સબસિડી : કોઈ વસ્તુ કે સેવાની પડતર-કિંમત અને બજાર-કિંમત વચ્ચેનો તફાવત ઉપભોક્તાવર્ગના હિતમાં ઘટાડવા માટે સરકાર કે અન્ય જાહેર સંસ્થાઓ દ્વારા ઉત્પાદકોને અપાતી આર્થિક સહાય. સામાન્ય રીતે આવી સહાય સાર્વજનિક ઉપભોગ(mass consumption)ની વસ્તુઓ અને સેવાઓ પર અપાતી હોય છે. તેનું કદ મહદ્અંશે જે તે વસ્તુ કે સેવાના ઉત્પાદનના પ્રમાણમાં નિર્ધારિત થાય છે. આ રીતે સહાય આપીને સરકાર અને અન્ય જાહેર સંસ્થાઓ આવી વસ્તુઓ કે સેવાઓના ઉત્પાદન સાથે સંબંધ ધરાવતા ખાનગી ક્ષેત્ર દ્વારા લેવાતા નિર્ણયોને જાહેર હિતમાં પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતા હોય છે. આવી સહાય પ્રાપ્ત કરનાર ઉત્પાદકો પણ ઉત્પાદનનાં સંબંધિત સાધનોના જથ્થા પર કબજો જમાવવા માટે આ પ્રકારની સહાય અંગેના જાહેર કાર્યક્રમો અને યોજનાઓનો લાભ લેતા હોય છે.

સબસિડી આપવા પાછળ વિવિધ હેતુઓ હોઈ શકે છે : (1) સાર્વજનિક વપરાશની વસ્તુઓ કે સેવાઓ ઉપભોક્તાઓને માફકસરની કિંમતે કે તેમને પોસાય તેટલી કિંમતે પૂરી પાડવી. (2) ઉપભોક્તાના કલ્યાણને પોષક ગણાતી વસ્તુઓની વપરાશને પ્રોત્સાહન આપવું. (3) સાર્વજનિક ઉપભોગની વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપવું. (4) રાષ્ટ્રીય આવકની ન્યાયસંગત વહેંચણીની પ્રક્રિયાને ઉત્તેજન આપવું. (5) જ્યારે કોઈ વસ્તુનું વધુ પડતું ઉત્પાદન થાય છે (bumper-crop) ત્યારે તેના અધિશેષ ઉત્પાદનનો નિકાલ કરવા માટે આ નીતિનો ઉપયોગ કરવો. દા.ત., કૃષિપેદાશની વસ્તુઓ જે નાશવંત હોય છે અને તેથી તેનો નિકાલ તાત્કાલિક કરવાની તાતી જરૂર હોય છે. આવી વસ્તુ પર સબસિડી આપી તેમની વેચાણકિંમત ઘટાડી, તેમની માંગમાં વધારો કરી અધિશેષના જથ્થાનો નિકાલ કરી શકાય છે. જે દેશમાં ઓછી ખરીદશક્તિ ધરાવતા ઉપભોક્તાઓની સંખ્યા વિશાળ હોય છે ત્યાં સબસિડી આપવાની નીતિ અસરકારક નીવડી શકે છે.

ભારતમાં જાહેર વિતરણ-વ્યવસ્થા (PDS) મારફત જે વસ્તુઓનું વેચાણ થાય છે તે વસ્તુઓ સાર્વજનિક વપરાશની કે આર્થિક રીતે નબળા વર્ગના લોકો(BPL)ની વપરાશની વસ્તુઓ હોવાથી તે આ નીતિ વડે આવરી લેવાયેલી છે. તેવી જ રીતે રસોઈ-ગૅસ (LPG) જેવી વસ્તુઓ સબસિડીની નીતિ હેઠળ આવરી લેવામાં આવી છે. પીવાનું પાણી, સ્વાસ્થ્યસેવાઓ, શિક્ષણ, નગરનો આંતરિક વાહનવ્યવહાર, જીવનરક્ષક દવાઓ, ખેડૂતોને અપાતી વીજળીનો પુરવઠો વગેરે અનેક વસ્તુઓ અને સેવાઓ એવી છે જે સબસિડી દ્વારા આવરી લેવાઈ છે.

અલબત્ત, તાજેતરમાં અને ખાસ કરીને જ્યારથી કેન્દ્ર અને રાજ્ય સરકારો કે સ્થાનિક સ્વરાજ્ય-સંસ્થાઓની આર્થિક પરિસ્થિતિ બગડતી જાય છે ત્યારથી આ નીતિ પર ફેરવિચારણા કરવાની માગણી કેટલાંક વર્તુળોમાંથી કરવામાં આવી રહી છે. વિશ્વવ્યાપાર સંગઠન (WTO) પણ આ અંગે ભારત સરકાર પર દબાણ કરી રહ્યું છે. કેટલાંક એવું પણ માને છે કે સબસિડીનો નાણાકીય બોજ પરોક્ષ રીતે કરદાતાઓ પર પડતો હોય છે, જે યોગ્ય ગણાય નહિ.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે