પ્રતીકવાદ : ઓગણીસમી સદીના અંતિમ બે દાયકામાં વિકસેલી સાહિત્યજગતની પ્રતીકકેન્દ્રી સર્જનની વિચારધારા. વીસમી સદીના વિશ્વસાહિત્ય માટે તે પ્રભાવક પુરવાર થઈ છે. આધુનિક કવિતાના સર્જન પાછળ અસ્તિત્વવાદ કે અસંગતવાદની ફિલસૂફી કે સમય વિશેની બર્ગસોનિયન વિચારધારા અવશ્ય પ્રભાવક હતી, પણ સૌથી વધુ પ્રભાવ પડ્યો પ્રતીકવાદનો.

સત્તરમી-અઢારમી સદીના ભૌતિકતાવાદ અને નવપ્રશિષ્ટવાદનું દર્શન હતું કે વિશ્વ યાંત્રિક છે અને મનુષ્ય આગંતુક છે. એના પ્રતિકાર રૂપે આવેલા ચૈતન્યવાદનું દર્શન હતું કે વિશ્વ અને મનુષ્ય અભિન્ન છે. ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં વાસ્તવવાદ, નિસર્ગવાદ વગેરે અસ્તિત્વમાં આવ્યા : વિશ્વ અને મનુષ્ય અભિન્ન છે, પણ ઉભય યાંત્રિક છે. ઓગણીસમી સદીના અંતભાગમાં એના પ્રતિકાર રૂપે પ્રતીકવાદ આવ્યો : વિશ્વ અને મનુષ્ય બંને ચેતન છે અને અભિન્ન છે આ પ્રતીકવાદની પાછળ સ્વીડિશ તત્વચિંતક સ્વીડનબૉર્ગના તત્વચિંતનની પીઠિકા હતી : પિંડમાં એકત્વ છે, બ્રહ્માંડમાં એકત્વ છે, બાહ્યાંતર ઐક્ય છે. પ્રતીકવાદી કવિઓ માટે આ એકત્વના સંબંધને વ્યક્ત કરવામાં ઇન્દ્રિયવ્યત્યય અને પ્રતીક સિવાય અન્ય કોઈ સાધન પર્યાપ્ત ન હતું. એને લીધે એમણે સાહિત્યમાં એનો સભાનપણે અને એકાંગીપણે વિનિયોગ કર્યો.

પ્રતીકવાદી કવિતા એટલે તિર્યક્ કવિતા. એમાં અત્યંત બૌદ્ધિક અને સંવેદનની અત્યંત સંકુલ ચિત્તસ્થિતિઓનું પુરાકલ્પન અને પ્રતીકોના ઉપાદાન દ્વારા પ્રત્યાયન કરવામાં આવે છે; પરંતુ  ભાષાને વિધાન કે પુનર્વિધાનના કાર્યથી મુક્ત કરવામાં આવે છે. વિશિષ્ટ કૂટકરણ, સંક્ષેપ, નિ:શબ્દતા, શબ્દભંગ, શબ્દસંયોજન, તર્કમુક્ત કલ્પનરચનાઓ અને અર્થમૂલ્યોથી નિરપેક્ષ નાદસંપત્તિનાં મૂલ્યો વડે નિયંત્રિત શૈલી વગેરે દ્વારા આધુનિક કવિતાનું સીધાં વિધાનોની બહારનું જે સત્ય સાંપડ્યું છે તેનાં મૂળ પ્રતીકવાદમાં છે. આ પ્રતીકવાદે કવિનાં કાર્યરીતિગત ઉપાદાનોને જેટલાં સમૃદ્ધ કર્યાં છે તેટલાં બીજાં કોઈએ કર્યાં નથી. પ્રતીકવાદમાં સામૂહિક અને સંયોજિત અભિવ્યક્તિ કરતાં વ્યક્તિગત સ્વાતંત્ર્યનો મહિમા વિશેષ છે. એને લીધે જ કોઈ પણ પ્રતીકવાદી કવિએ પ્રતીકવાદનું કાવ્યશાસ્ત્ર ચર્ચ્યું નથી.

પ્રતીકવાદની પ્રવૃત્તિ સંકુલ અને બહુમુખી હોવાથી એને વ્યાખ્યાબદ્ધ કરવી કપરી છે. 1880 પછી ઊભી થયેલી ફ્રેન્ચ કાવ્યપ્રવૃત્તિની મહાઝુંબેશને ઓળખાવવા પ્રતીકવાદ જેવી સંજ્ઞા પહેલવહેલી વાર ઝ્યૉં મોરેએસ નામના પ્રતીકવાદી કવિએ આપેલી. તેણે 1886માં ‘લ ફિગારો’ નામના સામયિકમાં પ્રતીકવાદનો ખરીતો પ્રગટ કર્યો. એ પછીના દાયકામાં ઉગ્ર ચર્ચાઓ, વાગ્યુદ્ધો થયાં. કલાઓનું પારસ્પરિક સંયોજન, પ્રતીકોનો આત્મલક્ષી પરિવેશ, ક્રિયા કે વિચારની સંજ્ઞા રૂપે પ્રયોજાતા શબ્દોનો પરિહાર, વ્યાકરણ અને છંદશાસ્ત્રના નિયમોનું સહેતુક ઉલ્લંઘન, સમસ્ત પ્રયોગો પાછળ કલાની સર્વોપરિતાની વિભાવના વગેરે તત્વોએ પ્રતીકવાદની પ્રાણપ્રતિષ્ઠા કરી. પ્રતીકવાદનાં અનેકધર્મી વલણોમાં મહત્વનું પ્રતીકધર્મી વલણ એની બહુવિધ ક્રિયાશીલતાનું એકમાત્ર પાસું છે. એને લીધે ‘પ્રતીકવાદ’ જેવી સંજ્ઞા આ વાદ માટે અધૂરી જણાય છે.

પ્રતીકવાદે પરંપરાપ્રાપ્ત તૈયાર રૂપરચનાઓનો સંપૂર્ણ અસ્વીકાર કરી ચિત્તસંસ્કારવાદ(impressionism)ની જેમ નિયમો તોડી નાંખી કલાગત ઉપાદાનના શુદ્ધતમ ધર્મોનો સ્વીકાર કર્યો. રંગદર્શી કવિઓએ પોતાની વ્યક્તિચેતનાને મનની ઉપલી સપાટીએ લાવી સ્પષ્ટપણે પ્રગટ કરી; પણ પ્રતીકવાદી કવિઓ માનતા હતા કે અતિસ્પષ્ટતામાં ઘણુંબધું નાશ પામે છે. પરિણામે ઝાંખીપાંખી ગુચ્છ, છાયા, એક સ્તરથી બીજા સ્તર પર ઓચિંતી રમમાણ તર્કમુક્ત ગતિ — આ બધું પ્રતીકવાદી કવિતાનો પરિવેશ જ નહિ એની પ્રકૃતિનો અંશ બને છે. પ્રતીકવાદનો પ્રમુખ કવિ મૅલાર્મે સંદિગ્ધતાને સભાન સાહિત્યિક રચનાપ્રયુક્તિ રૂપે અખત્યાર કરે છે. ફ્રેન્ચ કવિતામાં તર્કનિષ્ઠ વિચાર અને સ્પષ્ટ અભિવ્યક્તિ પર ભાર મુકાતો. પ્રતીકવાદે બુદ્ધિવાદનો પ્રભાવ દૂર કરી ઇન્દ્રિયો અને પ્રજ્ઞા વચ્ચેની અંતરાલભૂમિને તાકી તથા સહૃદયના સહકારની અને એના સર્જકપ્રયત્નની અપેક્ષા જન્માવી.

પ્રતીકવાદના ઉદભવનો પહેલો અણસાર કવિ ગેરાર-દ-નેરવલ-માં પ્રાપ્ત થાય છે. સ્વપ્ન ને વાસ્તવનું સંમિશ્રણ, ઉત્કટ ચિત્તભ્રમ, સ્વીડનબૉર્ગનો ગૂઢવાદ, જર્મન કૌતુકવાદ, યોગવિદ્યા વગેરેનાં સંયોજનથી રચાયેલું એની કવિતાનું રૂપ રંગદર્શી કવિઓ અને પ્રતીકવાદી કવિઓની વચ્ચે કડીરૂપ બને છે. મૅલાર્મે અને બૉદલેર અમેરિકન કવિ એડગર ઍલન પોથી પ્રભાવિત થાય છે. પ્રતીકવાદના વિકાસમાં સંગીતકાર વૅગ્નરનું પણ મોટું યોગદાન છે. પ્રતીકવાદી કવિઓ સંગીતની જેમ કવિતાને શુદ્ધ કરવાની મથામણ કરે છે. મૅલાર્મે શબ્દ અને શબ્દાંતર્ગત સંદર્ભોને વિષય બનાવી સર્જન કરે છે.

સીધાં વિધાનો અને વિશદ નિરૂપણથી ઉફરાંટી જતી પ્રતીકવાદની તિર્યક્ કવિતાની ચરમસીમા આત્મલક્ષી પ્રતીકવાદમાં પરિણમતી જણાય છે. અત્યંત અંત:કેન્દ્રી, સંકુલ અને સંદિગ્ધ કલ્પનગુચ્છ તથા પ્રતીકરચના અર્થનિષ્ઠ રૂપકગ્રંથિ અને નિશ્ચિત ભાવનિષ્ઠ સંકેતોનું સ્થાન લઈ લે છે. સ્વપ્ન અને દિવાસ્વપ્નોનાં પ્રતીકોની પેઠે કવિતાનાં પ્રતીકો રૂપાંતર-પ્રક્રિયાની સંકુલ ગતિનાં સૂચક હોય છે. મનોવૈજ્ઞાનિકો જેને ‘પૉલિવૅલન્ટ’ પ્રતીક કહે છે તેવા પ્રતીકની સ્થાપના પ્રતીકવાદે કરી છે. આ પ્રતીકો સંવેદનાઓ જન્માવતાં શબ્દસંશ્લેષણ છે.

આવું શબ્દસંશ્લેષણ ખડું કરવા પ્રતીકવાદીઓએ ભાષા પાસેથી જુદી રીતે કામ લીધું છે. તેમની શબ્દ-સૌંદર્યમીમાંસામાં શબ્દો નવું મહત્વ ધારણ કરે છે. તેમણે વાણીતર્ક કે બુદ્ધિતર્કને સ્થાને ભાષાના કેન્દ્રમાં સંગીતતર્કની પ્રતિષ્ઠા કરી. પ્રતીકવાદીઓએ અનેક નવી કાર્યરીતિઓ અખત્યાર કરી. એમાં વાક્યવિન્યાસની કાર્યરીતિ અનોખી છે.

પ્રતીકવાદ જેમનાં સાહિત્યસર્જનોથી આકાર લેતો ગયો એવા કવિઓમાં બૉદલેર, પૉલ વર્લે, આર્થર રે’બો, મૅલાર્મે અને વૉલેરી મુખ્ય છે. આ કવિઓએ ક્યારેય કોઈ ચોક્કસ કાર્યક્રમ ઘડ્યો ન હતો, પણ વિજ્ઞાનવાદ, ઊર્મિલતાવાદ, ઉદ્દેશ્યવાદની વિરુદ્ધના કવિકર્મની બાબતમાં તેઓ લગભગ સહમત હતા. બૉદલેરનું ‘કૉરસપૉન્ડન્સિઝ’ કાવ્ય પ્રતીકવાદને નક્કર ભૂમિકા પર મૂકી આપે છે. રેમ્બોનું ‘વૉયેલ્સ’ સૉનેટ પણ નોંધપાત્ર બની રહ્યું. કલ્પનો રચવા માટે રેમ્બો પાસે બૉદલેર પાસે છે તેટલો જીવનનો વિશાળ અનુભવ નથી, પણ બૉદલેરના સ્મૃતિજગતની જેમ એની કલ્પનાનું વિશ્વ વાસ્તવિક જગત કરતાં વધારે વાસ્તવિક છે. કૌતુકવાદ અને પ્રકૃતિવાદે નષ્ટ કરેલી કવિતાની ગરિમાને પુન:પ્રતિષ્ઠિત કરવાનો મૅલાર્મેનો પ્રયાસ નિ:શબ્દતા અને નિર્ગતિકતા સાથે મૂળની ભંગિઓને પુન: પ્રાપ્ત કરે છે.

પ્રત્યેક વાદની પોતાની મર્યાદાઓ રહેવાની. પ્રતીકવાદનો પ્રથમ ખરીતો પ્રગટ કરનાર પ્રતીકવાદી કવિ ઝ્યૉં મોરેએસ 1890માં જ પ્રતીકવાદથી અળગો થઈ જાય છે. 1900 સુધીમાં તો પ્રતીકવાદ સામે પ્રચંડ વિરોધ-વંટોળ જાગે છે. પ્રતીકવાદીઓને ‘કાફે કવિઓ’ તરીકે ઓળખવામાં આવ્યા; તેમ છતાં અતિભૂષણતા, અલંકૃત કૃત્રિમતા કે શંકાસ્પદ સંદિગ્ધતા જેવી ત્રુટિઓ દર્શાવીને પ્રતીકવાદનો છેદ ઉડાડી શકાય તેમ નથી.

વિશ્વસાહિત્યની આધુનિકતમ પ્રવૃત્તિઓના મૂળમાં પ્રતીકવાદનું મહત્વનું યોગદાન છે. આ કાવ્યવાદની અસર નાટક, નવલકથા અને અન્ય કલાઓ સુધી વિસ્તરે છે. બુદ્ધિતર્કના છેદની, સ્વરૂપોની શુદ્ધિની, અરૂઢ સાહિત્યરૂપોના પ્રાકટ્યની જ્યાં જ્યાં વાત આવે છે ત્યાં ત્યાં પ્રતીકવાદ નિહિત છે. આમ કાવ્યસિદ્ધાંત કે કાવ્યસંપ્રદાય તરીકે નિષ્ફળ ગયેલો પ્રતીકવાદ વીસમી સદીનાં સર્વ સાહિત્યસ્વરૂપોની સૌન્દર્યનિષ્ઠ સિદ્ધાંતપીઠિકામાં તત્વવિચાર રૂપે નિહિત છે.

પ્રસાદ બ્રહ્મભટ્ટ