો); M. piperata Linn. (પિપરમીટ, ગામઠી ફુદીનો, વિલાયતી ફુદીનો); M. rotundifolia (Linn.) Huds. (ગોળ પાંદડાંવાળો ફુદીનો, ઍપલમીટ), M. spicata Linn. syn. M. viridis Linn. (પહાડી ફુદીનો, ફુદીનો. સ્પિયરમીટ). તે ભૂમધ્ય સમુદ્રના પ્રદેશની મૂલનિવાસી છે.

તે ટટ્ટાર અથવા ભૂપ્રસારી તીવ્ર ઍરોમૅટિક વાસ ધરાવતી અને 30થી 100 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ છે. તે સમશીતોષ્ણ હવામાનવાળા હિમાલયના વિસ્તારોમાં, પશ્ચિમ તિબેટમાં 1,200થી 3,600 મી.ની ઊંચાઈ સુધી તથા કાશ્મીર, ગરેવાલ, કુમાઉ અને પંજાબમાં થાય છે. પ્રકાંડ કઠણ અથવા નાજુક અને સફેદ — ઘનરોમિલ (hoary tomentose) હોય છે. પર્ણો 3થી 8 સેમી. લાંબાં અને 1થી 3 સેમી. પહોળાં, ટૂંકા દંડવાળાં કે અદંડી અને અંડાકાર ભાલાકાર (ovate lanceolate) હોય છે. તે તીક્ષ્ણ પર્ણાગ્ર, દંતુર પર્ણકિનારી, અને પક્ષવત્ શિરાવિન્યાસ (pinnately venation) ધરાવે છે. પુષ્પવિન્યાસ અગ્રસ્થ શૂકી (spike), 3થી 8 સેમી. લાંબો, નાજુક અને સફેદ હોય છે. પુષ્પો નીલવર્ણાં (liliac) અને કૂટચક્રક(verticillaster)માં ગોઠવાયેલાં હોય છે.

આ જાતિની 21 ઉપજાતિઓ અને 150 પ્રરૂપો (type) છે. તે પૈકી કેટલીક M. spicata સાથે તો અન્ય M. rotundifolia અને M. tomentosa સાથે સામ્ય દર્શાવે છે. ભારતમાં તેની var. incana willd અને var. royleana Benth. નામની બે જાતો (varieties) ઓળખાઈ છે. પ્રથમ જાત નાજુક અને ત્રુટક શૂકી ધરાવે છે, જ્યારે બીજી જાત મજબૂત અને સળંગ શૂકી ધરાવે છે.

જાપાની ફુદીનાને હિમાલયના ભાગોમાં વાવવામાં આવે છે. હિમાલયમાં ફુદીનાની ઘણી જાતિઓ થાય છે. ગુજરાતમાં પણ તેની ખેતી થાય છે. M. spicataનું વાવેતર બહોળા પાયે ઘરગથ્થુ રીતે બાગમાં થાય છે. તેને પોચી અને સારા નિતારવાળી જમીન વધારે અનુકૂળ હોય છે.

સ્પિયરમીટના તાજા પર્ણના એક રાસાયણિક વિશ્લેષણ મુજબ તે પાણી 83.0%; પ્રોટીન 4.8%; મેદ 0.6%; કાર્બોદિતો 8.0%; રેસાઓ 2.0% અને ખનિજ દ્રવ્યો 1.6%; કૅલ્શિયમ 200 મિગ્રા.; ફૉસ્ફરસ 80 મિગ્રા.; લોહ 15.6 મિગ્રા.; કૅરોટિન (પ્રજીવક ‘એ’ તરીકે) 2,700 આઈ.યુ.; નિકોટીનિક ઍસિડ 0.4 મિગ્રા.; રાઇબોફ્લેવિન 80 માગ્રા. (માઇક્રોગ્રામ) અને થાયેમિન 50.0 માગ્રા./100 ગ્રા. ધરાવે છે. પર્ણોમાં તાંબું અલ્પ પ્રમાણમાં (1.8 માગ્રા./ગ્રા.) હોય છે. તેના તેલમાં 57%થી 71% જેટલું કાર્વોન હોય છે. તે ઉપરાંત તેમાં ફેલેન્ડ્રિન, લિમોનિન અને સિનિયૉલ પણ હોય છે.

ફુદીનામાં રહેલા મેન્થૉલને કારણે દવાઓની ગંધ છુપાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તે દંતમંજનો, સૌંદર્યપ્રસાધનો ચર્વકગુંદર (chewing gum), મદ્ય અને કફસિરપ બનાવવામાં ઉપયોગી છે. અથાણાંને સુગંધીદાર બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ફુદીનાના તેલમાંથી બનાવાતા મેન્થૉલને ‘ઇલમેટનાં ફૂલ’ કહે છે.

આયુર્વેદ અનુસાર ફુદીનો સ્વાદુ, ગુરુ, રુચિકર, અગ્નિ પ્રદીપ્ત કરનાર, કફહર, વાતહર, બલ્ય, કૃમિઘ્ન, તીક્ષ્ણ, રુક્ષ, વ્રણરોપક, દુર્ગંધનાશક, સ્વેદલ, ચર્મરોગહર, જ્વરઘ્ન અને વિષઘ્ન છે. તે હૃદ્ય અને સુખાવહ છે અને મળમૂત્રનો સ્તંભ કરે છે. તે મદ, અગ્નિમાંદ્ય, વિષૂચિકા, સંગ્રહણી, અતિસાર, જીર્ણજ્વર અને કૃમિનો નાશ કરે છે.

ઔષધમાં ઉપયોગ : અજમાનાં ફૂલ (થાઇમૉલ), ઇલમેટનાં ફૂલ-પિપરમીટનાં ફૂલ (મેન્થૉલ) અને કપૂર – આ ત્રણેયને સરખા પ્રમાણમાં મેળવી શીશીમાં ભરવાથી તેનું પ્રવાહી થઈ જાય છે. જેને અમૃતાંજન અથવા અમૃતધારાના નામે ઓળખવામાં આવે છે. કૉલેરાનાં ઝાડા-ઊલટીમાં 1થી 2 ટીપાં પતાસામાં મૂકી તે આપવામાં આવે છે. વેદનાની શાંતિ માટે તેને બહાર લગાડવામાં આવે છે. સડતી દાઢમાં તેનું ટીપું મૂકવાથી દુખાવો મટે છે. ખાંસી અને અજીર્ણ મટાડવા પાનમાં ઇલમેટનાં ફૂલ ખાવામાં આવે છે.

વેદનાયુક્ત સ્થાનોમાં તથા દુર્ગંધયુક્ત વ્રણોમાં તેનાં પાન વાટીને લેપ કરવામાં આવે છે. મુખની દુર્ગંધ દૂર કરવા તેનો રસ પાણીમાં મેળવી કોગળા કરવામાં આવે છે. કષ્ટાર્તવ, માસિકની રુકાવટ તથા પ્રસૂતિજ્વરમાં તેના રસનું સેવન કરાય છે. સળેખમમાં તેના રસનાં ટીપાં નંખાય છે. છાતી અને ફેફસાંમાં કફ જામી જાય ત્યારે તેના પાનને અંજીરમાં વાટીને ખાવાથી જામેલો કફ નીકળી જાય છે. ખાંસી અને શ્વાસમાં તે લાભકર્તા છે. વીંછીના ડંખ પર તેનાં પાન વાટીને લગાડવામાં આવે છે.

ફુદીનાનું શરબત : સૂકો ફુદીનો 25 ગ્રામ અર્ધો લિટર પાણીમાં ઉકાળી તેને  ગાળી 250 ગ્રામ લીંબુનો રસ અને 500 ગ્રામ ખાંડ મેળવી શરબતની ચાસણી તૈયાર કરવામાં આવે છે. તેમાંથી 20 ગ્રામ લઈ તેનું શરબત બનાવી પીવાથી તે ભૂખ લગાડે છે.

ફુદીનાનો અર્ક : સૂકો ફુદીનો 250 ગ્રામ લઈ 2 લીટર પાણીમાં રાત્રે પલાળી તેનો અર્ક કાઢવામાં આવે છે. આ અર્ક પાણીમાં મેળવી પીવાથી ઉદરશૂળ, ઊલટી અને વાયુગોળાનો નાશ થાય છે.

ફુદીનાની ગોળી : ફુદીનો 10 ગ્રામ; કાળાં મરી 5.0 ગ્રામ; અજમો, સૂંઠ, વાવડિંગ અને લવિંગ – પ્રત્યેક 2.5 ગ્રામ; સિંધાલૂણ 10 ગ્રામ મેળવી બારીક વાટી તેની ચણાના દાણા જેવડી ગોળી બનાવવી. 1થી 2 ગોળી લેવાથી તે ભૂખ લગાડે છે અને અજીર્ણનો નાશ કરે છે.

ફુદીનાની ચટણી : ફુદીનો, ખારેક, મરી, સિંધવ, હિંગ, કાળી દ્રાક્ષ અને જીરુંની ચટણીનું લીંબુનો રસ નાખી સેવન કરવાથી અરુચિ મટી જાય છે અને મોંમાં સારી રીતે અમી આવે છે.

ફુદીનામાં કીટનાશી ગુણધર્મો પણ હોય છે. તેનાં પર્ણોનો 10 % ભૂકો ચણા સાથે મિશ્ર કરવાથી ભોટવાંનો ઉપદ્રવ થતો નથી અને 60 દિવસ સુધી ચણામાં ભોટવાં ઈંડાં મૂકતાં નથી. તે જ પ્રમાણે મગ કે અન્ય કઠોળ સાથે 100 ભાગ કઠોળ અને 5 ભાગ તેનાં પર્ણો ઉમેરવાથી કઠોળમાં બે માસ સુધી ભોટવાં ઈંડાં મૂકતાં નથી અને કઠોળ સડતું નથી.

ચોખા સાથે તેનાં સૂકાં પર્ણો 5% મિશ્ર કરતાં રાતાં સરસરિયાંનું ઘણું સારું નિયંત્રણ થાય છે. ઘઉંના દાણાના સંગ્રહમાં તેનાં પર્ણો 2 % મિશ્ર કરવાથી લેસર ગ્રેઇન બોરર(Rhizoperthadominica Fab.)નું સંપૂર્ણ નિયંત્રણ થાય છે. આ સંગ્રહમાં 96 દિવસ સુધી જીવાત ઈંડાં મૂકતી નથી.

આદિત્યભાઈ છ. પટેલ

જિતેન્દ્ર રાવજીભાઈ પટેલ

ભાસ્કર પટેલ