પ્રતીત્યસમુત્પાદ : જગતના કારણરૂપ અનાદિ ભવચક્રનો સિદ્ધાંત. બૌદ્ધદર્શનનો આ પાયાનો સિદ્ધાંત એ દર્શનના બધા સંપ્રદાયોના પાયામાં રહેલો છે. જગત-કારણની બાબતમાં અન્ય ભારતીય દર્શનો સત્કાર્યવાદ, અસત્કાર્યવાદ, યદૃચ્છાવાદ (ચાર્વાક્) તેમજ વિવર્તવાદ કે માયાવાદને માને છે. બુદ્ધ કોઈ પ્રકૃત્તિ, પુરુષ, માયા કે ઈશ્વરને જગતના કારણરૂપ નહિ માનતા આ ભવચક્રને અનાદિ બતાવ્યું છે. આ નિયમ પ્રમાણે જે ઉત્પન્ન થાય છે તેની ઉત્પત્તિનું કારણ અવશ્ય હોય છે અને જ્યારે ઉત્પાદક કારણનો અભાવ હોય છે ત્યારે કાર્યનો અભાવ હોય છે. બુદ્ધે દુઃખમુક્તિનો માર્ગ, સ્પષ્ટ કરવા જ પ્રતીત્ય સમુત્પાદવાદનો ઉપદેશ આપ્યો છે. કેટલાક એવું માનતા હતા કે દુઃખનું કોઈ કારણ નથી અને તેથી દુઃખમુક્તિ શક્ય નથી. કેટલાક એવું માનતા હતા દુઃખ ઈશ્વર નિર્મિત છે તેથી ઈશ્વરના અનુગ્રહથી જ દુઃખમુક્ત થઈ શકાય. પરંતુ પ્રતીત્યસમુત્પાદનના સિદ્ધાંત અનુસાર દુઃખનું કારણ છે અને તેથી તેને દૂર કરી દુઃખ દૂર કરી શકાય. આમ દુઃખ નિરોધની શક્યતા અને પુરુષાર્થના સ્વીકારનો તાત્વિક કે સૈદ્ધાંતિક પાયો પ્રતીત્યસમુત્પાદવાદ પૂરો પાડે છે.

દરેક ઘટના પોતાની ઉત્પત્તિ માટે પોતાની પૂર્વવર્તી કોઈ ઘટનાનો કારણરૂપ આધાર લે છે અને પોતે પણ અન્ય પરવર્તી ઘટનાનો કારણરૂપ આધાર બને છે. આમ કાર્ય–કારણનું ચક્ર ચાલ્યા કરે છે. ભવચક્ર પણ આવું જ કાર્યકારણ ચક્ર છે. ભવચક્રનાં બાર અંગો છે. એટલે ભાવચક્રના સંદર્ભમાં પ્રતીત્યસમુત્પાદને બાર નિદાનોવાળો  (દ્વાદશનિદાનમાલા) કહ્યો છે. આ બાર અંગો કાર્યકારણની શૃંખલાઓ છે. તે છે અવિદ્યા (ચાર આર્યસત્યોનું અજ્ઞાન), સંસ્કાર (કર્મો), વિજ્ઞાન(માતાની કૂખે અવતરેલું ચિત્ત), નામરૂપ (ચેતનાયુક્ત પ્રાથમિક ગર્ભશરીર), ષડાયતન (પંચેન્દ્રિયો અને મન), સ્પર્શ (ઇન્દ્રિયોનો વિષય સાથે સંપર્ક), વેદના, તૃષ્ણા, ઉપાદાન (આસક્તિ), ભવ (પુનર્જન્મોપાદક કર્મ), જાતિ (જન્મ), જરા-મરણ વગેરે દુઃખ અવિદ્યાને લીધે કર્મો બંધાય છે, બંધાયેલાં કર્મોને લીધે ચિત્ત માતાની કૂખે અવતરે છે, અવતરેલા ચિત્તને લીધે ચેતનાયુક્ત પ્રાથમિક ગર્ભશરીરનું નિર્માણ થાય છે, આવા ગર્ભશરીરને લીધે પાંચ ઇંદ્રિયો અને મન ઉત્પન્ન થાય છે, ઇંદ્રિય-મનને લીધે ઇંદ્રિય-મનનો વિષય સાથે સંપર્ક થાય છે. આવા સંપર્કને લીધે સુખ-દુઃખનું વેદન થાય છે, સુખ-દુઃખના વેદન સાથે તૃષ્ણા ઉત્પન્ન થાય છે, તૃષ્ણાને લીધે આસક્તિ જન્મે છે, આસક્તિને લીધે પુનર્જન્મોત્પાદક કર્મ બંધાય છે, આવાં કર્મોને લઈને પુનર્જન્મ થાય છે અને પુનર્જન્મ કે જન્મને લીધે જરા-મરણાદિ દુઃખ પેદા થાય છે. આમ ભવચક્ર નિરંતર ચાલ્યા કરે છે.  ભવચક્રનું મૂળ અવિદ્યા છે. એટલે અવિદ્યા દૂર થતાં કર્મબંધ અટકી જાય છે, કર્મબંધ અટકતાં ચિત્તનું માતાની કૂખે અવતરણ અટકી જાય છે અને આ જ ક્રમે છેવટે જરા-મરણ આદિ દુઃખ પણ નાશ પામે છે.

પ્રવીણચંદ્ર પરીખ