સંગ્રામસિંહ (રાણા) (જ. 1482; અ. 30 જાન્યુઆરી 1528, ચિતોડ) : ઉત્તર ભારતમાં આવેલ મેવાડનો પ્રસિદ્ધ રાજા. તે રાણા સાંગા નામથી જાણીતો હતો. તેના પિતા રાયમલ્લના અવસાન બાદ 27 વર્ષની વયે તે 1509માં ગાદીએ બેઠો. તેણે મેદિનીરાયના આમંત્રણનો સ્વીકાર કરીને મહમુદ ખલજીના કબજા હેઠળનું માળવાનું રાજ્ય 1519માં જીતી લીધું. ઈ. સ. 1520માં તેણે ગુજરાતમાં ઈડર પર આક્રમણ કરી રાજ્યનાં ગામોમાં લૂંટ કરી. બીજી વાર ઈડર પર હુમલો કરી અહમદનગર (હિંમતનગર) જીતી લીધું. આ બનાવોને લીધે ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહે મેવાડ પર ચડાઈ કરવા 1521માં લશ્કર મોકલ્યું. તેના લશ્કરે મેવાડની દક્ષિણની સરહદે મંદસોર ઘેરી લીધું. આ દરમિયાન માળવાના મહમુદ ખલજીએ મેવાડ સામે વેર વાળવા ગુજરાતના લશ્કરને સાથ આપ્યો; પરંતુ સેનાપતિ મલિક અયાઝ લડ્યા વગર પાછો ગયો. 1517માં ઇબ્રાહીમ લોદી દિલ્હીનો સુલતાન બન્યો. તેના નાના ભાઈએ કેટલાક અમીરોની મદદથી તેની સામે બળવો કર્યો. ઇબ્રાહીમે તે બળવો કચડી નાખ્યો. સાંગાએ આ પરિસ્થિતિનો લાભ લઈ સલ્તનતના ભોગે પોતાની સ્થિતિ સુધારવા પ્રયાસ કર્યો; તેથી ઇબ્રાહીમે બળવો દબાવ્યા પછી, રાણાના રાજ્ય પર ચડાઈ કરી; પરંતુ રાણાએ ધોલપુરની લડાઈમાં ઇબ્રાહીમને હરાવ્યો. આ નિષ્ફળતાએ સુલતાનને બીજી વાર મેવાડ પર ચડાઈ કરવા પ્રેર્યો. તેમાં પણ રાણાનો વિજય થયો. ઇબ્રાહીમ લોદી સામેનો વિજય સાંગાની નોંધપાત્ર સિદ્ધિ હતી. તે પછી તેનાં પાડોશી રાજ્યો સામે તેણે એક પછી એક વિજયો મેળવ્યા. તેના ફલસ્વરૂપે મેવાડ રાજ્યની સરહદો સારી પેઠે વિસ્તાર પામી. ઉત્તરમાં તેની સરહદ બયાના નદી સુધી વધી. પૂર્વમાં રાયસીન, કાલ્પી અને ચંદેરી તેના રાજ્યના પ્રદેશો બન્યા. દક્ષિણમાં ડુંગરપુર અને વાંસવાડા તેનાં ખંડિયાં રાજ્યો બન્યાં. તેની સરહદો માળવાના મધ્ય ભાગ સુધી ફેલાઈ હતી. નૈર્ઋત્યમાં સિરોહી રાજ્ય પર રાણાનો જમાઈ રાજ્ય કરતો હતો. ઇતિહાસકાર ટૉડના જણાવ્યા મુજબ, મારવાડ અને અંબરના શાસકો તેની વફાદારી માન્ય રાખતા હતા. ઉત્તર ભારતના રાજાઓમાં તેણે અગ્રણી સ્થાન મેળવ્યું હતું, પરંતુ તેની મહત્ત્વાકાંક્ષા વધુ હતી. તેણે 1523થી 1528નાં વરસો દરમિયાન દિલ્હીની ગાદી હસ્તગત કરવાના પ્રયાસો કર્યા. તે માટે તેણે મુત્સદ્દીગીરી અને લશ્કરી પ્રયાસોનો ઉપયોગ કર્યો.
સુલતાન ઇબ્રાહીમ લોદી સામે સફળતા મેળવ્યા પછી સંગે બાબરને ઇબ્રાહીમ લોદી સામે આક્રમણ કરવા સૂચવ્યું. બાબર કાબૂલથી અને સંગ તેના રાજ્યમાંથી ઇબ્રાહીમ સામે કૂચ કરે એમ નક્કી થયું હતું. સલ્તનતમાં બાબરને ભાગ આપવાની તેની ઇચ્છા ન હતી; પરંતુ દિલ્હી સલ્તનત પોતાને માટે મેળવવાની તેની ખ્વાહિશ હતી. બાબર જણાવે છે કે આ યોજના મુજબ તેણે કાબૂલ છોડ્યું, પંજાબ જીત્યું અને પાણીપતના મેદાનમાં ઇબ્રાહીમ લોદી સામે નિર્ણાયક વિજય મેળવ્યો; આમ છતાં સંગે તેના કરારનું પાલન કર્યું નહિ. ખરેખર ગુજરાતમાં શરૂ થયેલી તકલીફોમાં તે રોકાયેલો હતો. સંભવ છે કે, બીજા મોંગોલ આક્રમકોની જેમ બાબર પણ લૂંટ કરીને પાછો જશે, એમ તે માનતો હતો; અથવા મુઘલો અને અફઘાનો લાંબી લડાઈ પછી નબળા પડશે અને સંગ દિલ્હીની ગાદી મેળવી શકશે. તેની આવી બધી આશાઓ આખરે નિરાશામાં પરિણમી. સંગને જાણવા મળ્યું કે બાબર ભારતમાં રહી રાજ્ય કરવા માગે છે, તેથી સંગની મહેચ્છા માટે અડચણ પેદા થઈ. તેણે લડાઈની તૈયારી કરવા માંડી. રાણા સંગના નેતૃત્વ હેઠળ મારવાડ, અંબર, ગ્વાલિયર, અજમેર, ચંદેરી, કોટા, બુંદી, રામપુર, આબુ, ઝાલોર વગેરે રાજ્યોના રાજપૂત રાજાઓ જોડાયા. 16 માર્ચ, 1527ના રોજ આગ્રાથી પશ્ચિમે 37 કિમી.ના અંતરે ખાનવા મુકામે મુઘલો તથા રાજપૂતોનાં સૈન્યો વચ્ચે ભીષણ લડાઈ થઈ. રાણો સંગ તીરથી ઘવાયો, તેને બેભાન સ્થિતિમાં દૂર લઈ જવામાં આવ્યો. રાજપૂતો બહાદુરીથી લડ્યા; પરંતુ કટોકટીની પળે સિલહદ નામનો રાજપૂત સરદાર વિશ્વાસઘાત કરી દુશ્મનો સાથે ભળી ગયો. તેથી રાજપૂતો હાર્યા. ભારતના ઇતિહાસમાં ખાનવાનું યુદ્ધ નિર્ણાયક યુદ્ધ ગણાય છે. રાજપૂત સંઘનો નેતા રાણો સંગ યુદ્ધમાં ઘાયલ થયો અને એકાદ વર્ષમાં માત્ર 46 વર્ષની વયે મરણ પામ્યો. આ યુદ્ધે ઉત્તર ભારતમાં સર્વોચ્ચ સત્તા સ્થાપવાના રાજપૂતોના આખરી પ્રયાસનો અંત આણ્યો. ભારતમાં મુઘલોની સત્તા સ્થપાઈ, જે વિકાસ પામીને ત્રણ સદીથી વધુ સમય સુધી ટકી રહી.
જયકુમાર ર. શુક્લ