સબારડ, બસવરાજ (જ. 20 જૂન 1954, કુકનુર, જિ. રાયચૂર, કર્ણાટક) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેમણે 1975માં કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ.; 1982માં ગુલબર્ગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ 1995થી ગુલબર્ગ યુનિવર્સિટીની એકૅડેમિક કાઉન્સિલના સભ્ય; કર્ણાટક સાહિત્ય અકાદમીના સભ્ય; કર્ણાટક રાજ્ય બંદય સાહિત્ય સંઘટનના પ્રમુખ અને અભિનવ ગંગોત્રી, સાહિત્યિક અને સાંસ્કૃતિક સંગઠનના પ્રમુખ રહેલા. હાલ ગુલબર્ગ યુનિવર્સિટીમાં કન્નડના પ્રાધ્યાપક તરીકે કાર્યભાર સંભાળે છે.
તેમણે અત્યાર સુધીમાં 41 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘હોરતા’ (1976); ‘નન્નાવર હડુ’ (1980); ‘મુદાલક કેમ્પુ મુદ્યવા’ (1984); ‘દાનિયેટ્ટી હાડેના’ (1990); ‘બેલાડિંગલુ બિસિલાયિતુ’ (1994) અને ‘પાદકટ્ટી હાડેના’ (1998) તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. ‘પ્રતિરૂપ’ (1977) અને ‘નરબલિ’ (1992) તેમના જાણીતા નાટ્યસંગ્રહો છે, જ્યારે ‘હોસા ડિક્કુ’ (1990), ‘વચન ચલવલિ’ (1992) અને ‘સાહિત્ય સંગતિ’ (1994) તેમના વિવેચનગ્રંથો છે. ‘બસવેર મટ્ટુ પુરંદરદાસ’ (1993) તેમની સંશોધનકૃતિ છે. તેમણે સંખ્યાબંધ પુસ્તકોનું સંપાદનકાર્ય સંભાળ્યું છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને કર્ણાટક સરકાર તરફથી 1981માં દેવરાજ બહાદુર ઍવૉર્ડ; 1991માં કુવેમ્પુ સાહિત્ય ઍવૉર્ડ; ત્રણ વાર ગુલબર્ગ યુનિવર્સિટી ઍવૉર્ડ અને બે વાર રત્નાકર મુદ્દન્ના ઍવૉર્ડ તથા 1991માં કાવ્યાનંદ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા