હ્યૂઝ, ટેડ (જ. 16 ઑગસ્ટ 1930, પશ્ચિમ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 20 ઑક્ટોબર 1998, ડેવોન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ કવિ. તેમનો જન્મ પશ્ચિમ યૉર્કશાયરના કૉલ્ડર ખીણના નાના ગામમાં થયો હતો. શૈશવ ઘાસનાં બીડો વચ્ચે અને મોટા ભાઈએ વીંધેલાં પશુપંખીઓની શોધમાં વીતેલું અને તેથી તેમની કવિતાને અનેક વિષયો મળ્યા છે.

ટેડ હ્યૂઝ

પિતા પાસેથી સાંભળેલા પ્રથમ વિશ્વયુદ્ધની ભયાનકતાના અનુભવોથી કવિનું ચિત્ત વ્યગ્ર હતું. તેમનાં કાવ્યોમાં વિશ્વયુદ્ધનાં ચિત્રો આલેખાયાં છે. આ પ્રદેશે કવિને ભાષાનો એક સમૃદ્ધ વારસો આપ્યો હતો. અલબત્ત ત્યાંની ભૌતિકતાએ વિતૃષ્ણા જગાવી હતી. મેક્સબરો ગ્રામર સ્કૂલમાં અને પછી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જોડાયા. આરંભમાં અંગ્રેજીનો અભ્યાસ પછી પુરાતત્વવિદ્યા અને નૃવંશશાસ્ત્રનો અભ્યાસ. તેમની કલ્પનાશક્તિ પુરાકલ્પન અને ફોકલૉરમાં સહજતાથી રમે છે. કેમ્બ્રિજનાં સામયિકોમાં કાવ્યો પ્રકટ થવા માંડ્યાં. મિત્રો સાથે 1956માં ‘સેન્ટ બોટોલ્ફસ રિવ્યૂ’ નામના કવિતાના સામયિકના ઉદઘાટન પ્રસંગે કવિ હ્યૂઝ કવયિત્રી સિલ્વિયા પ્લાથને મળે છે અને થોડા જ સમયમાં તેઓ લગ્ન કરે છે. 1957માં દંપતી યુ.એસ. ગયું (સિલ્વિયા પ્લાથ બૉસ્ટનથી ફૂલબ્રાઇટ સ્કૉલર તરીકે ઇંગ્લૅન્ડ આવ્યાં હતાં.) એ જ વર્ષે હ્યૂઝનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ હૉક ઇન ધ રેઇન’ પ્રકટ થયો. હ્યૂઝનો બીજો કાવ્યસંગ્રહ ‘લ્યુપર્કલ’ 1960માં પ્રકાશિત થયો, તે પછીનાં બે વર્ષોમાં સિલ્વિયા ‘એરિયલ’નાં કાવ્યો રચવામાં મગ્ન હતાં. તેમનું સર્જનાત્મક સાહચર્ય ખીલી રહ્યું હતું, પણ દાંપત્યજીવન એક તાણ અનુભવી રહ્યું હતું. 1963માં સિલ્વિયાએ આત્મહત્યા કરી, જે વિશે અને એની અસર વિશે હ્યૂઝે વર્ષો સુધી મૌન જ રાખ્યું છે. 35 વર્ષ પછી 1998માં આ મૌન તૂટ્યું છે તેમના સંગ્રહ ‘બર્થડે લેટર્સ’માં, જેનાં 88 કાવ્યોમાં નજાકત અને આક્રોશ ભરેલાં છે – કરુણ પ્રેમની કથાને બળકટતાથી સ્મરી છે.

તેમનો ત્રીજો કાવ્યસંગ્રહ ‘વોડ્વો’ 1967માં પ્રકટ થયો, જેમાં તે દુઃસ્વપ્નોની દુનિયા લઈને આવે છે. કાવ્યોમાં ઊંડી વેદના અને નિરાશા પ્રકટે છે. વિશ્વમાં વિનાશાત્મક તત્વ જ વિલસી રહ્યું છે એવું કવિને લાગે છે.

પહેલા સંગ્રહમાં વિવિધ વિષયો છે : પ્રાણી, પ્રેમ, પ્રકૃતિ, મૃત્યુ, યુદ્ધ વગેરે. બીજામાં પણ આવું વૈવિધ્ય જોવા મળે છે. હ્યૂઝના જેટલી ચોકસાઈથી કદાચ બીજા કોઈ કવિએ પ્રાણીઓને નિહાળ્યાં નહિ હોય. યૉર્કશાયરમાં વતનમાં જ પ્રાણીઓ સાથે એક રાગાત્મક સંબંધ શરૂ થયો હતો. પહેલા સંગ્રહમાં પ્રાણી વિશેનાં પાંચ કાવ્યો છે, બીજામાં બાર છે, આમ કવિનું પ્રાણીવિશ્વ વિસ્તરે છે. પ્રાણીને શબ્દમાં આકૃત કરવાની એમની રીત તાદૃશતાભરી છે અને સૂક્ષ્મ દૃષ્ટિ એવી ચમત્કારી છે કે બાજ કે થ્રશ કે પાઇક વિશેનાં કાવ્યો વાંચ્યાં પછી પ્રાણીઓને જોવાની આપણી દૃષ્ટિ બદલાઈ જાય છે. પહેલા સંગ્રહનું શીર્ષકકાવ્ય બાજના વિશ્વનું છે – કવિ સૂચવે છે કે પ્રાણીઓ functional –  કાર્યસ્વરૂપ – છે, તેમની શક્તિ સહજ છે. માનવી સભાનતાના બોજા હેઠળ જીવે છે – અભીપ્સાઓ છે, તેથી હતાશ થાય છે. બાજ તેના મૂળ તત્વમાં (element) જીવ છે, આવું જ બીજું પ્રખ્યાત કાવ્ય ‘હૉક રુસ્ટિંગ’ બીજા સંગ્રહ –  ‘લ્યુપર્કલ’માં – છે. આ બાજ માત્ર પોતાના જ અસ્તિત્વમાં માનનાર છે, તે પોતાને ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન માને છે. કવિનું તાદાત્મ્ય એવું છે કે જાણે તે બાજના ચિત્તમાં પ્રવેશી ગયા છે. પણ સમગ્ર વલણ માનવદ્વેષી છે  માનવને પક્ષી કરતાં હીણો બતાવવાનું વલણ. ‘વોડ્વા’ સંગ્રહમાં ‘સેકન્ડ ગ્લાન્સ ઍટ અ જાગુઆર’ કાવ્ય છે. પહેલા બે સંગ્રહોમાં પ્રાણીઓની સહજવૃત્તિ પર ભાર મૂકતા કવિ અહીં પ્રાણીઓને પ્રતીક તરીકે પ્રયોજે છે. જાગુઆરની આવેશભરી વેગીલી ગતિ ઉપમા અને પ્રતીકો દ્વારા આલેખાઈ છે. ‘ધ બૅર’ કાવ્યમાં રીંછ નિષ્ક્રિયતાનું પ્રતીક છે. પ્રાણીકાવ્યોમાં ‘ધ હૉર્સીઝ’, ‘ઑટર’ (જળબિલાડી), ‘પાઇક’ (એક પ્રકારની માછલી) વગેરેમાં ક્યારેક પ્રાણીની પ્રકૃતિ સાથેની સંવાદિતા, ક્યારેક પ્રાણી વિશેના પુરાકલ્પનમાં કવિ સરી પડે છે.

હ્યૂઝની પરવર્તી કવિતામાં ‘ક્રો’ સંગ્રહમાં કાગડો એક સર્વવ્યાપી બળવાન પ્રતીક બનીને આવે છે અને તે લગભગ એક ‘મિથ’ની કક્ષાએ પહોંચે છે. બાઇબલમાં આવતાં અનેક પુરાણકલ્પનોને ઉપહાસની નજરે જોવાયાં છે. બાઇબલમાં આશાનો સંકેત છે, કવિનું વિશ્વ અત્યંત નિરાશાજનક છે. આમ તો ‘વોડ્વો’ સંગ્રહનાં કેટલાંક કાવ્યોમાં ‘ક્રો’ (1970) કાવ્યના આગમનનાં એંધાણ મળે જ છે. ‘રિવાઇવલ’ અને ‘થિયૉલૉજી’માંના સર્પને બાઇબલના ‘જેનેસિસ’ – ઇડન ગાર્ડનના – સર્પ સાથે મૂકી અસતના પરિબળ તરીકે ઓળખાવે છે. હ્યૂઝની ‘ક્રો’ કાવ્યશ્રેણીમાં કાગડો ઈશ્વરનું દુ:સ્વપ્ન છે…. ઈશ્વરની નિષ્ફળતા પર કા… કા… કરે છે.. ‘લાઇનેજ’, ‘ટુ લિજેન્ડ્ઝ’, ‘જેનેસિસ’ વગેરેમાં ઈશ્વરે વિનાશને યોગ્ય દુનિયાની રચના કરી એટલે ઈશ્વરની પ્રથમ કલ્પના જ ભયંકર ભૂલ હતી એ વાત પ્રકટે છે. આ કાવ્યશ્રેણીમાંથી એક ભયભર્યા વિશ્વનું ચિત્ર ઊપસે છે. કવિનું દર્શન કોઈ શૂન્યવાદી–નિહિલિસ્ટ–ના દર્શન જેવું લાગે છે.

કવિ હ્યૂઝનો યુદ્ધોત્તર (બીજું વિશ્વયુદ્ધ) સમય ‘a total failure of nerve’નો હતો. તેમાં હ્યૂઝને સમ-સામયિકતા કરતાં અતીતમાં, દંતકથામાં, પુરાકલ્પનમાં વધારે રસ. તેથી સમકાલીન સાહિત્યવિશ્વ સાથે તેમની સંવાદિતા ન લાગે. છતાં વીસમી સદીના પૂર્વાર્ધના મહાન અંગ્રેજી કવિઓના – યેટ્સ, લૉરેન્સ, ઍલિયટના – યોગ્ય અનુગામી અને એક મોટા કવિ તરીકે હ્યૂઝની ગણના થાય છે. તેમનું કવિતા ઉપરાંત ગદ્યલેખન અને અનુવાદ ક્ષેત્રે પણ મોટું પ્રદાન છે. ઉપર્યુક્ત કાવ્યસંગ્રહો પછી તેમણે ‘ફ્લાવર્સ ઍન્ડ ઇન્સેક્ટ્સ’, ‘વુલ્ફવૉચિંગ’ વગેરે સંગ્રહો પ્રકાશિત કર્યા છે. ‘બર્થ ડે લેટર્સ’ સંગ્રહ તો ખરો જ. ‘પોયટ્રી ઇન ધ મેકિંગ’, ‘શેક્સપિયર ઍન્ડ ધ ગૉડેસ ઑફ કમ્પલીટ બીઇંગ’, ‘અ ડાન્સર ટુ ગૉડ’ જેવા વિવેચનાત્મક, તેમજ ગદ્ય નિબંધસ્વરૂપના સંગ્રહો પ્રકટ કર્યા છે. અનુવાદમાં ‘સેનેકાઝ ઇડીપસ’, ‘લોર્કાઝ બ્લડ વેડિંગ’, ‘ટેઇલ્સ ફ્રૉમ ઑવિડ’ વગેરેનું પ્રદાન કર્યું છે. ‘ટેઇલ્સ ફ્રૉમ ઑવિડ’(1997)ને વ્હિટબ્રેડ પ્રાઇઝ ફૉર પોયટ્રી મળ્યું હતું. તેઓ રાણી એલિઝાબેથના પોયટ લોરિયેટ રહ્યા છે.

અનિલા દલાલ