નિઝામુદ્દીન અહમદશાહ ખ્વાજા

January, 1998

નિઝામુદ્દીન અહમદશાહ ખ્વાજા (. 1550, આગ્રા; . 28 ઑક્ટોબર 1594, લાહોર) : મુઘલ સમ્રાટ અકબરના સમયના તવારીખકાર. તેઓ હેરાતના ખ્વાજા મુકીમ હિરવીના પુત્ર હતા. ખ્વાજા મુકીમ હિરવી બાબરની સેવામાં જોડાઈ તેના લશ્કરમાં અધિકારી તરીકે ભારત આવ્યા અને પાણીપત સહિત અન્ય લડાઈઓમાં ભાગ લઈ, પાછળથી દીવાને બયુતાત બન્યા હતા. હુમાયૂંના સમયમાં તેમને ગુજરાતના વજીર તરીકે નીમવામાં આવ્યા હતા. નિઝામુદ્દીન અહમદે મુલ્લાં શેરઅલી પાસે શિક્ષણ લીધું હતું. તેમને ઐતિહાસિક રચનાઓ તથા વિદેશી મુસાફરોના વૃત્તાંતોનો અભ્યાસ કરવામાં રસ પડતો હતો. અભ્યાસ દ્વારા તેમણે ઇતિહાસ વિશેની સમજ કેળવી હતી. અભ્યાસ બાદ તેઓ સમ્રાટ અકબરના લશ્કરમાં જોડાયા અને ઉચ્ચ હોદ્દો મેળવ્યો. ગુજરાત જીત્યા બાદ અકબરે ગુજરાતના સૂબાના બક્ષી તરીકે નિઝામુદ્દીનની નિમણૂક કરી હતી. ઈ. સ. 1585થી 1589-90 દરમિયાન તેમણે બક્ષી તરીકે ઉત્તમ સેવા બજાવી. તેઓ પોતે કવિ, વિદ્યાના ઉપાસક અને વિદ્વાનો, કવિઓ તથા લેખકોના આશ્રયદાતા હતા. ગુજરાતમાં ફારસીના અનેક કવિઓ તેમની સાથે સંકળાયેલા હતા. તેઓ કવિઓની મહેફિલો યોજતા. તેમણે ‘તબકાતે-અકબરી’ નામનો ફારસી ભાષામાં મહત્વનો ગ્રંથ લખ્યો. તે મુઘલ સમયના ભારતના ઇતિહાસનો આધારભૂત ગ્રંથ મનાય છે. તેમાં ભારતના સુલતાનો અને રાજાઓની આપેલ માહિતી વિશ્વસનીય છે. ભારતના સળંગ ઇતિહાસોમાં આ ગ્રંથ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એમાંથી ગુજરાત સહિત બીજા પ્રાંતોનો ઇતિહાસ પણ મળે છે. અકબરે ભારતનો ઇતિહાસ લખવા જે સાત તવારીખકારોને બોલાવ્યા હતા, તેમાં નિઝામુદ્દીન પણ હતા. તેઓ અકબરના માનીતા તવારીખકાર હતા.

ચીનુભાઈ નાયક

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ