પિલ, રૉબર્ટ (જ. 5, ફેબ્રુઆરી 1788, બરી, લકેશાયર; અ. 2 જુલાઈ, વેસ્ટમિન્સ્ટર, મિડલસેક્સ, ઇંગ્લૅન્ડ 1850) : ઓગણીસમી સદીના બ્રિટનના બાહોશ વડાપ્રધાન તથા રૂઢિચુસ્ત પક્ષના સ્થાપક રાજપુરુષ. એક ધનાઢ્ય વેપારી અને ઉમરાવ કુટુમ્બમાં જન્મ. હૅરો અને ઑક્સફર્ડમાં શિક્ષણ લીધું હતું. પિતાની આર્થિક વગને કારણે 1809માં – ઑક્સફર્ડના અને 1817માં ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય બન્યા. પ્રારંભમાં કેટલાક વહીવટી હોદ્દાઓ સંભાળ્યા પછી 1822માં બ્રિટિશ કૅબિનેટમાં જોડાયા.
તેમણે બ્રિટનના ફોજદારી કાયદામાં ક્રાન્તિકારી સુધારા કરવાની મહત્વની કામગીરી બજાવી. આ સમયે બ્રિટનમાં કૅથલિકોના અધિકારોનો પ્રશ્ર્ન ઘણો ગંભીર બન્યો હતો. શરૂઆતમાં તેમણે કૅથલિકવિરોધી નીતિ અપનાવ્યા પછી તેમના પ્રત્યે સમાધાનકારી વલણ અખત્યાર કરતાં બ્રિટનમાં તેમની સામે ઉગ્ર વિરોધ ઊભો થયો. તેથી તેમને પ્રધાનપદ તથા ઑક્સફર્ડની બેઠક ગુમાવવી પડી. ત્રીસીના દાયકા દરમિયાન બ્રિટનમાં તેમણે રૂઢિચુસ્તોના એક સંગઠિત રાજકીય પક્ષની સ્થાપના કરી. 1834માં ટૂંકા સમય માટે પ્રથમ વખત વડાપ્રધાન બન્યા; પરંતુ આંતરિક તથા બાહ્ય વિરોધ વચ્ચે એક વર્ષમાં તેમની સરકારનું પતન થયું. પછીનાં છ વર્ષ રૂઢિચુસ્ત પક્ષને મજબૂત બનાવવાની કામગીરી બજાવી.
1841માં તેમનો પક્ષ પુન: સત્તા પર આવતાં તેમણે સરકારની રચના કરી. આર્થિક તથા વિદેશનીતિને ક્ષેત્રે તેમની સરકારે મહત્વની કામગીરી બજાવી. સતત ખાધપૂરક બજેટને કારણે ઊભી થયેલી આર્થિક કટોકટી નિવારવા તેમણે મુક્ત વ્યાપારની નીતિનું સમર્થન કર્યું. અનાજની આયાત પર લેવાતી ભારે જકાત નાબૂદ કરી આવકવેરો દાખલ કર્યો. ચલણ તથા બૅંકિંગને લગતા સુધારા દ્વારા અર્થતંત્રને મજબૂત બનાવ્યું. આયર્લૅન્ડની વાજબી માગણીઓ પ્રત્યે ઉદાર વલણ દાખવીને તથા અલગતાવાદીઓ સામે સખ્ત હાથે કામ લઈને આંદોલન શાંત કર્યું. અમેરિકા સાથે ઑરેગનની સંધિ (1846) કરીને લાંબા સમયથી ચાલતા રાજકીય તથા સરહદી વિવાદનો અંત આણ્યો. અનાજની આયાત અંગેના વિવાદને કારણે 1846માં તેમની સરકારને રાજીનામું આપવું પડ્યું. 1850માં એક અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું.
રોહિત પ્ર. પંડ્યા