નિઝામુદ્દીન ઔલિયા

January, 1998

નિઝામુદ્દીન ઔલિયા (. . . 1238, બુખારા, તુર્કમેનિસ્તાન; . 1324–25, ગ્યાસપુર) : ઇસ્લામના ચિશ્તી સંપ્રદાયના મહાન સંત. બાબા ફરીદુદ્દીન ગંજ શકરના શિષ્ય. તેમના પિતા ખ્વાજા સૈયદ એહમદ જન્મજાત વલી હતા. હજરત નિઝામુદ્દીનને પિતા તરફથી વારસામાં ખિલાફત મળી હતી. તેમના પૂર્વજો બુખારાના રહીશ હતા. પરંતુ દાદા હજરત સૈયદ અલી અને નાના (માતાના પિતા) બુખારાથી કુટુંબ સહિત હિજરત કરીને લાહોર આવ્યા. લાહોરમાં થોડો સમય રોકાઈને તેઓ બદાયૂન ગયા. બદાયૂન એ સમયે સૂફી સંતો અને વિદ્વાનોનું કેન્દ્ર હતું.

નિઝામુદ્દીન ઔલિયા (પારંપરિક રેખાચિત્ર)

તેમને નાનપણથી જ કુરાને-શરીફના અભ્યાસમાં ઊંડો રસ હતો. કુરાને-શરીફનો અભ્યાસ તેમણે હજરત મૌલાના શાહી મુકરઈ પાસે કર્યો હતો. આ ઉપરાંત વિખ્યાત પુસ્તક કુદુરીનો અભ્યાસ હજરત મૌલાના અલાઉદ્દીન ઉસૂલી પાસે કર્યો. મૌલાના શમ્સુદ્દીનની નિશ્રામાં ‘મકામાતે હરીરી’ કંઠસ્થ કરી હતી. વિદ્યાભ્યાસ પૂરો કરીને તેઓ દિલ્હી આવ્યા હતા. અહીં શેખ નજીમુદ્દીનની સોબત આશીર્વાદરૂપ નીવડી. એમ મનાય છે કે એક દિવસ સ્વપ્નામાં હજરત મોહમ્મદ મુસ્તફા(સ.અ.વ.)ની ઝિયારત થઈ અને તેમણે અજોધનના માર્ગે જવા કહ્યું. તેમણે આધ્યાત્મિક ગુરુ ફરીદ, ફરીદના નામનું ઉચ્ચારણ કરીને અજોધનના માર્ગે પ્રયાણ કર્યું. અહીંથી તેઓ ગ્યાસપુરમાં સ્થિર થયા અને અનેક શિષ્યોને ગૂઢ જ્ઞાન આપ્યું. તેમણે પોતાના ગુરુનો ઉપદેશ ‘રાહતુલ કુલૂબ’માં સંગૃહીત કર્યો છે, જેનો અર્થ થાય છે ‘દિલની ઠંડક’. એમના શિષ્યો ભારતના બધા ભાગોમાં પ્રસરેલા છે. એમના ઉપદેશનો પ્રધાન સૂર એ હતો કે પ્રેમ દ્વારા જ અલ્લાહની પ્રાપ્તિ થઈ શકે છે. મનુષ્યે બીજાઓને માટે દુઆ માગવી, વ્રત તથા તીર્થાટન કરવાં અને લોકકલ્યાણનાં તેમજ ભલાઈનાં કાર્યો કરવાં. તેમને ‘મહેબૂબે ઇલાહી’ ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.

ચીનુભાઈ નાયક