સબારડ, વિજયશ્રી (. 1 ફેબ્રુઆરી 1957, બિડાર, કર્ણાટક) : કન્નડ લેખિકા. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ. અને ગુલબર્ગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ ગુલબર્ગ યુનિવર્સિટીમાં રીડર તરીકે કામગીરી બજાવે છે.

અત્યાર સુધીમાં તેમણે 6 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘જ્વલંત’ (1979); ‘લક્ષ્મણરેખા દાતિદવારુ’ (1981) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘ત્રિવેણી અવરા કદંબરિગલુ’ (1980); ‘સાહિત્ય મત્તુ મહિલે’ (1989) તેમના વિવેચનાત્મક નિબંધસંગ્રહો છે. ‘અક્કામહાદેવી’ (1980) તેમનો ઉલ્લેખનીય ચરિત્રગ્રંથ છે, જ્યારે ‘ડૉ. અનુપમા નિરંજન અવરા કાદંબરિગલુ’ (1994) તેમનો શોધપ્રબંધ છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને રત્નમ્મા હેગડે મહિલા પ્રશસ્તિ, ધારવાડ તથા કન્નડ સાહિત્ય પરિષદ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા