નરવર્મા (ઈ. સ. 1095 આશરે) : ભારતમાં માળવાના પરમાર વંશનો રાજા. તેના મોટા ભાઈ લક્ષ્મણદેવ પછી ધારની ગાદીએ ઈ. સ. 1095માં કે તે પૂર્વે આવેલો. એના 38 વર્ષના રાજ્યકાલ દરમિયાન એ સમકાલીન ચંદેલા રાજા સલક્ષણવર્મા, ચોળ રાજા વિક્રમ અને ગુજરાતના ચૌલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે અથડામણમાં આવેલો અને સિદ્ધરાજે તેને સખત હાર આપી હતી. એણે માળવાનો કેટલોક પ્રદેશ પણ ગુમાવેલો. નરવર્મા તેના પ્રપિતામહ રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાનો આશ્રયદાતા હતો. એ સ્વયં દક્ષ કવિ હતો. તેણે રચેલી પ્રશસ્તિઓ મળી છે. નાગપુરપ્રશસ્તિ તેમજ ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરમાં કોતરેલી પ્રશસ્તિ એની રચનાઓના નમૂનારૂપ છે. એને લગતા છ અભિલેખો મળ્યા છે, જેમાં એને ધર્મપ્રતિપાલક કહેવામાં આવ્યો છે. લેખોમાં એણે ખોદાવેલ તળાવ, બંધાવેલ શિવાલય, મંદિરના નિભાવ અર્થે આપેલ ગ્રામદાન તેમજ પોતાની ઇષ્ટદેવી ચર્ચિકાનું મંદિર બંધાવ્યાને લગતા નિર્દેશ મળે છે. એના સમયમાં જૈન ધર્મને પણ પ્રોત્સાહન મળ્યું હતું. ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરમાં એની ઉપસ્થિતિમાં જૈન મુનિ રત્નસૂરિ અને શૈવ પંડિત વિદ્યાશિવવાદિન્ વચ્ચે વિવાદ થયો હતો, જેમાં જૈન વિદ્ધાનનો વિજય થતાં રાજ્યમાં જૈન ધર્મનો પ્રભાવ વધ્યો હતો. નરવર્મા પછી તેનો પુત્ર યશોવર્મા ઈ. સ. 1133માં ધારની ગાદીએ આવેલો.
પ્રવીણચંદ્ર પરીખ