પિરિડીન (C5H5N) : એમોનિયા જેવી તીવ્ર વાસ ધરાવતો ષટ્ઘટકીય વિષમચક્રીય બેઇઝ. કોલટારમાંથી મળતા મધ્યમ તેલમાંથી તે પ્રાપ્ત થાય છે. સંશ્લેષિત રીતે એસેટાલ્ડિહાઇડ તથા એમોનિયાની પ્રક્રિયાથી તે બનાવવામાં આવે છે.

પિરિડીન આછા પીળા રંગનું કે રંગવિહીન, ખરાબ વાસવાળું તથા ખૂબ તીખા સ્વાદવાળું પ્રવાહી છે, જે પ્રક્રિયામાં સાધારણ આલ્કલાઇન છે. તે પાણી, આલ્કોહૉલ, ઈથર, બેન્ઝિન તથા ચરબીજ તેલોમાં દ્રાવ્ય છે. તેનું ઘટત્વ 0.987, ઠારબિંદુ-42o સે. અને ઉ.બિં. 115.5o સે. છે. તેનું સ્વયંજલન તાપમાન 482o સે. છે.

પિરિડીન સળગી ઊઠે તેવું તથા શ્વાસમાં કે પેટમાં જવાથી ઝેરી અસર ઉપજાવતું સંયોજન છે. પિરિડીન વિટામિનો, ઔષધો વગેરેના સંશ્લેષણમાં, રબરમાં, કાપડ રંગવાના ઉદ્યોગમાં, ફૂગનાશકો બનાવવામાં, આલ્કોહૉલને વિકૃત (denatured) કરવા માટે તથા વૉટરપ્રૂફિંગમાં દ્રાવક તરીકે વપરાય છે.

જ. પો. ત્રિવેદી