હ્યૂગો, વિન્ક્લર (Hugo Winckler) (જ. 4 જુલાઈ 1863, સૅક્સોની; અ. 19 એપ્રિલ 1913, બર્લિન, જર્મની) : હિટ્ટાઇટ (Hittite) સામ્રાજ્યના અવશેષો ખોદી કાઢી હિટ્ટાઇટ ઇતિહાસ ઉજાગર કરનાર જર્મન પુરાતત્વવેત્તા તથા ઇતિહાસકાર.
વિન્ક્લર હ્યૂગો
પ્રાચીન પશ્ચિમ એશિયાની ભાષાઓ અને લિપિઓમાં હ્યૂગોને પહેલેથી જ દિલચસ્પી હતી. વિદ્યાર્થીકાળમાં જ તેમણે એસિરિયન લિપિ અને ઓલ્ડ ટેસ્ટામેન્ટ ઉપર ઊંડાણથી લેખન કરેલું. 1891માં તેમણે એસિરિયા અને બૅબિલોનિયાનો ઇતિહાસ લખ્યો. 1892માં તેમણે હમ્મુરાબીના કાયદા(ધ કોડ ઑવ્ હમ્મુરાબી)નો મૂળમાંથી અંગ્રેજી અનુવાદ કર્યો. 1904માં તેમની નિમણૂક બર્લિન યુનિવર્સિટીમાં પૌરસ્ત્ય ભાષાઓના પ્રાધ્યાપક તરીકે થઈ.
‘જર્મન ઓરિયન્ટ સોસાયટી’ના નેજા હેઠળ હ્યૂગોએ તુર્કીમાં બોગાઝકૉય (Bogazkoy) ખાતે ખોદકામ શરૂ કર્યું અને તેમને અસાધારણ સફળતા મળી. મોટા સંગ્રાહક ખંડો તેમને મળી આવ્યા; જેમને રાજવી વખારો માનવામાં આવે છે. મૂળમાં આ વખારો અગ્નિથી બળીને ખાક થઈ ગઈ હોવી જોઈએ, કારણ કે તેમાં રહેલ ગારા(clay)ની હજારો ટેબ્લેટ્સ અગ્નિથી પાકી ગયેલી જણાઈ છે. અત્યાર સુધી તેમની ઉપરની લિપિ ઉકેલાઈ શકી નહોતી; જે પછી હ્યૂગોએ ઉકેલી. આ બધાં લખાણો બે ભાષામાં હતાં : હિટ્ટાઇટ અને અક્કાડિયન. હ્યૂગોએ તેમનો અનુવાદ કર્યો તથા ઇજિપ્શિયન ફારોહ રામ્સિસ બીજા અને હિટ્ટાઇટ રાજા હેટ્ટુસિલિસ (Hattusilis) વચ્ચેના શાંતિ-કરારને તેણે પ્રકાશિત કર્યો. આ પછી તુર્કી પુરાતત્ત્વવેત્તા થિયૉડૉર માક્રિદી બેનોનો તેમને 1912 સુધી સાથ મળ્યો અને બંનેએ ભેગા મળીને એ મહાનગરનાં મંદિરો, મહેલો, કિલ્લાઓ અને દરવાજાનું ઉત્ખનન કરી વિશ્વ સમક્ષ ખુલ્લાં મૂક્યાં. તુર્કીમાં કરેલ ઉત્ખનનો દરમિયાન મળેલા દસ્તાવેજોના આધારે હ્યૂગોએ ઈસુ પૂર્વે ચૌદમી અને તેરમી સદીના હિટ્ટાઇટ સામ્રાજ્યના ઇતિહાસની રૂપરેખા લખી : ‘એક્સ્કેવૅશન્સ ઍટ બોગાસ-કેયુઈ ઇન ધ સમર ઑવ્ 1907.’
અમિતાભ મડિયા