ફુનાફુટી ઍટૉલ

February, 1999

ફુનાફુટી ઍટૉલ : મધ્ય પૅસિફિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલા નાનકડા ટાપુદેશ તુવાલુનું પાટનગર. ભૌ. સ્થાન : 8° 31´ દ .અ. અને 179° 13´ પૂ. રે. તે દુનિયાભરમાં નાનામાં નાનું અને ઓછામાં ઓછું જાણીતું પાટનગર છે. તે બંદર છે તેમજ ટાપુઓનું વહીવટી મથક પણ છે. તેનો કુલ વિસ્તાર માત્ર 280 હેક્ટર જેટલો જ છે.

ફુનાફુટી એ તુવાલુના કુલ 30 નાનકડા ટાપુઓથી બનેલા ટાપુજૂથના – મહત્વના નવ કંકણાકાર પ્રવાલદ્વીપો પૈકીનો મુખ્ય પ્રવાલદ્વીપ છે. આ મુખ્ય દ્વીપનું નામ ફુનાફુટી છે. કંકણાકાર પ્રવાલદ્વીપ એટલે મધ્યમાં રહેલા ખાડી સરોવરને આવરી લેતો પરવાળાંથી બનેલો ખરાબો. આ ટાપુ 16 કિમી. લાંબા અને 13 કિમી. પહોળા ખાડી સરોવરની આજુબાજુની ધાર રચે છે. ખાડીસરોવરમાં જવા માટે પરવાળાંના ટાપુઓની વચ્ચે ઘણાં પ્રવેશદ્વાર છે, તે પૈકીનું ઉત્તર તરફનું પ્રવેશદ્વાર વધુ ઉપયોગમાં લેવાય છે.

કુલ 30 ટાપુઓમાં મુખ્ય 9 ટાપુઓ પૈકી ફુનાફુટીનો ટાપુ મોટામાં મોટો છે. અહીં વસતા બધા જ લોકો ફુનાફુટી ટાપુ પર આવેલા ફોન્ગાફેલ ગામમાં જ રહે છે. તુવાલુનાં મુખ્ય સરકારી કાર્યાલયો, એક હૉસ્પિટલ, એક હોટેલ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બાંધેલી હવાઈ પટ્ટી, હવાઈ મથક તેમજ ધક્કો (wharf) અહીં જ આવેલાં છે.

અહીંની આબોહવા ગરમ, ભેજવાળી વિષુવવૃત્તીય પ્રકારની છે. જમીન રેતાળ અને બિનફળદ્રૂપ હોવા છતાં પરવાળાંના ભાગમાં જ કોપરાંની નિકાસ માટે નાળિયેરીની પેદાશ લેવાય છે. અનેનાસ જેવાં જ ફળ ધરાવતાં, લાંબાં પાંદડાંવાળાં પેન્ડાનસ નામનાં કાંટાળાં વૃક્ષો અહીં થાય છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1943માં અહીં યુ.એસ. દ્વારા લશ્કરી થાણું સ્થાપવામાં આવેલું. અહીંના વસાહતીઓ પૉલિનેશિયનો છે. તેઓ મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ પાળે છે, અંગ્રેજી તથા તુવાલુયન ભાષા બોલે છે. સાક્ષરતાનું પ્રમાણ 95 % જેટલું છે. 1991ની વસ્તીગણતરી મુજબ અહીંની વસ્તી 3,000 જેટલી નોંધાઈ છે.

ગિરીશભાઈ પંડ્યા