નરવર્ધન (ઈ. સ. 500 આશરે) : પુષ્યભૂતિ વંશનો થાણેશ્વરનો મહારાજા. સ્થાણ્વીશ્વર(થાણેશ્વર-થાણેસર)ના પુષ્યભૂતિ વંશમાં એકાધિક રાજાઓ થયા. મુદ્રાઓ અને તામ્રપત્રોમાંનાં લખાણો ઉપરથી આ વંશના રાજાઓની માહિતી ઉપલબ્ધ થાય છે. તે અનુસાર ઈ. સ. 500ના અરસામાં મહારાજા નરવર્ધન થઈ ગયા. સરસ્વતીના કાંઠે થાણેશ્વર હતું અને ત્યાં રાજ્ય સ્થાપનાર પુષ્યભૂતિ હતો. આ રાજાઓ મૂળ વૈશ્ય વર્ણના હતા. નરવર્ધનની રાણીનું નામ વજ્રિણીદેવી અને એના પુત્રનું નામ રાજ્યવર્ધન હતું. નરવર્ધન ‘મહારાજા’નું બિરુદ ધરાવતો હતો. બાણના જણાવ્યા મુજબ ‘સ્થાણ્વીશ્વર’ નામ શહેર અને જિલ્લા ઉભયનું હતું. હર્ષવર્ધન નરવર્ધનના પૌત્ર આદિત્યવર્ધનના પુત્ર પરમભટ્ટારક મહારાજાધિરાજ પ્રભાકરવર્ધન અને પુત્રવધૂ યશોમતીદેવીનો દ્વિતીય પુત્ર હતો.

રસેશ જમીનદાર