હોમ હાન્યા (Holm Hanya)

February, 2009

હોમ, હાન્યા (Holm, Hanya) (જ. 3 માર્ચ 1893, જર્મની; અ. 3 નવેમ્બર 1992, ન્યૂયૉર્ક સિટી, યુ.એસ.) : જર્મન–અમેરિકન આધુનિક નર્તકી અને કૉરિયોગ્રાફર. મૂળ નામ જોહાના એકર્ટ કુન્ટ્ઝ (Johanna Eckert Kuntce). ફ્રેન્કફર્ટની અને હેલેરો ખાતે ડેલ્ક્રોઝની ઇન્સ્ટિટ્યૂટમાં નૃત્યનો અભ્યાસ કર્યા પછી હોમ ડ્રેસ્ડન ખાતેની મૅરી વિગ્મૅન્સ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટમાં થોડા સમય માટે નૃત્યનો અભ્યાસ અને પછી તેનું અધ્યાપન કર્યું.

હાન્યા હોમ

1930માં મંચન થયેલ વિગ્મૅનના નૃત્ય ‘ડાસ ટોટેમલ’(Das Totemal)માં હોમે સહદિગ્દર્શન કર્યું. 1931માં હોમ અમેરિકા ગયાં અને ત્યાં ન્યૂયૉર્કમાં ‘મેર વિગમૅન્સ સ્કૂલ’ નામે નૃત્યશાળા શરૂ કરી; જેનું નામ 1936માં બદલીને ‘હાન્યા હોમ સ્ટુડિયો’ રાખ્યું. એ અરસાથી એક મૌલિક આધુનિક નર્તકી અને કૉરિયોગ્રાફર તરીકે હોમનું નામ થયું. 1939માં તેમણે અમેરિકન નાગરિકત્વ સ્વીકાર્યું. એમની ‘ટ્રેન્ડ’ (1937), ‘મેટ્રોપૉલિટન ડેઇલી’ (1938) અને ‘ટ્રૅજિક એક્ઝોડસ’ (Tragic Exodus) જેવી સમૂહનૃત્યની રચનાઓ-કૉરિયોગ્રાફી એમના ‘હાન્યા હોમ સ્ટુડિયોની નર્તક મંડળીઓ દ્વારા સમગ્ર અમેરિકામાં ભજવાઈ.

1941માં હોમે કૉલોરાડો ખાતે વેસ્ટ કૉલોરાડો સ્પિન્ગ્ઝમાં ‘સેન્ટર ઑવ્ ડાન્સ’ નામે એક નૃત્યશાળા શરૂ કરી; જ્યાં હોમે 25 વર્ષથી પણ વધુ સમય સુધી લગાતાર ભણાવ્યું. એમના શિષ્યમંડળમાંથી ઍલ્વિન નિકોલાઇસ, વાલેરી બેટિસ અને ગ્લેન ટેટ્લી જેવા સમર્થ નર્તકો આગળ આવ્યા. 1945 પછી હોમે બ્રૉડવેના મ્યુઝિકલ પ્લેઝમાં કૉરિયોગ્રાફી કરી. તેમાં ‘કીસ મી કેઇટ’ (1948), ‘આઉટ ઑવ્ ધિસ વર્લ્ડ’ (1950), ‘માય ફેર લેડી’ (1956) અને ‘કૅમેલૉટ’ (1960) ઘણાં લોકપ્રિય બન્યાં. મૂળ પ્લૉટની નાટ્યત્મકતામાં તેમની કૉરિયોગ્રાફી વધુ ચોટ લાવે છે. કૉલોરાડોના સેન્ટ્રલ સિટીમાં પણ હોમે ઑપેરામાં કૉરિયોગ્રાફી કરી; જેમાંથી ડગ્લાસ મૂરેના ઑપેરા ‘ધ બૅલડ ઑવ્ બેબી ડવ’ ખાસ નોંધપાત્ર છે.

અમિતાભ મડિયા