નરિણૈ (રચનાકાળ : . . પૂ. બીજી સદીથી . . બીજી સદી સુધી) : આ તમિળ સંઘકાલીન અષ્ટપદ્યસંગ્રહો(એટ્ટુતોગૈ)માં બધા કરતાં પ્રાચીન તથા મુખ્ય ગ્રંથ છે. એમાં નવ પંક્તિઓથી માંડીને બાર પંક્તિઓનાં પદો છે. એમાં 187 કવિઓની રચનાઓ સંગૃહીત છે. એમાં આંતરિક જીવનનું વર્ણન હોવાથી એની ગણના ‘અહમ્’ કાવ્યોમાં કરવામાં આવી છે. આ કૃતિનો મુખ્ય વિષય પ્રેમ છે. પ્રેમની ભિન્ન ભિન્ન દશાઓ તથા પાંચ ભૂભાગોમાં પ્રેમીઓના જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સંયોગ તથા વિયોગ શૃંગારનાં સુંદર ચિત્રો છે. તત્કાલીન તમિળ સમાજમાં પ્રચલિત ‘મડલ અરુવલ’ પ્રથાનું વર્ણન મળે છે. પ્રેમિકાને મેળવવામાં નિષ્ફળતા મળતાં પ્રેમી તાડનાં પાંદડાંથી બનાવેલા ઘોડા પર સવાર થઈને ગલીએ ગલીએ ઘૂમતો હતો તથા પ્રેમિકા ન મળે તો આત્મહત્યા કરવાની ધમકી આપતો હતો. આમ કરવાથી એને પ્રેમિકા મળી જતી હતી. આ ક્રિયાને ‘મડલ અરુદબ’ કહે છે. પરવર્તી કાળમાં આ પ્રકારનાં વર્ણનોનું અનુકરણ કરતાં તમિળ ભક્ત-કવિઓએ ‘મડલ’ કાવ્યની રચના કરી, જેમાં ભક્ત પ્રભુ એને ન અપનાવે તો આત્મહત્યાની ધમકી આપતો હોય છે.

ચન્દ્રકાન્ત મહેતા

અમિતાભ મડિયા