હોમરૂલ આંદોલન : ભારત માટે હોમરૂલ (સ્વરાજ) મેળવવા લોકમાન્ય ટિળક તથા શ્રીમતી એની બેસન્ટે શરૂ કરેલ આંદોલન. ટિળક છ વર્ષની કેદની સજા માંડલે(મ્યાનમાર)માં ભોગવીને જૂન 1914માં દેશમાં પાછા ફર્યા. તેમને લાગ્યું કે દેશની વાસ્તવિક પ્રગતિ તથા કલ્યાણ વાસ્તે ‘સ્વરાજ’ આવશ્યક હતું. પોતાના ધ્યેય તરીકે તેમણે ‘હોમરૂલ’ શબ્દ પસંદ કર્યો, કારણ કે ‘સ્વરાજ’ શબ્દમાં અંગ્રેજોને રાજદ્રોહની ગંધ આવતી હતી. મે 1915માં ટિળકે પુણેમાં પ્રાંતિક પરિષદ ભરી. તેમાં એક હજાર પ્રતિનિધિઓ હાજર રહ્યા. તેમાં તેમણે હોમરૂલનું સૂચન કર્યું અને હોમરૂલની યોજના ઘડવા સમિતિ નીમી. તેનો હેવાલ બેલગામ મુકામે મળેલી મુંબઈ પ્રાંતિક પરિષદની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો. આ બેઠકમાં 28 એપ્રિલ 1916ના રોજ ઇન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કરવામાં આવી. બૅરિસ્ટર જૉસેફ બાપ્ટિસ્ટાને તેના પ્રમુખ અને એન. સી. કેલકરને તેના મંત્રી બનાવવામાં આવ્યા. તેની કારોબારી સમિતિમાં જી. એસ. ખાપરડે, બી. એસ. મુંજે તથા આર. પી. કરંદીકરનો સમાવેશ કરવામાં આવ્યો. ટિળકે તેમાં કોઈ હોદ્દો લીધો નહિ.
શ્રીમતી એની બેસન્ટ (એક આઇરિશ મહિલા) 1889માં લંડનમાં થિયૉસૉફિકલ સોસાયટીમાં જોડાયાં અને 1893માં ભારત આવીને સ્થાયી થયાં. 1914માં તેમણે રાજકારણમાં પ્રવેશીને ‘ધ કૉમન વિલ’ નામનું સાપ્તાહિક અંગ્રેજી ભાષામાં શરૂ કર્યું. સપ્ટેમ્બર 1915માં તેમણે હોમરૂલ અથવા સ્વરાજ માટે ભારતની માગણી કરતું મુંબઈમાં પ્રવચન કર્યું અને હોમરૂલ લીગ સ્થાપવાનો વિચાર જાહેર કર્યો. તે પછી કૉંગ્રેસમાં વર્ચસ્ ધરાવતા મવાળવાદીઓ હોમરૂલ લીગનો ઠરાવ કૉંગ્રેસમાં કરવા સંમત ન થવાથી, શ્રીમતી એની બેસન્ટે સપ્ટેમ્બર 1916માં ચેન્નાઈ (મદ્રાસ) મુકામે હોમરૂલ લીગની સ્થાપના કરી. થોડા દિવસોમાં કાનપુર, અલાહાબાદ, મુંબઈ, વારાણસી, મથુરા, કાલિકટ, અહમદનગર વગેરે સ્થળોએ તેની શાખાઓ સ્થાપવામાં આવી. તે પછી એની બેસન્ટે પ્રવચનો તથા તેમના ‘ધ કૉમન વિલ’ સાપ્તાહિક અને ‘ન્યૂ ઇન્ડિયા’ દૈનિક દ્વારા પ્રચાર કરવા માંડ્યો. તેમણે થિયૉસૉફિકલ સોસાયટીની શાખાઓ અને તેના સંગઠન વડે દેશભરમાં હોમરૂલ લીગની શાખાઓ સ્થાપી. દેશનો વિસ્તૃત પ્રવાસ કર્યો, પ્રભાવશાળી પ્રવચનો કર્યાં અને લોકોમાં પ્રચાર માટેનું પુષ્કળ સાહિત્ય વહેંચ્યું.
હોમરૂલ આંદોલનનો હેતુ બ્રિટિશ સામ્રાજ્યમાં રહીને ભારત વાસ્તે સ્વરાજ–હોમરૂલ મેળવવાનો હતો. તેમાં ભારતને ગ્રેટ બ્રિટનથી અલગ કરવાની હિમાયત કરવામાં આવી ન હતી. માત્ર આંતરિક બાબતોમાં સ્વાયત્તતા – સાંસ્થાનિક દરજ્જાનું સ્વરાજ માગવામાં આવ્યું હતું. દેશની સર્વતોમુખી પ્રગતિનું મૂળ હોમરૂલમાં રહેલું છે એ દૃષ્ટિબિંદુનો વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો. આ પ્રચાર લોકોની વિશાળ સભાઓમાં ભાષણો, વર્તમાનપત્રો, પત્રિકાઓ તથા અનેક પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરીને કરવામાં આવ્યો. આ ઉપરાંત સરઘસો કાઢ્યાં, અરજીઓ કરવામાં આવી, પુસ્તકાલયો અને વાચનાલયો શરૂ કર્યાં તથા વિપુલ પ્રમાણમાં પ્રચારાત્મક સાહિત્ય પ્રગટ કરવામાં આવ્યું. આ ટૅકનિકનું મહત્વનું લક્ષણ એ હતું કે આખું વરસ નિયમિત રીતે રાજકીય શિક્ષણ તથા પ્રચાર દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવ્યું.
બંને હોમરૂલ લીગના હેતુઓ સ્વરાજપ્રાપ્તિના હતા. ટિળક અને એની બેસન્ટે પોતપોતાની સંસ્થાઓનો કાર્યવિસ્તાર ઠરાવ્યો હતો. મધ્યપ્રાંત, મુંબઈ ઇલાકો અને મુંબઈ શહેરમાં ટિળકની લીગ અને દેશના બાકીના બધા વિસ્તારોમાં એની બેસન્ટની લીગે કામ કરવાનું હતું.
એની બેસન્ટ અને લોકમાન્ય ટિળક બંને શ્રેષ્ઠ કક્ષાના વક્તાઓ હતાં. તેઓએ દેશના વિવિધ વિસ્તારોનો પ્રવાસ ખેડીને, હોમરૂલ વિશે રસપ્રદ તથા લોકભોગ્ય પ્રવચનો કર્યાં. સરકારી હેવાલોમાં તેમના પ્રવાસોને ‘વિજયી યાત્રાઓ’ (Triumphant tours) તરીકે, રાજકીય શિક્ષણના કીમતી સાધન તરીકે વર્ણવવામાં આવી છે. જ્યૉર્જ અરૂન્ડલે, બી. પી. વાડિયા, એન. સી. કેળકર વગેરે નેતાઓ પોતાનાં પ્રભાવક પ્રવચનો દ્વારા આંદોલનમાં પ્રાણ પૂરતા હતા. સરકારી હેવાલો મુજબ ટિળકનાં ભાષણો લોકપ્રિય હતાં અને તેમનો પ્રચાર આમજનતા સુધી પહોંચતો હતો. એની બેસન્ટના અંગ્રેજી દૈનિક ‘ન્યૂ ઇન્ડિયા’ અને સાપ્તાહિક ‘ધ કૉમન વિલ’ તથા ટિળકના મરાઠી સાપ્તાહિક ‘કેસરી’ અને અંગ્રેજી સાપ્તાહિક ‘મરાઠા’માં લોકોમાં જાગૃતિ ફેલાવે એવા લેખો પ્રગટ થતા. ટિળક આ સમયે ખૂબ લોકપ્રિય થવાથી તેમને ‘લોકમાન્ય’ તરીકે બિરદાવવામાં આવ્યા. ટિળકે એક પ્રવચનમાં કહ્યું કે, ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીશ’; જે દેશમાં તે સમયે મહત્વનું સૂત્ર બની ગયું. ટિળકે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, વરાડ, મધ્યપ્રાંતો વગેરે પ્રદેશોનો ઝડપી પ્રચાર-પ્રવાસ કર્યો.
ઈ. સ. 1917માં સમસ્ત દેશમાં આ ચળવળને ખૂબ વેગ મળ્યો અને અપૂર્વ રાષ્ટ્રીય જાગૃતિ આવી. હોમરૂલની ઘોષણા દેશના ખૂણે ખૂણે પહોંચી ગઈ. શ્રીમતી બેસન્ટનાં અખબારો ‘ન્યૂ ઇન્ડિયા’ અને ‘ધ કૉમન વિલ’ પાસે રૂ. 20,000/-ના જામીન તથા રાજદ્રોહી પ્રવચનો ન આપવા વાસ્તે ટિળક પાસે રૂ. 20,000/-ના જામીન માગવામાં આવ્યા. જૂન 1917માં એની બેસન્ટ, અરૂન્ડલે અને બી. પી. વાડિયાને અટકાયતમાં રાખવામાં આવ્યાં. સરકારના આ પગલાનો, દેશનાં અનેક નગરો તથા ગામોમાં સભાઓ ભરીને સખત વિરોધ થયો અને સભાઓ-સરઘસો દ્વારા દેખાવો કરવામાં આવ્યા. તેથી તેઓને મુક્ત કરવાની સરકારને ફરજ પડી. બેસન્ટની અટકાયતની અસર આખા દેશ પર પડી. તેને લીધે મદનમોહન માલવીય, સુરેન્દ્રનાથ બેનરજી, મહંમદ અલી ઝીણા તથા હજારોની સંખ્યામાં લોકો હોમરૂલ લીગમાં જોડાયા. આ આંદોલનની અસર રૂપે શ્રીમતી બેસન્ટ કૉલકાતાના કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખપદે ચૂંટાયાં. ટિળકને પણ કૉંગ્રેસમાં પ્રવેશ આપવામાં આવ્યો.
ગુજરાતમાં હોમરૂલ આંદોલન દરમિયાન અપૂર્વ અને આશ્ચર્યજનક જાગૃતિ લોકોમાં ફેલાઈ હતી. ગુજરાતનાં નગરો તથા ગામોમાં હોમરૂલ લીગની 90થી વધારે શાખાઓ સ્થાપવામાં આવી હતી. તેની સભાઓમાં ગાંધીજી, ઇન્દુલાલ યાજ્ઞિક, જમનાદાસ દ્વારકાદાસ, કનૈયાલાલ માણેકલાલ મુનશી, બી. જી. હૉર્નિમેન જેવા નામાંકિત નેતાઓએ ભાષણો કર્યાં હતાં. હોમરૂલ લીગના કાર્યમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાના આગેવાનો ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. અમદાવાદ જિલ્લામાં મગનભાઈ ચતુરભાઈ પટેલ તથા અનસૂયાબહેન સારાભાઈ, ખેડા જિલ્લામાં ફૂલચંદ બાપુજી શાહ અને માધવલાલ નભુભાઈ દ્વિવેદી, સૂરત જિલ્લામાં હરિભાઈ અમીન તથા પંચમહાલ જિલ્લામાં વામનરાવ સીતારામ મુકાદમે હોમરૂલની શાખાઓ સ્થાપીને તેના પ્રચાર અને લોકજાગૃતિનું કાર્ય ઉપાડી લીધું હતું.
વિદેશોમાં અસર : ટિળક અને એની બેસન્ટે વિદેશોમાં વસતા હિંદીઓને હોમરૂલના આંદોલનને સાથ આપવા વિનંતી કરી. હોમરૂલ લીગની શાખાના પ્રમુખ આયરે અમેરિકાના પ્રમુખ વિલસનને એક પત્ર પાઠવી, ઇંગ્લૅન્ડની સરકારની અન્યાયી તથા દમનખોર નીતિની માહિતી આપી. આ પત્રને અમેરિકાનાં અખબારોએ બહોળી પ્રસિદ્ધિ આપી. લાલા લજપતરાયના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળ હોમરૂલના પ્રચાર વાસ્તે અમેરિકા મોકલવામાં આવ્યું. સાન ફ્રાંસિસ્કોમાં હોમરૂલ લીગની શાખા ખોલવામાં આવી. ડૉ. હાર્ડીકરે અમેરિકાનાં વિવિધ રાજ્યોનો પ્રવાસ કરીને ભારતમાં ચાલતા આંદોલનનો ખ્યાલ આપી લોકોનો સહકાર માગ્યો. ઇંગ્લૅન્ડમાં ઉદારમતવાદી નેતાઓ તથા અખબારો દ્વારા હોમરૂલ આંદોલનને ટેકો આપવામાં આવ્યો.
આ આંદોલનના પરિણામે સરકારને જવાબદાર રાજ્યતંત્ર આપવાના પોતાના ધ્યેયની ઑગસ્ટ 1917માં નીતિવિષયક જાહેરાત કરવી પડી. તે મૉન્ટેગ્યૂની જાહેરાત તરીકે જાણીતી થઈ. સ્વરાજપ્રાપ્તિ માટેની લડતમાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો. હોમરૂલ આંદોલનને કારણે ગાંધીજીની રાષ્ટ્રીય સત્યાગ્રહની લડતોનો પાયો મજબૂત બન્યો. હોમરૂલ આંદોલનથી દેશની આમજનતામાં અપૂર્વ જાગૃતિ આવી હતી.
જયકુમાર ર. શુક્લ