હોમર, વિન્સ્લો (Homer, Winslow) (જ. 24 ફેબ્રુઆરી 1836, બૉસ્ટન, અમેરિકા; અ. 29 સપ્ટેમ્બર 1910, પ્રૂટ્સ નેક, મેઇને, અમેરિકા) (Prouts Nech, Maine) : સમુદ્ર અને સમુદ્રને લગતા વિષયોને આલેખવા માટે જાણીતા અમેરિકન નિસર્ગ-ચિત્રકાર. અમેરિકન રંગદર્શિતાના એ એક અગ્રણી ચિત્રકાર ગણાય છે. સમુદ્ર જેવી પ્રાકૃતિક શક્તિ સાથે ઝઝૂમતા માનવીના આલેખનમાં એ કુશળ પુરવાર થયા અને એમાં અનંત શક્તિ ધરાવતી જડ પ્રકૃતિ સાથે નિર્બળ માનવીના રચેલા સંવાદથી રંગદર્શિતાવાદના કરુણ પાસાને એ સફળતાથી વ્યક્ત કરી શક્યા.

વિન્સ્લો હોમર

બૉસ્ટન નજીક અમેરિકાના આટલાંટિક કાંઠે વિન્સ્લો હોમરનું બાળપણ વીત્યું. એના કળાત્મક અભિગમને માતા સમર્થન આપતી, જે ખુદ એક અપ્રવીણ (amateur) ચિત્રકાર હતી. 19 વર્ષની ઉંમરે વિન્સ્લોએ બોસ્ટનમાં લિથોગ્રાફર જોન બફોર્ડ (John Bufford) પાસે લિથોગ્રાફી–શિલાછાપ ચિત્રોની તાલીમ લીધી. ‘બેલો’ઝ પિક્ટોરિયલ’ (Ballou’s Pictorial) અને ‘હાર્પર્સ વીકલી’ જેવાં સામયિકોમાં તેમનાં પ્રસંગચિત્રો (illustrations) છપાવાં શરૂ થયાં. 1859માં તેઓ ન્યૂયૉર્ક જઈ સ્થિર થયા અને 1860માં તેમણે ન્યૂયૉર્કની નૅશનલ એકૅડેમી ઑવ્ ડિઝાઇનમાં પોતાનાં ચિત્રોનું પ્રદર્શન કર્યું.

સિવિલ વૉર (અમેરિકન ગૃહયુદ્ધ) ફાટી નીકળતાં હોમરે રણમોરચે જઈ હાર્પર્સ વીકલી માટે પ્રસંગચિત્રો આલેખ્યાં; પરંતુ બીજા ચિત્રકાર-પત્રકારો(artist-correspondents)થી વિપરીત હોમરે યુદ્ધનાં દૃશ્યો કરતાં રાવટી તાણીને રહેતા સૈનિકોની કૅમ્પ-લાઇફનું આલેખન કર્યું. 1865માં તેઓ નૅશનલ એકૅડેમી ઑવ્ ડિઝાઇનના સભ્યપદે ચૂંટાયા. યુદ્ધ સંકેલાતાં તેમનું તૈલચિત્ર ‘પ્રિઝનર્સ ફ્રૉમ ધ ફ્રન્ટ’ એકૅડેમીમાં પ્રદર્શિત થયું. તેમાં તેમણે મેળવેલો યુદ્ધના અનુભવનો નિચોડ જોવા મળે છે. હોમર વારંવાર પેન્સિલ્વેનિયા, હડસન રિવર વેલી અને ન્યૂ ઇંગ્લૅન્ડ ખૂંદી વળતા અને માછીમારી તથા શિકાર કરવા સાથે સ્કેચિંગ (ત્વરાલેખન) કરતા. 1866માં હોમર એક વર્ષ માટે ફ્રાન્સ ગયા. ત્યાં પ્રવર્તમાન પ્રભાવવાદ(Impressionism)નો પ્રભાવ હોમર પર પડ્યો અને હવે તેમનાં ચિત્રોમાં રંગો વધુ તેજસ્વી અને ખૂલતા બન્યા. તેમાંથી બે ઉદાહરણો છે : નિશાળેથી છૂટીને ઘાસના બીડમાં દોડાદોડ કરતાં બાળકોને આલેખતું ચિત્ર ‘સ્નેપ ધ વીપ’ (Snap the Whip) અને સમુદ્રકાંઠે ટહેલતી મહિલાઓને આલેખતું ચિત્ર ‘લૉન્ગ બીચ, ન્યૂ જર્સી’.

હોમરનું એક વૂડ-એન્ગ્રેવિંગ છાપચિત્ર : ‘ધ વૉર ફૉર ધ યુનિયન’ (1862)

1873માં હોમરે જળરંગો(water colours)માં ચિત્રો આલેખવાં શરૂ કર્યાં. આ મુશ્કેલ માધ્યમ પર તેમણે હથોટી મેળવી અને ‘બ્રીઝિંગ અપ’ (‘Breezing up’) જેવાં ચિત્રો આલેખ્યાં.

એ પછી તેમનાં તૈલચિત્રોનાં કદ વધવા માંડ્યાં અને ચિત્રમાં પ્રકૃતિનાં વિવિધ ઘટકોને જ મહત્વનું સ્થાન મળતું. ચિત્રોના ખૂણે કોઈ એકલદોકલ માનવઆકૃતિ ચોમેરની પ્રકૃતિથી અળગી પડેલી એકલી-અટૂલી જણાય છે. 1880 સુધીમાં હોમરને કોઈ મોટી દુન્યવી સફળતા મળી નહિ. એ એકલવાયા બનતા ગયા. 1881માં તેમણે ઇંગ્લૅન્ડ જઈ ટાયનેમાઉથ(Tynemouth)નો સમુદ્રકિનારો આલેખ્યો. બ્રિટિશ સમુદ્રકાંઠાનાં ધુમ્મસભર્યાં હવામાન આલેખવામાં એ પાવરધા પુરવાર થયા. અમેરિકા પાછા ફરીને પણ તેમણે સમુદ્રકાંઠાનાં ચિત્રો આલેખવાં ચાલુ રાખ્યાં. સમુદ્રના અવનવા મિજાજોને આલેખવાની સાથે સાથે માછીમારોના ખડતલ અને જોખમકારક જીવનનાં તેમણે જુસ્સાભર્યાં ચિત્રો પણ આલેખ્યાં. 1883માં તેમણે તેમનું એક મહત્વનું ચિત્ર ‘ધ લાઇફ લાઇન’ આલેખ્યું. તેમાં હોમરે વહાણ ડૂબતાં ડૂબતી બેભાન મહિલાને કાંઠા પર લઈ આવવાના વીરોચિત કર્મને આલેખ્યું છે. ન્યૂ ફાઉન્ડલૅન્ડના માછીમારો જોડે મધદરિયે જવાનું શરૂ કર્યા પછી હોમરનાં ચિત્રોમાં સમુદ્રકાંઠો દૂર થયો અને મધદરિયાની ઝંઝા વિષય બની. આ તબક્કાનું તેમનું એક નમૂનારૂપ ચિત્ર છે ‘ફોગ વૉર્નિન્ગ’. તેમાં મધદરિયે ગોધૂલિ ટાણે નાવડીમાં માછલા સાથે એકલા હંકારી રહેલ માછીમારની ઘેર પાછા ફરવાની આકુળવ્યાકુળતા વ્યક્ત થઈ છે. એનાં ચિત્રો ‘હન્ટ્સમેન ઍન્ડ ડૉગ્સ’ (Huntsman and dogs) (1891)માં પ્રકૃતિના સ્વામી બનવા પ્રયત્ન કરનાર માનવી તથા ‘ધ ગલ્ફ સ્ટ્રીમ’માં પ્રકૃતિ સામે લાચાર અને પામર સાબિત થતો માનવી નજરે પડે છે. જીવનના છેલ્લા વર્ષ સુધી હોમર ક્રિયાશીલ હતો. તેના સ્ટુડિયો ‘પ્રાઉટ્સ નેક’(Prouts Neck)માં તે મૃત્યુ પામ્યો.

અમિતાભ મડિયા