નરીમાન, ખુરશેદ ફરામજી [જ. 17 મે 1883, થાણે (મહારાષ્ટ્ર); અ. 4 ઑક્ટોબર 1948, મુંબઈ] : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા. વીર નરીમાન તરીકે જાણીતા. જન્મ મધ્યમવર્ગીય પારસી કુટુંબમાં થયો હતો. પિતા ફરામજી થોડો સમય જંજીરા સ્ટેટના દીવાન હતા અને પાછળથી તેમણે બેલગામમાં પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે કામ કર્યું હતું.
ખુરશેદ નરીમાન તેમના ફુઆ અને પારસી કોમના મોટા ધર્મગુરુ દસ્તૂર હસંગ જમસ્પ પાસે પુણેમાં સેંટ વિન્સ્ટન સ્કૂલ અને ડેક્કન કૉલેજમાં અભ્યાસ કરીને બી.એ. થયા. ત્યારપછી મુંબઈમાંથી એલએલ.બી. થઈને વકીલાત શરૂ કરી. ફોજદારી વકીલ તરીકે તેમણે નામના પ્રાપ્ત કરી હતી.
1924થી 15 વર્ષ સુધી નરીમાન મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સૌથી વધારે મત મેળવીને સતત ચૂંટાતા રહ્યા. 1935–36 દરમિયાન તેઓ મુંબઈના મેયર તરીકે ચૂંટાયા હતા. મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં રહીને તેમણે મુંબઈના પછાત વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ સ્થાપી અને ગંદકી નાબૂદ કરવાની ઝુંબેશ ચલાવી હતી. તેમણે વિદ્યાર્થી અને યુવકપ્રવૃત્તિમાં પણ સક્રિય રસ લીધો. ઘણાં વર્ષો સુધી તેઓ ‘બૉમ્બે બ્રધરહૂડ’ અને ‘બૉમ્બે યૂથ લીગ’ના પ્રમુખ રહ્યા હતા.
તેઓ કૉંગ્રેસમાં જોડાયા અને મુંબઈ કૉંગ્રેસના લોકપ્રિય નેતા બન્યા. સાત વર્ષ સુધી તેઓ મુંબઈ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ હતા. તેઓ અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ અને કારોબારીના પણ સભ્ય થયા હતા. 1934માં મુંબઈ ખાતે ભરવામાં આવેલ કૉગ્રેસના વાર્ષિક અધિવેશનની સ્વાગત સમિતિના તેઓ પ્રમુખ હતા.
1919ના બંધારણીય સુધારા દાખલ કરવામાં આવ્યા તે પહેલાં નરીમાન મુંબઈના ગવર્નરની કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું ત્યારે નરીમાને કાઉન્સિલોના બહિષ્કારને ટેકો આપ્યો. જોકે નરીમાન ગાંધીજીના અહિંસક આંદોલન તેમજ તેમના કેટલાક રચનાત્મક કાર્યક્રમો સાથે સંમત થયા ન હતા; તેમ છતાં 1920 પછીથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ તેમણે રાષ્ટ્રીય આંદોલનમાં સંપૂર્ણપણે ઝંપલાવ્યું.
સી. આર. દાસ અને પંડિત મોતીલાલ નેહરુના નેતૃત્વ હેઠળના કૉંગ્રેસ સ્વરાજ પક્ષ તરફથી નરીમાન મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં સૌથી વધારે મતે ચૂંટાયા. વિરોધ પક્ષના નેતા તરીકે તેમણે સરકારના મુંબઈ વિકાસ ખાતાની ક્ષતિઓની કડક ટીકા કરી હતી. તેથી તે ખાતાના વડા હાર્વેએ તેમની સામે અદાલતમાં બદનક્ષીનો કેસ કર્યો, પરંતુ અદાલતે તેમને નિર્દોષ જાહેર કર્યા. ત્યારથી તેઓ વીર નરીમાન તરીકે લોકપ્રિય બન્યા.
1930માં ગાંધીજીએ શરૂ કરેલા સવિનય કાનૂનભંગના આંદોલન વખતે મુંબઈમાં મીઠાના કાયદાનો સૌપ્રથમ ભંગ કરી જેલમાં જનાર નરીમાન હતા. 1932 સુધીમાં તેઓ ચાર વખત જેલમાં ગયા. નરીમાન ‘ઇન્ડિપેન્ડન્સ ઑવ્ ઇન્ડિયા લીગ’ના પણ નેતા હતા. 1932માં જેલમાંથી છૂટ્યા પછી તેમણે ‘વ્હિધર કૉંગ્રેસ ?’ શીર્ષક હેઠળ પુસ્તક લખ્યું. તેમાં તેમણે કૉંગ્રેસ સંગઠનની મર્યાદાઓ વિશે દલીલ કરતાં લખ્યું કે કૉંગ્રેસે માત્ર રાજકીય સંગઠન તરીકે જ કાર્ય કરવું જોઈએ અને સાંસ્કૃતિક કે બીજી પ્રવૃત્તિઓ કરીને પોતાની શક્તિ વેડફવી જોઈએ નહિ.
1937માં નરીમાન સરદાર પટેલ સાથે ઘર્ષણમાં આવ્યા. સરદાર પટેલ તે વખતે કૉંગ્રેસ પાર્લમેન્ટરી બોર્ડના પ્રમુખ હતા. ઘર્ષણનું કારણ સ્પષ્ટ ન હતું. નરીમાનને કેન્દ્રીય ધારાસભામાં સર કાવસજી જહાંગીર સામે કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું, પરંતુ નરીમાને તેનો સ્વીકાર ન કર્યો. જોકે નરીમાન કૉંગ્રેસ તરફથી મુંબઈ ધારાસભામાં ચૂંટાયા, પરંતુ તેમની સામે શિસ્તભંગનાં પગલાં ભરવામાં આવ્યાં અને બી. જી. ખેરના પ્રધાનમંડળમાં લેવામાં ન આવ્યા. ત્યાર પછીની મુંબઈ ધારાસભામાં તેમનાં ભાષણોમાં તેમણે કૉંગ્રેસ સરકારની નીતિની ટીકા કરી હતી.
દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે દિલ્હી તેમજ મલાયામાં આઝાદ હિંદ ફોજના સૈનિકો સામે ચાલેલા ખટલામાં સૈનિકોના કાનૂની બચાવ માટે બીજા આગળ પડતા ધારાશાસ્ત્રીઓ સાથે નરીમાન પણ જોડાયા હતા.
ર. લ. રાવળ