પ્રતીપ-સંકરણ (back cross અથવા test cross)

February, 1999

પ્રતીપ-સંકરણ (back cross અથવા test cross) : પ્રથમ સંતાનીય (filial = F1) પેઢીનું બે પિતૃઓ પૈકીમાંના એક પિતૃ સાથેનું સંકરણ. F1 સંતતિનું પ્રભાવી (dominant) પિતૃ સાથે સંકરણ કરવામાં આવે ત્યારે બધી જ F2 સંતતિ પ્રભાવી લક્ષણનો વિકાસ કરે છે; પરંતુ F1 સંતતિનું પ્રચ્છન્ન (recessive) પિતૃ સાથે સંકરણ કરાવતાં F2 પેઢીમાં બંને લક્ષણપ્રરૂપ (phenotype) સરખા પ્રમાણમાં ઉદભવે છે. આ બંને પ્રકારના સંકરણને પ્રતીપ-સંકરણ કહે છે. આમ છતાં બીજા પ્રકારના સંકરણને પરીક્ષાર્થ-સંકરણ (test cross) પણ કહે છે. તે વિષમયુગ્મી (heterozygous) F1 સંકર અને પ્રચ્છન્ન સમયુગ્મી (homozygous) પિતૃ વચ્ચે થતું સંકરણ છે.

આ ઘટનાને હચિન્સન નામના વૈજ્ઞાનિકે મકાઈ પર કરેલા દ્વિસંકરણ પ્રયોગ પરથી સમજાવી શકાય.

મકાઈની એક જાત રંગીન અને ભરેલા દાણા ઉત્પન્ન કરે છે; જ્યારે બીજી જાત રંગવિહીન અને પોચા (કરચલીયુક્ત) દાણા ઉત્પન્ન કરે છે. અહીં રંગીન અને ભરેલા દાણાનાં લક્ષણો પ્રભાવી છે; જ્યારે રંગવિહીન અને પોચા દાણાનાં લક્ષણો પ્રચ્છન્ન છે.

બેવડાં પ્રભાવી લક્ષણો ધરાવતા છોડ(CCSS)નું બેવડાં પ્રચ્છન્ન લક્ષણો ધરાવતા છોડ (ccSS) સાથે સંકરણ કરાવતાં પ્રથમ પેઢીમાં રંગીન અને ભરેલા દાણા ધરાવતી સંતતિઓ (CcSs) ઉત્પન્ન થાય છે :

જનનકોષો 1, 2, 3 અને 4 ક્રમશ: રંગીન અને ભરેલા, રંગીન અને પોચા, રંગવિહીન અને ભરેલા અને રંગવિહીન અને પોચા દાણા માટેના જનીન-પ્રરૂપ (genotype) ધરાવે છે. હવે જો આ જનનકોષોનું ફલન બેવડાં પ્રચ્છન્ન લક્ષણો (ccss) ધરાવતા પિતૃથી ઉત્પન્ન થતા જનનકોષો સાથે કરાવવામાં આવે તો દ્વિતીય પેઢીમાં ઉત્પન્ન થતી સંતતિઓના લક્ષણપ્રરૂપો પ્રથમ પેઢીથી ઉત્પન્ન થતા જનનકોષોના જનીનપ્રરૂપ જેવાં જ હોય છે :

ઉપરનાં પરિણામો પરથી દર્શાવી શકાય છે કે બેવડાં પ્રચ્છન્ન લક્ષણો ધરાવતા પિતૃથી ઉત્પન્ન થતા જનનકોષો બીજી પેઢીની સંતતિના લક્ષણપ્રરૂપ પર અસર કરતા નથી. આમ બીજી પેઢીમાં ઉત્પન્ન થતી સંતતિના લક્ષણપ્રરૂપનો આધાર પ્રથમ પેઢીથી ઉત્પન્ન થતા જનનકોષોના જનીનપ્રરૂપ પર રહેલો છે.

આમ પ્રતીપ-સંકરણ દ્વારા F1 પેઢીથી ઉત્પન્ન થતા જનનકોષોના જનીનપ્રરૂપ જાણી શકાય છે.

ભાનુકુમાર ખુ. જૈન