સંગ્રહણી (sprue) : પચ્યા અને અવશોષાયા વગરના તૈલી પદાર્થોના ઝાડાવાળો કુશોષણ કરતો આંતરડાંનો વિકાર. તેના મુખ્ય 2 પ્રકાર છે : ઉષ્ણકટિબંધ (tropical) અને અનુષ્ણકટિબંધીય (non-tropical). અનુષ્ણકટિબંધીય સંગ્રહણીને ઉદરરોગ (coeliac disease) પણ કહે છે.

નાના આંતરડાનું મુખ્ય કામ ખોરાકને પચાવીને પચેલાં પોષક દ્રવ્યોનું અવશોષણ કરવાનું છે, જ્યારે તે વિકારગ્રસ્ત થાય ત્યારે કુશોષણ(malabsorption)નો વિકાર થાય છે; જેમાં આવશ્યક પોષકદ્રવ્યો, વીજવિભાજ્યો, ક્ષારો તથા પ્રજીવકો(vitamins)નું પાચન અને અવશોષણ ક્ષતિગ્રસ્ત થાય છે. તેને કારણે ન પચેલાં દ્રવ્યોવાળા ઝાડા (અતિસાર, diarrhoea) થાય છે. તેમાં તૈલીદ્રવ્યો હોય તો તેને મેદાતિસાર (steatorrhoea) કહે છે. તેને કારણે ઝાડા ઉપરાંત પેટમાં દુખાવો, પેટનું ફૂલવું, વજન ઘટવું, લોહીમાં હીમોગ્લોબિન ઘટવાથી પાંડુતા થવી, અન્ય પ્રકારનાં પોષક દ્રવ્યોની ઊણપનાં લક્ષણો થવાં વગેરે વિવિધ પ્રકારની તકલીફો થાય છે. તેને કુશોષણ સંલક્ષણ (malabsorption syndrome) કહે છે.

કુશોષણનાં વિવિધ કારણો છે; જેમ કે, બંને પ્રકારનો સંગ્રહણી. આ ઉપરાંત બીજાં કારણો પણ છે, જેમાં અંધનાલિ (diverticulum), મધુપ્રમેહ, શસ્ત્રક્રિયા કે વિકિરણ વડે સારવાર કરવાથી આંતરડાને થયેલું નુકસાન, દૂધને પચાવવામાં મુશ્કેલી અનુભવાય તેવો વિકાર તથા મળ દ્વારા પ્રોટીનનો વ્યય થાય તેવા વિવિધ વિકારો અને રોગોનો સમાવેશ થાય છે.

(1) અનુષ્ણકટિબંધીય સંગ્રહણી (non-tropical sprue) અથવા ઉદરરોગ (coeliac disease) : ઘઉં, જવ, (barley), રાઈ (rye), ઓટમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે જેને શ્યાનિક (gluten) કહે છે. તેને કારણે તેના લોટ(ભૂકા)નો પિંડ બાંધવો સરળ બને છે. તેની સામે આંતરડામાં સ્થાનિક પ્રતિરક્ષાલક્ષી (immunological) પ્રતિભાવ ઉદ્ભવે તો તે આંતરડાની દીવાલના પોલાણ તરફના આવરણ(શ્લેષ્મકલા, mucosa)ને ઈજા પહોંચાડે છે. આવા પ્રતિભાવ રૂપે શરીરમાં જે પ્રતિદ્રવ્યો (antibodies) બને છે તે લોહીમાં પણ જોવા મળે છે અને તે બરોળની ક્ષીણતા લાવે છે. આંતરડાની દીવાલને થતા નુકસાનથી થતા રોગને ઉદરરોગ અથવા અનુષ્ણકટિબંધીય સંગ્રહણી કહે છે. તે B8 DR3, DR7 અને DQ2 પ્રકારના પેશી-સંગતતા પ્રતિજનો (histo-compatibility antigens) સાથે સંકળાયેલો રોગ છે. લગભગ 4થા ભાગના દર્દીઓના કુટુંબમાં અન્ય સભ્યોને પણ તે થયેલો હોય છે.

પક્વાશય (duodenum) અને મધ્યાંત્ર (jejunum) નામના નાના આંતરડાના બે ભાગના જોડાણના સ્થાને તથા તેનાથી અમુક અંતર સુધીના આંતરડામાં આ રોગને કારણે શ્લેષ્મકલામાં પેશીરુગ્ણતા (histopathology) એટલે કે રોગજન્ય વિકૃતિ થઈ આવે છે. સામાન્ય આંતરડામાં ઝીણાં પાંદડાં જેવા આંત્રાંકુરો (villi) હોય છે. તેમાં વિકાર ઉદ્ભવે છે. તેને કારણે તે નાની અને પહોળી (ચપટી) બને છે અથવા તો સપાટ થઈ જાય છે. તેથી આંતરડાની અંદરની દીવાલ પર જે નાના કેશ જેવા આંત્રાંકુરો હોય છે તેને સ્થાને જાણે ગડીઓ (convolutions) બની જાય છે અથવા તો તે સપાટ બને છે. આને આંત્રાંકુરીય ક્ષીણતા (villous atrophy) કહે છે, જે અનુક્રમે આંશિક (partial) કે અલ્પપૂર્ણ (subtotal) એમ 2 પ્રકારની હોય છે. અધિચ્છદીય કોષો(epithelial cells)ની પણ ઊંચાઈ ઘટે છે અને દીવાલમાં લસિકાકોષો (lymphocytes) અને પ્રરસકોષો(plasma cells)નો ભરાવો થાય છે. દર્દીને શ્યાનિક પ્રોટીન વગરનો આહાર આપવાથી બધી પેશીવિકૃતિઓ દૂર થાય છે.

સામાન્ય રીતે આ રોગનાં લક્ષણો બાળકને ધાન્ય(cereals)નો ખોરાક શરૂ કર્યાના 6 મહિનામાં (આશરે 2 વર્ષથી) એટલે કે નાની વયે શરૂ થાય છે. બાળકની વૃદ્ધિ અટકે છે અને તે ચીડિયું બની જાય છે. તેને ઘણો મળ નીકળે છે, તે ફિક્કું પડે છે અને તેનું પેટ ફૂલે છે. સમય જતાં તેની વૃદ્ધિ ઘટે છે અને તેને પાંડુતા (anaemia) થાય છે. કો’ક વખત રોગ સૌપ્રથમ પુખ્ત વયે શરૂ થાય છે અને પ્રસંગોપાત્ત, તે મોટી ઉંમરે પણ શરૂ થતો જોવા મળ્યો છે. તેમાં કાં તો થોડી પાંડુતા (anaemia) થઈ આવે છે અથવા તો થોડાં જ અઠવાડિયાંમાં તીવ્ર સ્વરૂપે કુશોષણનો વિકાર થાય છે. તેમાં મુખ્ય તકલીફો રૂપે ઝાડા, વજનમાં ઘટાડો તથા પાંડુતા થાય છે. તેમાં લોહ અને ફૉલિક ઍસિડની ઊણપ થાય છે. દર્દીને પ્રજીવકો(vitamins)ની ઊણપને કારણે હાથપગમાં ચેતાવિકાર (neuropathy) થાય છે, પ્રોટીનની ઊણપને કારણે લોહીમાં પ્રોટીનનું પ્રમાણ ઘટે છે અને શરીર પર સોજા આવે છે. આવું મુખ્યત્વે આલ્બ્યુમિન નામના પ્રોટીનની ઊણપથી થાય છે. કૅલ્શિયમ અને પ્રજીવક-ડીની ઊણપને કારણે હાડકાંમાં દુખાવો થાય છે અને લોહીમાં કૅલ્શિયમનું સ્તર ઘટે છે. આ ઉપરાંત દર્દીને આવાં લક્ષણો અને ચિહ્નો પણ થાય છે; જેમ કે, આંગળીઓના છેડા ઢોલદંડિકા (drumstick) જેવા જાડા થાય છે, મોં અને જીભ આવી જાય છે, હોઠના ખૂણા પર ચાંદાં પડે છે, મોઢામાં ન રૂઝાય તેવું ચાંદું પડે છે, ચામડીમાં કાળાશ આવે છે, ઋતુસ્રાવ અટકી જાય છે અને અંડકોષફલિતતા ઘટવાથી અફલિતતા(infertility)નો વિકાર થાય છે. તેને કારણે ગર્ભધારણ થતું અટકે છે. દર્દીને મનો-ચેતાકીય વિકાર થાય છે, તેનું પેટ ફૂલેલું હોય છે. ક્યારેક આ દર્દીઓને ડર્મેટાયટિસ હર્પેટિફૉર્મિસ, લિમ્ફોલા, કાર્સિનોમા અથવા અલ્સર્ટિવ જેજુનોઇલિયાટિસ નામના રોગો આનુષંગિક તકલીફ રૂપે થાય છે.

શ્યાનિક વગરના આહાર(ઘઉં, જવ વગેરે)થી તકલીફોનું શમન થાય તથા મધ્યાંત્રમાંથી પેશીનો ટુકડો મેળવીને પેશીપરીક્ષણ (biopsy) કરવાથી મધ્યાંત્રમાં પેશીવિકૃતિ જોવા મળે – તેના પરથી નિદાન કરી શકાય છે. બાળકોમાં બીજા કેટલાક રોગોમાં પણ આ રોગ જેવાં જ લક્ષણો અને ચિહ્નો હોવાથી નિદાન માટેના માપદંડો વધુ સૂક્ષ્મ છે. પોષક દ્રવ્યોની ઊણપ અંગેની વિવિધ કસોટીઓ વિષમ પ્રકારની હોય છે, પણ તેમને નિદાન માટે આવશ્યક માનવામાં આવેલી નથી.

સારવારમાં ઘઉં, જવ વગેરે શ્યાનિક દ્રવ્યવાળા ખોરાકના પદાર્થોનો આજીવન ત્યાગ કરવો જરૂરી ગણાય છે. શરૂઆતમાં ખોરાક વિશે વારંવાર સમજૂતી અપાય છે, જેથી આહાર અંગે નવા પ્રકારની અને સમજણપૂર્વકની ટેવ સર્જાય. જે પોષક દ્રવ્યોની ઊણપ થઈ હોય તેને આપીને તેની ઊણપ દૂર કરાય છે. દર્દીના પ્રથમ કક્ષાનાં સગાંમાં એન્ટિગ્લાયડિન પ્રતિદ્રવ્ય અને આંતરડાની પારગમ્યતા-(permeability)ની કસોટી કરાય છે. જો દર્દીને ડર્મેટાયટિસ હર્પેટિફૉર્મિસ થાય તો તેને શ્યાનિક-મુક્ત આહાર અને ડેપ્સોન વડે સારવાર અપાય છે.

(2) ઉષ્ણકટિબંધીય સંગ્રહણી (tropical sprue) : તે ઉદરરોગ જેવાં જ લક્ષણો ધરાવે છે, પરંતુ તેમાં આંતરડામાં કોઈ રોગ કે કૃમિ હોતાં નથી અને તે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં થાય છે. તે કોઈ ચેપકારી સજીવને કારણે (ઈ. કોલીની ઝેરી અસરને કારણે) થાય છે તેવું મનાય છે. આ રોગ મુખ્યત્વે દક્ષિણ ભારત, શ્રીલંકા, મલયેશિયા, ઇન્ડોનેશિયા તથા વેસ્ટ ઇન્ડિઝમાં જોવા મળે છે.

તેમાં ઉદરરોગની માફક આંતરડામાં પેશીવિકૃતિ થાય છે. આંત્રાંકુરોની આંશિક (partial) ક્ષીણતા થાય છે. સામાન્ય રીતે તે ક્ષીણતા અલ્પપૂર્ણ (subtotal) કક્ષા સુધી વધતી નથી, ઉષ્ણકટિબંધીય પ્રજામાં કુશોષણનાં લક્ષણો ન હોય તેમ છતાં અમુક અંશે આંત્રાંકુરીય ક્ષીણતા જોવા મળે છે. તેને ઉષ્ણકટિબંધીય આંત્રરુગ્ણતા (tropical enteropathy) કહે છે. તેથી ઉષ્ણકટિબંધીય સંગ્રહણીના નિદાનમાં તકલીફોનું વૃત્તાંત, પરીક્ષણશાળાની કસોટીઓનાં વિષમ પરિણામો તથા મધ્યાંત્રનું વિષમ પેશીપરીક્ષણ હોય તે જરૂરી ગણાય છે. દર્દીની પરીક્ષણશાળાની જે કસોટીઓ વિષમ પરિણામ દર્શાવે છે તે છે ઝાડામાં તૈલી દ્રવ્ય જાય છે તેવું દર્શાવતું મળ-પરીક્ષણ (stool examination), ઝાયલોઝ નામની શર્કરાના કુશોષણની કસોટી, વિટામિન B12ના કુશોષણની કસોટી, લોહીમાં મહાબીજકોષીપાંડુતા તથા આલ્બ્યુમિનનું ઘટેલું સ્તર દર્શાવતી કસોટીઓ વગેરે. આ ઉપરાંત મધ્યાંત્રીય પેશીપરીક્ષણ(jejunal biopsy)માં આંત્રાંકુરીય આંશિક ક્ષીણતા (partial villous atrophy) જોવા મળે છે. આ રોગને ઝાડા તથા મેદદ્રવ્ય સાથેના ઝાડાનાં અન્ય કારણોથી અલગ પાડીને તેનું નિદાન કરાય છે; દા.ત., કોહ્નનો રોગ, જિયાર્ડિયાસિસ વગેરે.

સારવારમાં પાણી તથા વીજ-વિભાજ્યો(સોડિયમ વગેરે)ની ઊણપ દૂર કરાય છે. તે સામાન્ય રીતે પુષ્કળ ઝાડા થવાથી થાય છે. દર્દીને ટેટ્રાસાઇક્લિન કે ઑક્સિટેટ્રાસાઇક્લિન વડે 4 અઠવાડિયાં માટે સારવાર અપાય છે. આ ઉપરાંત તેમને ફોલિક ઍસિડ અને વિટામિનના B12નાં ઇન્જેક્શન આપવામાં આવે છે. સારવારથી જે તે પોષક દ્રવ્યની ઊણપ મટે છે અને મધ્યાંત્રની શ્લેષ્મકલા સામાન્ય સ્થિતિમાં આવે છે.

શિલીન નં. શુક્લ

જય અ. ભટ્ટ