પિલૅસ્ટર (pilaster) : ખાસ કરીને ભીંતમાં બેસાડેલો લંબચોરસ થાંભલો. સ્તંભના સ્વરૂપમાં જ લંબચોરસ અને વિશિષ્ટતા-લાક્ષણિકતા ધરાવતું દીવાલના બહારના ભાગમાં આગળ નીકળતું હોય તેવું દર્શન માટેનું એક અંગ. આ બહાર નીકળતો ભાગ (projection) તેની પહોળાઈ કરતાં છઠ્ઠા ભાગનો હોય છે. પિલૅસ્ટર બાકીના મકાન માટે વપરાયેલા સ્થાપત્યક્રમ (order architectural) અનુસાર હોય છે.

ગ્રીક મંદિરોમાં બાજુની દીવાલોમાં છેડે મુકાયેલ પિલૅસ્ટર જોવા મળે છે, જેમાં સાથેના સ્તંભોથી અલગ ક્રમ જોવા મળે છે. આ પ્રકારના ખાસ પિલૅસ્ટરને ઍન્ટા (anta) કહેવામાં આવે છે. આ પ્રમાણેની રચના ઇજિપ્તનાં મંદિરોમાં પણ જોવા મળે છે.

રૂપલ ચૌહાણ