હ્યૂગો વિક્ટર

February, 2009

હ્યૂગો, વિક્ટર (જ. 26 ફેબ્રુઆરી 1802, ફ્રાન્સ; અ. 22 મે 1885, ફ્રાન્સ) : ફ્રેન્ચ કવિ, નવલકથાકાર, નાટકકાર. અંગત જીવન, જાહેર જીવન, સાહિત્ય જીવન – ત્રણે સ્તર પર સક્રિય પ્રતિભા ધરાવતા હ્યૂગોના જીવનમાં વિવિધતા, વિપુલતા હતી. પૅરિસમાં મોટા ભાગનું જીવન વ્યતીત થયું. શૈશવ અસ્થિરતા અને અસ્તવ્યસ્તતામાં ગયું  પિતાની પ્રવાસોભરી નોકરીને કારણે; તેથી શાળાનું શિક્ષણ અનિયમિત. માતા-પિતા વચ્ચે વિસંવાદિતા, માતાનું મૃત્યુ (1821) અને હ્યૂગોએ એકલતા, અકિંચનતા અનુભવી. 1822માં પ્રેમિકા આદેલ સાથે લગ્ન, પણ તેમાંયે વિખવાદ ઊભો થયેલો. હ્યૂગોના લગ્નેતર સંબંધો પછી અનેક થયા – એમાં જુલિએત સાથેના સંબંધમાં જુલિએત જીવનના અંત સુધી એકનિષ્ઠ રહેલી. ફ્રાન્સમાં થયેલી 1848ની ક્રાન્તિમાં સક્રિયતાને કારણે 1852થી 1871 સુધી નિર્વાસનમાં ગયેલા. 1881માં તેમની 80મી જન્મજયંતી એક રાષ્ટ્રીય ઉત્સવ તરીકે ઊજવવામાં આવી હતી. નાનપણથી જ કવિ થવાનો નિર્ણય કરેલો – કવિ શાનોબ્રિઆં એમનો આદર્શ – અને ત્યારથી જ કાવ્યો રચવાનાં શરૂ કર્યાં હતાં. 1830 સુધીમાં તો ફ્રાન્સના સર્વશ્રેષ્ઠ રોમૅન્ટિક કવિ અને કવિકુલગુરુનું પદ સિદ્ધ કર્યું હતું, તો બીજી તરફ પૅરિસની એક મહાન સદીના વિગ્રહો, ક્રાંતિઓ, રાજકીય પરિવર્તનોના સાક્ષી હતા : પૂર્વજીવનમાં મુખ્યત્વે બંધારણીય રાજાવાદનો સ્વીકાર અને ઉત્તરજીવનમાં પ્રજાસત્તાકવાદી હતા. તે ક્યારેય સત્તાકાંક્ષી ન હતા, મહત્વાકાંક્ષી, રાષ્ટ્રપ્રેમી હતા .પીડિતોના પક્ષકાર રહ્યા  ‘લે મિઝેરાબ્લ’ પીડિતોની મહાનવલ છે. મૃત્યુ સમયે પ્રજાના પ્રેમ અને આદર કોઈ સમ્રાટને ન મળ્યાં તેટલાં હ્યૂગોને પ્રાપ્ત થયાં હતાં.

વિક્ટર હ્યૂગો

તેમણે રચેલ કાવ્યોના અનેક સંગ્રહો મળે છે. વાસ્તવમાં ‘ઓદ એ બાલાદ’ – સ્તોત્રો અને કથાકાવ્યો – 1826થી તેમની સુદીર્ઘ કાવ્યયાત્રાનો આરંભ થાય છે. સ્તોત્રોમાં વિષય છે જાહેર જીવન અને અંગત જીવનનાં પાત્રો અને પ્રસંગોનો. પૂર્વના પ્રદેશો – ગ્રીસ અને સ્પેન – આફ્રિકાનાં કાવ્યો ‘Les Orientales’(1829)માં સમાવિષ્ટ છે. જીવનની ભરવસંતમાં સુખની ‘પાનખરનાં કાવ્યો’ – Les Feuilles d’automne(1831)માં અંગત જીવનનો સંઘર્ષ, અને પત્ની તેમજ મિત્ર સેંત-બવના દ્રોહને લીધે થયેલા આઘાત અને વેદના વર્ણવવામાં આવ્યાં છે. Les Rayons et les Ombres ‘પ્રકાશ અને પડછાયા’(1840)માં પ્રકૃતિમાં પરમેશ્વર છે એવું હ્યૂગોનું pantheism (સર્વેશ્વરવાદ) પ્રકટ થાય છે. એક રીતે આ કાવ્યો આત્મસંભાષણો છે, પોતાની સાથે સંવાદરૂપ છે. Les contemplations (1856 –ચિન્તનો) મૃત્યુ આ કાવ્યોની પ્રેરણા છે. કરુણ સ્મૃતિઓ, પ્રશસ્તિઓનું આલેખન અને ચિંતન – ‘Le Legende des siecles’ – I, II, III  1859, 1877 અને 1883)  ‘શતકોની દંતકથાઓ’માં કવિ ધર્મગ્રંથો, ઇતિહાસ, પુરાણ વગેરેના સંદર્ભ મનુષ્યજાતિની ઉત્ક્રાંતિની વાતો કરે છે. પ્રાચીન મહાકાવ્યોની પરંપરાનું અનુસરણ નથી, પણ કવિનું નવસર્જન છે એને ‘લઘુ મહાકાવ્ય’ કહી શકાય. L’Art d’etre grand pere (1877) – ‘દાદાજી થવાની કળા’ –માં પિતામહની વત્સલતા, બાળકોની નિર્દોષતા, કોમળતા તેમજ બાળકોમાં પરમેશ્વરનું દર્શન પ્રકટ થાય છે. હ્યૂગોએ સેંકડો કવિતાઓ લખી છે – જેમાં પ્રેમ – સહિષ્ણુતા – અસહિષ્ણુતા, કુદરતની સુંદરતા, પતિતો માટેની ઊંડી અનુકંપા હંમેશા જોવા મળે છે.

હ્યૂગોનો સ્વભાવ કવિનો હતો, પણ સાહિત્યના ઘણા પ્રકારોમાં તેમની ગતિ હતી – નવલકથાઓ વિશે વિવેચકો કહે છે કે તે બધી કલાકૃતિ નથી, તેમ છતાં કથાઓએ જગતના સહૃદય વાચકો પર પકડ જમાવી છે. ‘Notre Dame de Paris’ (પૅરિસનું નોત્ર-દામ) (1931) હ્યૂગોની ઐતિહાસિક નવલકથા છે – એ ફ્રેન્ચ નવલકથા –  સાહિત્યમાં ક્રાંતિરૂપ હતી. અહીં પરમેશ્વર નહિ, પણ નિયતિની સર્વોપરિતા દર્શાવાઈ છે – મનુષ્ય અને ધર્માનુશાસન વચ્ચેનો સંઘર્ષ છે. દુનિયા હ્યૂગોને એની ‘Les Miserables’ (‘પીડિતો’–) માટે યાદ કરે છે અને એ એમની શ્રેષ્ઠ નવલકથા છે. 1861ના વૉટર્લૂના યુદ્ધનું અસાધારણ ચિત્રણ અહીં મળે છે, પણ પીડિતો પ્રત્યેનો પ્રેમ અને પીડનહારો પ્રત્યેનો આક્રોશ – એનું આલેખન નવલકથાની ઉપલબ્ધિ છે. વિધવા માતાની અસહાયતા જોઈ વાર્તાનો નાયક ઝાં વાલ્ઝાં બૅકરીમાંથી પાંઉની ચોરી કરે છે અને પછી સર્જાય છે પકડાવું – જેલ – નાસી છૂટવું, ફરી ચોરી કરવી – ફરી એ જ ઘટમાળ. છેલ્લે વીસ વર્ષ બાદ મુક્ત થાય છે પણ ચોરીની ટેવ જતી નથી. એક દયાળુ પાદરી એને જિંદગીનો પાઠ ભણાવે છે અને ઝાં વાલ્ઝાં પ્રામાણિક રહેવાનો નિર્ણય કરે છે – એ જીવનમાં પછી સુખી બને છે, પણ કાયદાને મન અપરાધી તે અપરાધી. છતાં ઝાં વાલ્ઝાંનું પ્રામાણિક જીવન એક પોલીસ ઇન્સ્પેક્ટરને કાયદાની જડતાનું ભાન કરાવે છે. અલબત્ત, જીવનમાં છેલ્લે વાલ્ઝાં એકલો પડે છે, એકાંતમાં અવસાન પામે છે. પુસ્તકમાં પ્રકટતી ઉદાત્ત જીવનની ઝાંખી, મીરિયેલ-વાલ્ઝાં-કોસેતમાં કરુણાની પરંપરા, સૌ પાત્રોની ઓછી-વત્તી માનવતા નવલકથાને જગતસાહિત્યમાં એ પાત્રો દ્વારા ઊંચું સ્થાન અપાવે છે. ‘સાગરખેડુઓ’ – ‘Lea Travilleurs de la Mer’ (1866) સમુદ્રના ઝંઝાવાતો, ખડકો, સમુદ્રરાક્ષસો, નાવિકો વગેરેની વાતો લેખકનો અંગત અનુભવ પ્રકટ કરે છે  નિર્વાસન સમયના સમુદ્રના ટાપુ પરના રહેઠાણ દરમિયાનના અનુભવો. 1874માં લખાયેલી – Quatrevingt – Seize (’96). 1793માં રાજાવાદીઓ અને પ્રજાસત્તાકવાદીઓ વચ્ચેની ફ્રાન્સમાં થયેલી ક્રાંતિની ઐતિહાસિક નવલકથા છે. એક બળતા કિલ્લામાં ગોંધાયેલાં ત્રણેક નિર્દોષ બાળકોને બચાવવાં કે વિજય જતો કરવો એવી નૈતિક સમસ્યાની આડશો આપીને કથાનું અવિસ્મરણીય આલેખન થાય છે. લેખકનાં શૈશવનાં સ્મરણો પણ સ્મરણો છે. 1796માં આ આંતરવિગ્રહ દરમિયાન પ્રજાસત્તાકવાદી પિતા અને રાજાવાદી માતા સોફીનું પ્રથમ મિલન થયું હતું – તેથી શીર્ષક ‘96’.

હ્યૂગોએ નાટકો પણ લખ્યાં છે, જેમાં પદ્યનાટકો પણ છે, જેવાં કે Cromwell (1827), Le Roi’ S’amuse – ‘રમૂજી રાજા’ (1832), Ruy Blas (1838. ‘રુઇ બ્લા’, એક ઉત્તમ નાટક, જેમાં 17મી સદીના સ્પેનનું ચિત્રણ છે. રાણી મારિયામાં રુઇ બ્લાને – એક અકિંચન સેવકને દિવ્યતાનું દર્શન થાય છે. રુઇ બ્લા એ પ્રજાનું પ્રતીક છે. પ્રજાનો એક સમયે વિજય થવાનો છે એવું લેખકનું રાજકીય દર્શન છે. હ્યૂગોનું પ્રશિષ્ટ પદ્ય એ એમની મહાન સિદ્ધિ છે. ગદ્યનાટકોમાં Angelo (1835), Marie Tudor (1833) જેવાં નાટકો છે.

હ્યૂગોની સાહિત્યસૃષ્ટિએ ફ્રેન્ચ પ્રજાનું જ નહિ, વિશ્વના સહૃદય વાચકોનાં હૃદય જીત્યાં છે, તેમાં વૈશ્વિકતા છે. હ્યૂગો ફ્રેન્ચ romanticim – રંગદર્શિતાવાદના પિતા ગણાય છે.

અનિલા દલાલ